લવ-જેહાદ વિરુદ્ધ કાયદો શિવરાજ પણ યોગીના રસ્તે, આરોપીને 10 વર્ષ જેલની સજા અને દંડની જોગવાઈ

ઉત્તરપ્રદેશ પછી હવે મધ્યપ્રદેશમાં પણ લવ-જેહાદ વિરોધી બિલ ‘ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020’ને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં થયેલી ખાસ કેબિનેટમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં નવા કાયદામાં કુલ 19 જોગવાઈ કરવામાં આવી છે, જેના અંતર્ગત ધર્મ પરિવર્તનના મામલે પીડિત પક્ષના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે. મધ્યપ્રદેશમાં કાયદામાં જે જોગવાઈ કરવામાં આવી છે તે ઘણી બધી યુપી સરકાર જેવી જ છે. બંને દેશોમાં આરોપીને 10 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે જ્યારે રૂ. 5,000થી 50,000 સુધીનો દંડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે આમ તો કહી શકાય કે, શિવરાજે પણ યોગીનો રસ્તો અપનાવ્યો છે.
યુપીમાં યોગી સરકારની જોગવાઈ
વિધેયકની જોગવાઈ મુજબ ધર્મપરિવર્તન માટે બે મહિના પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને માહિતી આપવાનું અનિવાર્ય બનાવાયું છે. સંબંધિત વ્યક્તિએ ધર્મપરિવર્તન અંગેના ઉચિત કારણ પણ સાબિત કરવા પડશે. નવા કાયદામાં જૂઠું બોલીને, પ્રલોભન કે કપટતાપૂર્વક ધર્મપરિવર્તન કરવું કે કરાવવું એ બિનજામીનપાત્ર ગુનો હશે. આ ગુના માટે ઓછામાં ઓછી 6 મહિનાથી લઈ વધુમાં વધુ 10 વર્ષ સુધીની જોગવાઈ છે, દંડની રકમ 10 હજારથી લઈ 50 હજાર સુધીની હશે. જો કોઈ ધર્મ પરિવર્તન માટે માનસિક અને શારીરિક રીતે અત્યાચાર કરે છે તો તે પણ આ નવા કાયદા હેઠળ આવશે. ધર્માંતરણના કીસ્સામાં જો માતા-પિતા, ભાઈ-બહેન અથવા અન્ય બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ ફરિયાદ કરે છે તો તેમની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરી શકાશે. ધર્માંતરણ માટે દોષિત જણાતા એક વર્ષથી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારની કાયદામાં મુખ્ય જોગવાઈ
લાલચ આપીને, ધમકી આપીને ધર્મપરિવર્તન કરવું અને લગ્ન કરવા બદલ 10 વર્ષની સજાની જોગવાઈ. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે. ધર્મપરિવર્તન કર્યા બાદ થનારા લગ્નના 2 મહિના પહેલાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ધર્મપરિવર્તન અને લગ્ન કરવા અને લગ્ન કરાવનારા બંને પક્ષોને લેખિતમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા વિના ધર્મપરિવર્તન કરાવનારા ધર્મગુરુ, કાઝી, મૌલવી અથવા પાદરીઓને પણ 5 વર્ષ સુધીની કેદની પણ જોગવાઈ છે. ધર્મપરિવર્તન અને બળજબરીપૂર્વક લગ્નની ફરિયાદ પીડિત, માતાપિતા, પરિવારજન દ્વારા કરી શકાય છે. આ પ્રકારના ધર્મપરિવર્તન અને લગ્ન માટે મદદ કરનારાને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ સજા કરવામાં આવશે. બળજબરીથી ધર્મપરિવર્તન અથવા લગ્ન કરાવનારી સંસ્થાઓની નોંધણી રદ કરવામાં આવશે.
ગુજરાતની શું છે સ્થિતિ
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો ઘડવામાં આવે તેવી માગ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને કેટલાક ધારાસભ્યો પણ રાજ્યમાં આ પ્રકારનો કાયદો બનાવવા માટે રજૂઆત કરી રહ્યાં છે. આ વિશે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અન્ય રાજ્યોમાં આ કાયદો છે એટલે સ્વાભાવિક રીતે આપણે ત્યાં પણ ચર્ચા થાય. સમય આવશે ત્યારે આ વિશે વિચારણાં કરવામાં આવશે. – વિજય રૂપાણી, મુખ્યમંત્રી
કોઈપણ દીકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલા લેવા જ જોઈએ. મુખ્યપ્રધાનથી મત ભિન્ન હોય શકે છે. લવજેહાદના બનાવો ઉપર અંકુશ લાવવા માટે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.– સી.આર.પાટીલ, ભાજપ પ્રદેશ પ્રમુખ
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. આ પહેલાં ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ ગુજરાતમાં લવ-જેહાદ મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માગ મૂકી હતી.
મ.પ્ર., હરિયાણા, કર્ણાટક પણ આવો કાયદો ઘડવા તૈયારીમાં
અલ્લાહબાદ હાઈકોર્ટના ચુકાદાના આધારે મધ્યપ્રદેશ, હરિયાણા અને કર્ણાટક સરકારે પણ માત્ર લગ્ન માટે કરાતા ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવા કાયદો બનાવવાની તૈયારી કરી છે. મધ્યપ્રદેશ સરકાર તો આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવા તેનો મુસદો પણ તૈયાર કરી ચૂકી છે.
પત્રકાર: ઈરફાન શેખ (પંચમહાલ)