યુવતીની આપવીતી : ‘તુ દેહવિક્રયનો ધંધો શરૂ કર, હું ગ્રાહકો શોધી આપીશ, મજબુરીમાં હા પાડી…

શહેરના તરસાલી વિશાલ નગર સોસાયટીમાં રહેતાં સસરાને રહેંસી નાંખતા પહેલાં આરોપી યુવકે નેશનલ હાઈવે પરની ગોલ્ડન સિટી હોટલના રુમમાં ખેલેલા ખુની ખેલમાં ઘાયલ થયેલી કૉલગર્લે હોસ્પિટલના બીછાનેથી કરેલાં રહસ્યસ્ફોટે કૉલગર્લના જીજાજી તેમના મિત્ર અને હુમલાખોર ગ્રાહકના હાથમાં હાથકડી લગાવી દીધી છે.
કોરાના મહામારીના કારણે જયપુર શહેરમાં ત્રણ મહિનાનું ભાડુ ચઢી ગયું હતું. મારા જીજાજીએ મારી આર્થિક મજબુરીનો લાભ લઈને મને કૉલગર્લ બનવા માટે મજબુર કરી છે અને મને દલદલમાં ધકેલી છે. ગ્રાહક મીતુલ મને હોટલમાં લઈ ગયો હતો. જયાં પહેલા પૈસાની માંગણી કરતાં તેણે ચાકુથી હુમલો કર્યો હતો અને નાસી ગયો હોવાની કેફીયત આપતાં ગોરવા પોલીસે જીજાજી, એજન્ટ અને ગ્રાહક મીતુલ સામે અનૈતિક દેહ વ્યાપાર નિવારણ અધિનિયમ હેઠળ એફ.આઈ.આર. નોંધીને જીજાજી અને એજન્ટને અટકાયતમાં લીધા છે.
અહિં નોંધવુ જરુરી છે કે, ગ્રાહક મીતુલ તેના સસરાની હત્યા કરવા બદલ મકરપુરા પોલીસની હિરાસતમાં છે. એ.સી.પી. બકુલ ચૌધરીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, ઈજાગ્રસ્ત યુવતી મૂળ રાજસ્થાનની વતની છે. થોડાક દિવસ પૂર્વે વડોદરા શહેરમાં રહેતાં બહેન બનેવીના ઘરે રહેવા આવી હતી. નોકરી શોધવા માટે યુવતીએ જીજાજીને વિનંતી કરી હતી. હાલના સંજોગોમાં કામ ધંધો મળી શકે તેમ નથી. તુ દેહ વિક્રયનો ધંધો શરુ કર હું ગ્રાહકો શોધી આપીશ, મજબુરીથી ઘેરાયેલી યુવતીએ હા પાડી હતી. જીજાજીએ તેના મિત્ર અર્જુન ઉર્ફે રોહીત દેવીસિંહ રાજપૂતનો કોન્ટેકટ કર્યો હતો. અર્જુને એક ગ્રાહક મીતુલ પંકજ ટેલર શોધી આપ્યો હતો. ગઈકાલે તા.15મીએ સવારે 11.30 વાગે જીજાજી તેમની સાળીને બાઈક ઉપર બેસાડીને ગોત્રી યશ કોમ્પલેકસ પાસે મુકવા આવ્યા હતા. યુવતી ગ્રાહક સાથે ટુ વ્હિલર પર બેસીને હાઈવે પર આવેલી ઈસ્ટ્રન આર્કેડની ગોલ્ડન સિટી હોટલના રુમમાં ગઈ હતી. જયાં પહોંચીને યુવતીએ મીતુલ પાસે પહેલા પૈસા માગ્યા હતા અને મીતુલ ઉશ્કેરાયો હતો જેણે યુવતીના શરીર ઉપર ચાકુના ઘા ઝીંકયા હતા અને હોટલના કમરામાંથી નાસી છુટયો હતો.
જે ઘટનાક્રમ અને તપાસ દરમીયાન મળી આવેલાં પુરાવાઓના આધારે ગોરવા પોલીસે આજે આરોપી જીજાજી, એજન્ટ અર્જુન ઉર્ફે રોહીત દેવીસિંહ રાજપૂત (રહે, વિજય ગેસ્ટ હાઉસ, સયાજીગંજ) અને હુમલાખોર ગ્રાહક મીતુલ પંકજ ટેલર (રહે, હરિ દર્શન બંગલોઝ, અક્ષર ચોક,સનફાર્મા રોડ) વિરુધ્ધમાં અનૈતિક દેહ વ્યાપાર નિવારણ અધિનિયમ હેઠળ એફ.આઈ.આર. નોંધીને જીજાજી અને એજન્ટને અટકાયતમાં લીધા છે. કોરોના ટેસ્ટ કરાવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હાઈવે પરની ગોલ્ડન સિટી હોટલના રૂમ નં. 417માં શું બન્યું? હું મરી ગઈ તેમ સમજી મિતુલ ભાગી ગયો, ગળે દુપટ્ટો લપેટી જીજાજી પાસે પહોંચી. સયાજી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલી કૉલગર્લે હુમલાખોર મીતુલ ટેલર સામે વરણામા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશીશની એફ.આઈ.આર. નોંધી છે. હોટલમાં શું થયું તે અંગે કૉલગર્લે પોલીસ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, મીતુલ ટેલર નામના ગ્રાહક સાથે હું ગોલ્ડન સિટી હોટલના 4થા માળના 417 નંબરના રુમમાં ગઈ હતી. રુમમાંથી મે જીજાજીને ફોન કર્યો હતો અને કેટલા પૈસા લેવાના છે તેવું પૂછયુ હતુ. જીજાજીના કહેવા પ્રમાણે રૂ. 4,500ની માંગણી કરી હતી.
મીતુલે મોબાઈલ ફોનથી ઓન લાઈન પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પૈસા ટ્રાન્સફર થયા નહોતા. જેથી પછી આપી દેવા કહયું હતું. કૉલગર્લે પહેલા પૈસાની માંગણી કરતાં મીતુલ ઉશ્કેરાયો હતો અને પેન્ટના ખીસ્સામાંથી ચાકુ કાઢીને ગળાના ભાગે અને પીઠ ઉપર ઉપરા છાપરી 3 ઘા ઝીકયા હતા. હું પલંગ ઉપર પડી ગઈ હતી. મીતુલે ઓશીકાથી મારુ મો દબાવ્યું હતુ. હું બેશુદ્દ થઈ ગઈ હતી, મને મરી ગયેલી સમજીને ગ્રાહક ભાગી ગયો હતો. હું ભાનમાં આવી એટલે તુરંત જીજાજીને ફોન કર્યો અને રુમમાં શું થયુ તેની કોઈને જાણ ના થાય તે માટે ગળાના ભાગે દુપટ્ટો વિંટાળીને લીફટમાંથી નીચે ઉતરી અને ફટાફટ રીક્ષામાં બેસીને આજવા રોડ જીજાજી પાસે પહોંચીને સારવાર માટે સયાજીમાં આવી હતી. વરણામા પોલીસે હુમલાખોર મીતુલ ટેલર સામે હત્યાની કોશીશનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
તરસાલી વિશાલ નગર સોસાયટીમાં રહેતાં સસરા જયપ્રકાશ દરજીની હત્યા કરનારા જમાઈ મીતુલ પંકજભાઈ ટેલર (રહે, એ-34, હરી દર્શન બંગલોઝ, અક્ષર ચોક પાસે, સનફાર્મા રોડ) સામે કુલ 3 એફ.આઈ.આર. દાખલ થઈ છે. સસરા જયપ્રકાશની થયેલી હત્યા બદલ સાસુ પરેશાબેને મકરપુરા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. 302ની ફરીયાદ નોંધાવી છે. વરણામા પોલીસે કૉલગર્લની ફરીયાદના આધારે હત્યાની કોશીશનો ગુનો નોધ્યો છે. ગોરવા પોલીસે દેહ વિક્રય અંગેનો અલાયદો ગુનો નોંધ્યો છે. પોલીસની પૂછપરછમાં મિતુલની માતા બેશુદ્ધ થઈ. ડી.સી.પી. સંજય ખરાતે જણાવ્યુ હતુ કે, આરોપી મીતુલ ટેલરના તેના માતા પિતા સાથે કોઈ સબંધ નથી.