દેશમાં પ્રથમ વખત ડિજિટલ મેપ દ્વારા વડોદરા શહેરની વસ્તી ગણતરી કરવાનું આયોજન

કોરોના મહામારી વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાનનો સદુપયોગ કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે 150 મકાનના બ્લોક સાથેના ડિજિટલ મેપ તૈયાર કરી તેના ઉપયોગથી વસ્તી ગણતરીની કામગીરી કરવાની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ છે હોવાનું જાણવા મળે છે. વર્ષ 2011માં વસ્તી ગણતરી થયા બાદ ફરી એક વખત 10 વર્ષ બાદ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ તબક્કો જાન્યુઆરી વર્ષ 2020 થી જૂન સુધી અને બીજો તબક્કો ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન કામગીરી થવાની હતી પરંતુ કોરોના ઇફેક્ટને કારણે હાલમાં આ કામગીરી શરૂ થઇ શકી નથી પરંતુ મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને વસ્તી ગણતરી વિભાગના ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ વસ્તી ગણતરી અધિકારી તથા તેમની 35 કર્મચારીની ટીમે લોકડાઉનનો સદુપયોગ કરી ડિજિટલ મેપ તૈયાર કર્યા છે.
જેના દ્વારા દેશમાં પ્રથમવાર ડિજિટલ મેપ દ્વારા વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે તેમ જાણવા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે વસતી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારે હાલમાં પ્રથમ તબક્કામાં ઘર યાદી કરણ અને બીજા તબક્કામાં નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર તૈયાર કરવામાં આવે છે. વસ્તી ગણતરીની કામગીરીમાં એક પણ વ્યક્તિ બાકી રહી જાય નહીં તેને ધ્યાનમાં રાખી વસ્તી ગણતરી માટે નકશા વિભાગમાંથી જૂની હદ પ્રમાણેના જે જૂના નકશા મેળવ્યા હતા અને તેમાં નવી વોર્ડની હદ પ્રમાણેના નકશા તૈયાર કર્યા હતા. આ નવી હદ પ્રમાણેના નકશા લઈને વોર્ડ ઓફિસના કર્મચારીઓની મદદ લઇ પાંચ કર્મચારીની ટીમ બનાવવામાં આવી હતી અને બ્લોક કાર્વિંગ અને સીરીયલ લાઇઝનીંગ કરવા માટેની કામગીરી કરી જે નવા મકાનો બન્યા હોય તેનો પણ નકશામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વડોદરાના તમામ વિસ્તારનો સર્વે કર્યા બાદ ડિજિટલ નકશા તૈયાર કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટે સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનીટરીંગ સિસ્ટમ નામની મોબાઈલ એપ તૈયાર કરી છે.
આ મોબાઇલ એપનો ઉપયોગ કરી વસ્તી ગણતરી માટે રોકવામાં આવનાર 4500 કર્મચારીઓને ડિજિટલ મેપ મોબાઇલમાં આપવામાં આવશે. જેમાં એક કર્મચારી જે વસ્તી ગણતરી દાર હશે તેને 150 મકાન જેટલો જ બ્લોક જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી કે કર્મચારીને વસતી ગણતરીની કામગીરીમાં સરળતા રહેશે. લોકડાઉન દરમિયાન વસ્તી ગણતરી વિભાગના અધિકારી સમીક જોશી અને તેમની 35 કર્મચારીની ટીમે સમયનો સદુપયોગ કરી ડિજિટલ મેપ અને 850ની વસ્તી અને150 મકાનનો બ્લોક તૈયાર કર્યા છે. ત્યારે વસ્તી ગણતરી દર કર્મચારીને સરળતા રહેશે એટલું જ નહીં આ ડિજિટલ મેપ તૈયાર કર્યા છે તે દરેક વોર્ડ ઓફિસમાં પણ મુકવામાં આવશે. આ ડિજિટલ મેપ જો કોઈ કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હોય તો તેની પાછળ રૂપિયા 4થી 5 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે પરંતુ વસ્તી ગણતરી વિભાગના જ કર્મચારીઓની ટીમે લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને ડિજિટલ મેપ બનાવી કોર્પોરેશનના નાણાનો બચાવ પણ કર્યો હોવાનું જાણવા મળે છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)