1 ઓક્ટોબરથી ખુલી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી પાર્ક

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી પહેલી ઓક્ટોબરથી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાની સ્થિતિને જોતાં એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ અપાશે . આ માટે માત્ર ઓનલાઈન બૂકિંગ કરાવી પ્રવાસીઓ આવી શકશે. 15 ઓક્ટોબરથી ફ્લાવર ઓફ વેલી, કેક્ટર્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય તેવી પણ શક્યતા છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ માટે બનાવાયેલા જંગલ સફારી પાર્કને 18 ફેબ્રુઆરીએ ટ્રાયલ રન માટે ખુલ્લુ મુકાયું હતુ. પરંતુ કોરોના સમયમાં છ મહિનાથી બંધ રહેલું જંગલ સફારી પાર્ક નવા નીતિ નિયમો સાથે ખુલી રહ્યું છે. આ અંગે સેંન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યૂ દિલ્હીની મંજૂરી પણ મળી ગઈ છે.
આ અંગે જંગલ સફારી પાર્કના ડાયરેક્ટર રામરતન નાલાએ જણાવ્યું કે, 1 ઓકટોબરથી શરૂ થતા સફારી પાર્કમાં પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. દરેકનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પાર્કમાં અંદર પ્રવેશ અપાશે. પાર્કનો સમય સવારે 8થી સાંજે 5 સુધીનો રહેશે. જેમાં 65 વર્ષથી વધુ વયના વડીલો અને 10 વર્ષથી નાની વયનાં બાળકોને ન લાવવા અનુરોધ કરાયો છે. કુલ 375 એકરમાં ફેલાયેલા જંગલ સફારી પાર્કમાં 62 જાતનાં દેશી-વિદેશી 1500 પ્રાણીઓ- પક્ષીઓ છે. ત્યારે સફારી પાર્કમાં પ્રવાસીઓ વાઘ, સિંહ, ગેંડો, જીરાફ, ઝિબ્રા જેવા પશુ-પક્ષીઓને જોવાનો લાભ લઈ શકશે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)