કોરોના પોઝિટિવ કેસોની સંપૂર્ણ સરનામા સાથેની વિગતો સમયસર જાહેર થતી નથી
જામનગરમાં છેલ્લા દસ દિસથી ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર પણ નવા નવા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન/બફર ઝોન જાહેર કરવાની કાર્યવાહીમાં વ્યસ્ત છે. થોડા દિવસો અગાઉ અખબારોના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રનું કોરોના પોઝિટિવ કેસોના ચોક્કસ અને પૂરા સરનામા સાથેની વિગતો જાહેર કરવા માટે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ વહીવટી તંત્ર એ બે-ચાર દિવસ સુધી કોરોના પોઝિટિવ કેસના વિસ્તારની જાહેરાત સાથે તેનું સંપૂર્ણ સરનામું દર્શાવવાનું શરૂ કર્યું હતું.
પણ ફરીથી તંત્રને જાણે આળસ ચડી ગઈ હોય તેમ છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ કેસની વિગતોમાં એક આખા મોટા વિસ્તાર જ ઉલ્લેખ થાય છે. જેમ કે વાલકેશ્વરનગરી તો વાલકેશ્વર નગરીમાં ચોક્કસ માઈલ સ્ટોન કે એપાર્ટમેન્ટ કે જાણીતા સ્થળનો ઉલ્લેખ નહીં હોવાથી ગુરુદ્વારા ચોકડીથી લઈ સાત રસ્તા સુધી અને છેક સ્વસ્તિક સોસાયટી સુધી વિસ્તરેલા આ વિસ્તારના તમામ લોકોમાં ચિંતા થાય તે સ્વાભાવિક છે. કોરોના પોઝિટિવ કેસની વિગતો જાહેર કરવામાં પણ તંત્ર દ્વારા વિલંબ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં જે વિગતો ફરતી થાય છે તેની જાહેરાત તંત્ર દ્વારા ૧૦-૧૨ કલાક મોડી કરવામાં આવે છે.
હાલના કપરા કાળમાં કોરોના પોઝિટિવ કેસની તમામ ચોક્કસ વિગતો લોકોની જાણ માટે વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર દ્વારા પૂરી કાળજી સાથે જેમ બને તેમ ઝડપથી જાહેર થાય તે અત્યંત જરૂરી છે. તંત્ર દ્વારા દર્દીના નામનો ઉલ્લેખ રાખવાની સૂચના છે તો નામ વગર તો તમામ વિગતો ઝડપી જાહેર કરશે. દેવભૂમિ દ્વારા તેમજ રાજકોટ જિલ્લાના તંત્ર દ્વારા તો નામ, ઉંમર, પૂરેપૂરું સરનામું તેના વ્યવસાયમાં સરનામું તથા તેની ટ્રાવેલ હિસ્ટ્રી જો હોય તો તે પણ વિના સંકોચે જાહેર કરવામાં આવે છે. દરેક કેસની સાથે જિલ્લાની સંપૂર્ણ કોરોનાની સ્થિતિ પણ જાહેર કરવામાં આવે છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)