જૂનાગઢ : થોરાળા પોલીસ દ્વારા આરોપીને A ડિવિઝન પોલીસે પકડેલા આરોપીનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરાઈ

જુનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભૂતકાળના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ ભૂતકાળના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ વિશે માહિતી મેળવી, પકડી પાડી, ધરપકડ કરવા સુચનાઓ કરવામાં આવેલ છે.
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય બાબતે માથાકૂટ કરીને જાહેરમાં ફાયરિંગ કરી, હંગામો ફેલાવવા બાબતે રાજકોટ વિસ્તારના કુખ્યાત આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુભાઇ રાઉમા સહિતના આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિષનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુન્હામાં જૂનાગઢના સુખનાથ ચોક, મતવા વાડ, બ્લૉચવાડા વિસ્તારમાં રહેતા અને ભૂતકાળમાં મારામારી, ફાયરિંગ, હથિયાર ધારા, સહિતના અસંખ્ય ગુન્હાઓમાં પકડાયેલ આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ રહે. મતવા વાડ, જૂનાગઢની સંડોવણી ખુલવા પામેલ હતી.
બાદમાં થોરાળા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ 11 આરોપીઓ રાજકોટ શહેર તથા જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જેવા બીજા જિલ્લાઓ ખાતે પણ પકડાયેલ હોઈ, રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (GCTOC) એકટ હેઠળ ગુન્હાહિત ઇતિહાસ આધારે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ જણાતા અલગ ગુન્હો નોંધવામાં આવેલ હતો. આ ગુન્હામાં પણ જૂનાગઢના આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ રહે. મતવા વાડ, જૂનાગઢને પકડવાનો હોઈ, રાજકોટ શહેર પોલીસની એક ટીમ જૂનાગઢ તપાસમાં આવેલ હતી. પરંતુ, આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ રહે. મતવા વાડ, જૂનાગઢ, ધરપકડ ટાળવા પોલીસથી નાસતો ફરતો હતો. રાજકોટ શહેર પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસને આ આરોપીને પકડી પાડવા જાણ કરવામાં આવેલ હતી.
નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝૂંબેશ ના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફના હે.કો. રવિરાજસિંહ, માલદેભાઈ, જેઠાભાઈ, રમેશભાઈ, વિકાસભાઈ, પો.કો., મોહસીનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ ખાનગી બાતમી આધારે સુખનાથ વિસ્તારમાં આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ રહે. મતવા વાડ, જૂનાગઢને પકડી પાડી, કેસમાં એકાદ દોઢ માસથી વોન્ટેડ/નાસતો ફરતો હોઈ, રાજકોટ શહેર પોલીસને જાણ કરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસને જાણ કરતા, થોરાળા પોલીસ દ્વારા આશરે એક વર્ષથી પ્રોહીબિશનના ગુન્હાના આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ રહે. મતવા વાડ, જૂનાગઢ કે જેને એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ હોઈ, તેનો કબ્જો મેળવી, આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ