વડોદરા નિમેટા ખાતે નિર્માણ પામનારા નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડીઝાઈન કોન્ટ્રાકટર પાસે ન કરાવતા વડોદરા મહાનગર પાલિકા જાતે કરાવે અને કોન્ટ્રાકટરને આપે : નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલ

- મ્યુનિસિપલ કમિશનર શ્રી ને પત્ર પાઠવી ટેન્ડર પ્રક્રિયામાં સમુચિત ફેરફાર કરવા કર્યો અનુરોધ..
વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિમેટા ખાતે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની સ્થાપના કરી વડોદરા સુધીની પાઇપ લાઈન બિછાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં તેના અનુસંધાને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.તેના અનુસંધાને રાજ્યના નર્મદા વિકાસ મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે,વડોદરા મહાનગર પાલિકાના કમિશનરશ્રી ને એક પત્ર પાઠવ્યો છે અને તેના દ્વારા ,હાલની ટેન્ડર ની શરતોમાં જો પ્લાંટની ડીઝાઇન કોન્ટ્રાકટર કરે એવી જોગવાઈ હોય તો એ જોગવાઇમાં ફેરફાર કરીને, પ્લાન્ટની ડીઝાઇન વડોદરા મહાનગર પાલિકા કન્સલ્ટન્ટ પાસે જાતે કરાવી ઇજારદારને આપે એવો સુધારો કરવા અને એ પ્રમાણે સુધારા સાથે નવેસર થી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અનુરોધ કર્યો છે.
એમણે પત્રમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં પ્લાન્ટ ની ડીઝાઈન કોન્ટ્રાકટર દ્વારા કરાવવામાં આવી હોય એવી જોગવાઈ હેઠળ 7 વર્ષ પહેલાં નિમેટા ખાતે સ્થાપવામાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી મુશ્કેલીનો અનુભવ થયો છે.તેના પરિણામે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને એક વર્ષ સુધી ગંદા પાણીની તકલીફ વેઠવી પડી છે.એટલે નવા પ્લાન્ટ ની સ્થાપનામાં તેના નિવારણ ની અગમચેતી દાખવવી જરૂરી છે.એટલે નવા પ્લાંટના ટેન્ડર માં,પ્લાન્ટ ની ડીઝાઈન વડોદરા મહાનગર પાલિકા કરાવશે અને કોન્ટ્રાકટર ને આપશે અને તેના આધારે પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે તેવો સુધારો કરીને જ ટેન્ડર પ્રક્રિયામાં આગળ વધવા એમણે ખાસ અનુરોધ કર્યો છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)