પત્નીને માથામાં ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસે પતિની ધરપકડ કરી

શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં શિક્ષક પતિએ ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસે હત્યારા પતિની મોડી રાત્રે ધરપકડ કરી હતી. મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરી જવા માટે નીકળી હતી. એ સમયે ન્યૂ વી.આઇ.પી. રોડ ઉપર પતિએ ફિલ્મી ઢબે પીછો કરી હુમલો કર્યો હતો. પત્નીના આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી
શહેરના આજવા રોડ ઉપર આવેલા અમરદીપ હોમ્સમાં શિલ્પાબહેન જયેશભાઇ પટેલ (ઉં.39) પરિવાર સાથે રહેતાં હતાં. તેમને બે સંતાન છે. શિલ્પાબહેન મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં. છેલ્લા કેટલાક સમયથી તેમને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. ગત રાત્રે તેઓ ઘરેથી પોતાનું એક્ટિવા લઇને નોકરી જવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન તેમની લાશ લોહીલુહાણ હાલતમાં ન્યૂ વી.આઇ.પી. રોડ વૈકુંઠ-2 સોસાયટીના દરવાજા પાસેથી મળી હતી. મહિલાની લાશ મળી હોવાની જાણ હરણી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. જે-તે સમયે પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
નર્સનું સ્થળ પર જ મોત થયું
શિલ્પાબહેન રાત્રે ઘરેથી પોતાનું એક્ટિવા લઇને નોકરી જવા માટે નીકળ્યાં હતાં. એ દરમિયાન પતિ જયેશ પટેલે પીછો કર્યો હતો અને ન્યૂ વી.આઇ.પી. રોડ વૈકુંઠ-2 સોસાયટી પાસેથી પત્નીના માથામાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઇ ગયો હતો. ચાલુ એક્ટિવા ઉપર શિલ્પાબહેનને માથામાં ફટકો વાગતાં જ તેઓ સ્થળ પર ફસડાઇ પડ્યા હતા અને સ્થળ પર મોતને ભેટ્યા હતા. પોલીસે મોડી રાત્રે જ પત્નીની હત્યા કરનારા શિક્ષક પતિ જયેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)