જૂનાગઢની યુવતી પોતાના પ્રેમી સાથે સંબંધ કાપતા અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ઘટનાના આરોપીને ઝડપી પાડ્યો

જુનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ચોબારી રોડ ઉપર એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદીની સગીર પુત્રી સાથે આરોપી વિવેક રહે. મધ્યપ્રદેશ દ્વારા ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી, મેસેજની આપ લે દ્વારા પ્રેમ સંબંધ કેળવી, સતત સંપર્ક રાખેલ હતો. સગીર પુત્રી દ્વારા ફોટોગ્રાફ મંગાવેલ અને આરોપી દ્વારા યુવતીનો અશ્લીલ વીડિયો મંગાવતા, યુવતીએ ભોળાપણમા મોકલાવેલ પણ હતો. ફરિયાદીની સગીર પુત્રી દ્વારા વાસ્તવિક હકીકતની જાણ થતા, ફેસબુકની હકીકત અને વાસ્તવિક હકીકતમાં જમીન આસમાનનો ફેર જણાયેલ અને સંબંધ નહીં રાખવા જણાવતા, આરોપીએ અશ્લીલ વીડિયો વાયરલ કરીને બદનામ કરવાની કોશિશ કરતા, તા. 06.06.2020 આ બાબતે ફરિયાદી દ્વારા જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેડતી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલોસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા યુવતીની ઉમર અને ગુન્હાની ગંભીરતા આધારે સગીર વયની યુવતીને બદનામ કરનાર આરોપીને ઊંડાણપૂર્વક તપાસ કરી, શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર, હે.કો. પરેશભાઇ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, ભગતસિંહ, મહિલા પો.કો. પુરીબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળેલ કે, આરોપી દ્વારા જુદા જુદા આઈડી આધારે ફેક નામથી ફેસબુક એકાઉન્ટ ખોલી, યુવતીનો સંપર્ક કરવામા આવેલ હોવાની વિગત જાણવા મળેલ હતી.
ઉપરાંત, આરોપી દ્વારા ફરિયાદી તથા ફરિયાદીની પત્ની સાથે અલગ અલગ મોબાઈલ નંબરો થી સગીર યુવતી ખરાબ ચારિત્ર્યનું હોવાનું જણાવેલ હોઈ, ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા ટેક્નિકલ સોર્સથી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, આરોપી હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના સનોઈ જિલ્લામાં આવેલ સનાઈ ડોંગરી ગામમાં જ રહે છે, જે મળેલ બાતમી આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે. પરમાર તથા સ્ટાફની ટીમ દ્વારા આરોપી ક્રિષ્નાકુમાર ઉર્ફે કૃષ્ણકુમાર ઉર્ફે કિસ્સું પ્રહલાદ યાદવ જાતે આહીર ઉવ. 32 રહે. સનાઈ ડોંગરી તા. લખંનડોંગ જી. સનોઈ મધ્યપ્રદેશને મહા મહેનતે શોધી કાઢી, આરોપીને રાઉન્ડ અપ કરી, જૂનાગઢ લાવી, કોરોના ટેસ્ટ કરાવી, ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ક્રિષ્નાકુમાર ઉર્ફે કૃષ્ણકુમાર ઉર્ફે કિસ્સું પ્રહલાદ યાદવ જાતે આહીરને પકડવા ગયેલ પોલીસ પાસે વિવેક નામ અને મોબાઈલ નંબર તથા યુવતીને મોકલાવેલ ફોટોગ્રાફ હોઈ, જે આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશ તપાસમાં ગયેલ પીએસઆઇ એ.કે. પરમાર, હે.કો. પરેશભાઇ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, ભગતસિંહ, મહિલા પો.કો. પુરીબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ફોટોગ્રાફ આધારે અન્ય વ્યક્તિને ઉપાડી લાવેલ પરંતુ, પોતે આ બાબતે કાઈ જાણતો નહીં હોવાનું જણાવતા, મોબાઈલ નંબર વેરીફાય કરવામાં આવતા, તે નમ્બર પોતાના મિત્ર આરોપી ક્રિષ્નાકુમાર ઉર્ફે કૃષ્ણકુમાર ઉર્ફે કિસ્સું પ્રહલાદ યાદવ જાતે આહીરના હોવાનું જણાવતા, આરોપીને શોધી કાઢી, પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી આરોપી ક્રિષ્નાકુમાર ઉર્ફે કૃષ્ણકુમાર ઉર્ફે કિસ્સું પ્રહલાદ યાદવ જાતે આહીર દવારા યુવતીને પોતાના મિત્રનો ફોટો મોકલવામાં આવેલાની તથા પોતે જ યુવતી સાથે સંપર્ક કરેલાની તેમજ અશ્લીલ વીડિયો યુવતીના સંબંધીઓને મોકલી વાયરલ કરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.
પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આમ, સોશિયલ મીડિયા દ્વારા જૂનાગઢની યુવતી મધ્યપ્રદેશ રાજ્યના યુવકના પ્રેમમાં પડેલી અને કંઈપણ વિચાર કર્યા વિના પોતાના પ્રેમીને મેસેજ, અશ્લીલ વીડિયો, ફોટા, વિગેરેની આપ લે કરી, વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થતા, યુવક સાથે સંબંધ કાપતા, યુવક દ્વારા અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ઘટના હાલના યુવાન યુવતી તથા તેના માતપિતા કુટુંબના સભ્યો માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયેલ છે. જેથી, સાંપ્રત સમયમાં યુવાન યુવતી તથા તેના માતાપિતા કુટુંબીજનોએ સોશિયલ મીડિયાના ઉપયોગથી ચેતવાની જરૂર છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ