કાલોલમાં નેશનલ કોરિડોર કામગીરી દરમિયાન ખેડૂતોના ઉભા પાકને નુકસાન

સરકાર દ્વારા હાઈવેના નિર્માણમાં સંપાદિત કરવામાં આવેલ જમીનના નાણાં પણ ન આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે.કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર બનવવા માટેની જાહેરાત મુજબ નેશનલ કોરિડોરના આ હાઈવે નિર્માણ માટે દેશના તમામ રાજ્યોમાં ખેડૂતોની જમીન સંપાદન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પંચમહાલ જિલ્લામાંથી પણ ગોધરા અને કાલોલ તાલુકાના ખેડૂતોની જમીનો સંપાદિત કરવામાં આવી છે, આ જમીન સંપાદન કર્યાને લગભગ એક વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાં પણ હજુ સુધી ખેડૂતોને તેમની જમીનનું વળતર હજુ ચુકવવામાં આવ્યું નથી તેમ છતાં બીજી તરફ આ હાઈવેના નિર્માણ માટેની કામગીરી શરુ કરવામાં આવી છે. આ કામગીરીમાં અસરગ્રસ્ત ખેડૂતોને કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર જ કરવામાં આવી હોય ખેડૂતોના ઉભા પાકમાં મશીનો ગોઠવી કામગીરી કરવામાં આવતા ખેડૂતોને ઉભા પાકોનું ભારે નુકસાન થવા પામ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના પીંગળી,સાગના મુવાડા તેમજ તેની આસપાસના ગામોમાંથી આ નેશનલ હાઈવે પસાર થાય છે તેથી આ ગામના મોટા ભાગના ખેડુતનોની મહામૂલી જમીનન સંપાદિત કરવામાં આવી છે , આ જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતોને હજુ સુધી કોઈ જ વળતર ચુકવવામાં આવ્યું નથી તો બીજી તરફ સંપાદન કર્યા સિવાયની જમીનમાં ખેડૂતોએ કરેલા તેમના પાકને પણ નુકસાન પહોંચાડવામાં આવતા ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થવા પામી છે, ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે હાઈવેના નિર્માણ કરવા માટેની કામગીરીની શરૂઆત ખેડૂતોને જાણ કર્યા વગર જ કરવામાં આવી અને તેમના ખેતરોમાં રહેલા ઉભા પાકને આ હાઇવે નિર્માણ કરનાર કંપની દ્વારા મોટી મોટી મશીનરીઓ લાવી દઈને ઉભા પાકને નષ્ટ કરી નાખવામાં આવ્યો છે.
જે સમગ્ર મામલે કાલોલ તાલુકાના ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો પ્રતિભાવ આપ્યો નથી જેથી ખેડૂતોએ ભારે રોષ ઠાલવ્યો છે, તેથી અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હાઈવે ઓથોરિટી દ્વારા જેટલી પણ જમીન સંપાદન કરવામાં આવી છે તેનું સંપૂર્ણ વળતર આપી કોઈપણ જાણકારી વિના ઉભા પાકોને નષ્ટ કરવામાં આવ્યા છે તો તેનું પણ યોગ્ય વળતર આપવામાં આવે. જે મામલે જો સરકાર ખેડૂતોને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)