સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓના સંચાલન અને પ્રબંધન સબંધી પડકારો બાબતે રજૂઆત

સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓના સંચાલન અને પ્રબંધન સબંધી પડકારો બાબત અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે આજરોજ ગુજરાત રાજ્યના રાજ્ય ચુંટણી કમિશ્નરશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. પત્રમાં શ્રી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીનો કપરોકાળ ચાલી રહ્યો છે તેવા સંજોગોમાં રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ૬-મહાનગરપાલિકા (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર) ૫૬-નગરપાલિકાઓ, ૩૧-જીલ્લા પંચાયત (ખેડા અને બનાસકાંઠા સિવાય તમામ) અને ૨૩૧-તાલુકા પંચાયતની મુદત પુરી થાય છે, જેની સામાન્ય ચુંટણી ઓકટોબર અને ડીસેમ્બરમાં યોજવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને તે અંગે સીમાંકન અને રોટેશનના પ્રાથમિક જાહેરનામાઓ પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.
હાલના સંજોગોને ધ્યાને લેતાં તથા રાજ્યમાં વ્યાપ્ત સંક્રમણની પરિસ્થિતિના સંદર્ભમાં આગામી માસમાં રાજ્ય ચુંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તો રાજકીય પક્ષો, રાજકીય આગેવાનો, ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ચુંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રચાર-પ્રસાર વિગેરે પણ વધી જાય તે સ્વાભાવિક છે. તદ્દઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ પાયાના અધિકારીશ્રીઓ, કર્મચારીઓની પણ આ સંબંધેની કામગીરીઓમાં સંક્રમિત થવાની સંભાવના ખૂબ જ હોવા છતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો તેમજ અન્ય હિસ્સેદારો સાથે કોઈ પરામર્શ પણ શરૂ કરેલ નથી.
રાજ્ય ચુંટણી પંચ અન્ય પૂર્વ તૈયારીઓની સાથે કોવિડ-૧૯ મહામારીના સંદર્ભમાં કોઈ વિચારણા પણ કરેલ ન હોય તેવી પ્રતિતિ થાય છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ તમામ એકમો તથા હિતસંબંધ ધરાવનારાઓના દ્રષ્ટિકોણને ધ્યાને લીધા સિવાય કે વિચારણા કર્યા વિના એકપક્ષીય રીતે સૂચનાઓ જારી કરી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તો તે આદર્શ સૂચનાઓ અન્વયે ક્ષેત્રિય કક્ષાએ અનુરૂપ પાલન કરાવવાની વ્યવહારૂ મુશ્કેલીઓ તેમજ તટસ્થ અમલવારીના અભાવે લોકશાહી પ્રક્રિયા પણ દુષિત થઈ શકે તેમજ મોટા પ્રમાણમાં સંક્રમણ વધવાની અને જનસમૂહના જીવ જોખમમાં મૂકાવાની પૂરી શક્યતા રહેલ છે.
ઉકત ચુંટણીઓ યોજવામાં આવે તો જાહેરાતના સમયથી લઈને પરીણામ સુધી એટલે કે ૩૦-૩૫ દિવસ સુધી રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ ચુંટણી લડવા અને જીતવા માટેના પ્રયાસો કરવાના. એટલે કે ૩૦-૩૫ દિવસ સુધી રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓ અને નાગરીકો સીધી રીતે જાહેર સભાઓ નહીં કરે તો પણ રસ્તાઓ ઉપર નીકળીને પ્રચાર કરશે, ઘરે-ઘરે ફરીને બધાને મળશે જેના કારણે કોરોનાને શહેરો, ગામો અને ગલીઓ સુધી ફેલાતો કોઈ રોકી શકશે નહીં. તાજેતરમાં રાજ્યમાં રાજકીય નેતાઓ દ્વારા ૨-૪ રેલીઓ યોજવામાં આવી તેના પરીણામ સ્વરૂપ નેતાઓ તો સંક્રમિત થયા પરંતુ રાજ્યના મુખ્ય શહેરોમાં કોરોનાની સંક્ર્મણ ફેલાવતી ચેઈન તોડવા વેપારીઓએ વેપાર-ધંધા સ્વયંભુ બંધ કરવાની ફરજ પડી છે.
જો રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ, ૩૧ જીલ્લા પંચાયતો, ૫૬-નગરપાલિકાઓ અને ૨૩૧-તાલુકા પંચાયતની ચુંટણી યોજવામાં આવશે તો ભયાનક પરિસ્થિતિ રાજ્યમાં આવશે તેને કોઈ રાજકીય નેતાઓ કે કાર્યકર્તાઓ બચાવી શકશે નહીં. શ્રી ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા બાબતે ખૂબ જ સંવેદનશીલ રહીને યોગ્ય તેમજ વ્યવહારૂ ઉપાયો અખત્યાર કરવા જરૂરી છે, અન્યથા રાજ્યમાં ભયાનક સંક્રમણની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં. જેથી વિશાળ હિતને યોગ્ય પરીપ્રેક્ષ્યમાં લક્ષમાં લેવા રજૂઆત સહ વિનંતી કરી હતી.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)