જૂનાગઢ પાસેના આણંદપુરના ખેડૂત પરંપરાગત ખેતીના બદલે ફુલની ખેતી કરી મેળવે છે ડબલ આવક

- અઢી વિઘામાં કરેલ ગુલાબની ખેતીમાંથી થઇ બમણી આવક : રોજના ૩૦ કિલો ગુલાબનો ઉતારો
- દેશી ગુલાબની ખેતીને આપે છે પ્રાધાન્ય
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે રહેતા મૈતર પરબતભાઇ રામભાઇ થોડા વર્ષોથી ફુલની ખેતીમાં જોડાયા છે. તેઓ ગુલાબના ફુલની ખેતી કરી પરંપરાગત ખેતી કરતા દર વર્ષે ડબલ આવક મેળવે છે. પરબતભાઇએ જણાવ્યું હતું કે, મારા મિત્ર ફુલની ખેતી કરતા હોય જેને લઇને મે પણ ફુલની ખેતી શરૂ કરી હતી. જેમાં ગુલાબ અને ગાદોલીયા ફુલનું અઢી વિઘામાં વાવેતર કર્યુ હતું. ગુલાબના ફુલમાં સારૂ એવું ઉત્પાદન મળતા રોજના ૩૦ કિલોની આસપાસ ઉતારો મળે છે. ફુલનો ભાવ સિઝન પ્રમાણે હોય છે અને કિલોના ૭૦ થી ૮૦ રૂપિયા ભાવ મળી રહે છે. ગુલાબના ફુલમાંથી સારી આવક થતા ખેડૂતો ફુલોની ખેતી તરફ વળ્યા છે.
ગુલાબની ખેતીથી ખેડૂતો વર્ષે ખુબ સારી આવક મેળવી રહ્યા છે. જે પરંપરાગત ખેતી કરતા બમણી છે. ગુલાબના છોડનું વાવેતર કર્યા બાદ તેમાં ૪ મહિના પછી ફુલ આવે છે. નિયમીત પિયત મળતા ફુલના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, ગુલાબના ફુલની કાળજી માટે ખાતર, દવા સહિતની તકેદારી રાખવી પડે છે. ખેડૂત પુત્ર કાનાભાઇએ કહ્યું કે અમે દેશી ગુલાબને પ્રાધાન્ય આપીએ છીએ જેનો દરેક મંદિર, શુશોભનમાં ઉપયોગ થાય છે. જૂનાગઢ નજીક હોય તેથી બજારનો પણ લાભ મળે છે. પરબતભાઇ મૈતર દ્વારા ફુલોની ખેતી કરી સારી એવી આવક મેળવતા અન્ય ખેડૂતોને પણ તેમની પાસેથી માર્ગદર્શન મળે છે.
આથી આવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે. જેમાં આત્મા દ્રવારા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી તાજેતરમાં જૂનાગઢ ખાતે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે પરબતભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તેમને ૧૦ હજાર રૂપિયાનો ચેક આપી સન્માનિત કરાયા હતા.જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો ફુલની ખેતી કરી રહ્યા છે અને સારૂ એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. ફુલોની ખેતીમાંથી લાખો રૂપિયાની આવક સાથે રોજગારી મેળવી પરિવારને સમૃધ્ધ બનાવી રહ્યા છે. આથી આવા ખેડૂતોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ