વાંકાનેર : મીનરલ્સ કારખાનામાં સુપરવાઈઝરે શ્રમિકને છરીના ઘા ઝીંકીને હત્યા કરી

Spread the love
  • પાણીની મોટર કાઢવાની શ્રમિકે ના પડતાં સુપરવાઈઝરની કમાન છટકી, સામાન્ય બાબતમાં ખૂન્નસે ભરાયેલા સુપરવાઇઝરે શ્રમિકને છરી ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો, મૃતકના ભાઈની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે આવેલા મીનરલ્સ કારખાનામાં આજે સુપરવાઇઝર અને શ્રમિક વચ્ચે સામાન્ય બાબતે થયેલી તકરારનો કરુણ અંજામ આવ્યો હતો. જેમાં શ્રમિકે પાણીની મોટર કાઢવાની ના પાડી દેતા આ સામાન્ય બાબતે સુપરવાઇઝર એટલી હદે ખૂન્નસે ભરાયો હતો કે ગુસ્સાના આવેગમાં સારા-નરસાનું વિવેકભાન ગુમાવીને સુપર વાઇઝરે છરીના ઘા ઝીંકીને શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ વાંકાનેર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે આવેલા મારુતિ મીનરલ્સ નામના કારખાનામાં (માસ્તર) સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મૂળ થાનના રહેવાસી એવા જગદીશભાઈ ચાવડાએ આ કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂર જામસિંગ ધાવજીભાઈ દિલવાલાને છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.  આ બનાવ અંગે મૃતકના ભાઈ સુરેશભાઈ ધાવજીભાઈ દિલવાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ભાઈ જામસિંગ ધાવજીભાઈ બિલવાલ મારુતિ મીનરલ્સ કારખાનામાં મજૂરી કામ કરતો હતો.

સુપરવાઇઝર તરીકે આરોપી જગદીશભાઈ ચાવડાએ આ શ્રમિકને કારખાનામાં પાણીની મોટર કાઢવા કહ્યું હતું. પરંતુ શ્રમિક જામસિંગે પોતાને આજે કમરમાં દુઃખાવો હોય પાણીની મોટર નહિ કાઢી શકે તેવું જણાવ્યું હતું. આથી, આ શ્રમિકે પાણીની મોટર કાઢવાની ના પાડતાં સુપરવાઇઝર જગદીશભાઈ ચાવડાની કમાન છટકી હતી. તેણે ઉશ્કેરાઈ જઈને શ્રમિક જામસિંગને છરીના ધા ઝીંકીને પતાવી દીધો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ખૂનનો ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Janak Raja

Janak Raja

Right Click Disabled!