જુઠ્ઠો માણસ હિંસક જ હોય… ડોનાલ્ડ ટ્રમ્પ જીવતો પુરાવો
- જુઠ્ઠો માણસ હિંસક જ હોય… ડોનાલ્ડ ટ્રમ્પ જીવતો પુરાવો
શાસ્ત્ર લિખિત સૂત્ર પ્રમાણે રાજા માનવીય ગુણોથી સંપન્ન હોવો જરૂરી છે, જેથી તે વિશાળ જવાબદારીઓનો યોગ્ય પ્રકારે નિર્વાહ કરી સાર્વજનિક પ્રશંસાનો હક્કદાર બની રહે… રાજાએ સૌપ્રથમ પોતાની ઉપર જ વિજય મેળવવો જોઈએ… રાજાના ગુણ પ્રમાણે જ તેના સહાયકો પણ વર્તતા થઈ જાય છે, જેથી રાજાએ ખૂબ સજાગ રહેવું જોઈએ…શાસ્ત્રોમાં લખ્યું છે,
”કલહાન્તાનિ હમ્ય્રાણિ, કુવાક્યાનાં ચ સૌહદમ્ । કુરાજાન્તાનિ રાષ્ટ્રાણિ, કુકર્માન્તમ્ યશો નૃણામ્ ।।” અર્થાત ઝઘડાઓથી પરિવાર તૂટે છે, ખોટા શબ્દના પ્રયોગોથી મિત્રતા તૂટે છે. ભૂંડા શાસકને કારણે રાષ્ટ્રનો નાશ થાય છે અને ખોટાં કામ કરવાથી કીર્તિ દૂર ભાગે છે.અમેરિકામાં રહેતા ભારતીયો સ્પષ્ટપણે માને છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ રીતે ભારતતરફી હતા જ નહીં, ટ્રમ્પના જવાથી ભારતને ફાયદો થશે… હાલ, ભારત અને અમેરિકાના શેરબજારમાં પ્રવર્તતો તેજીનો વાવર આ વાતની પુષ્ટતા કરે છે..
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના કેપિટલ હિલ પર થયેલા ભીડના હુમલાએ આખા વિશ્વમાં જગત ફોજદારની આબરુનું લિલામ કર્યું છે. અમેરિકા પર અમેરિકાએ જ હુમલો કર્યો હોય તેવી આ સ્થિતિ લોકશાહીની ઠેકેદારી કરનારા અમેરિકનો માટે શરમજનક છે. ભારતીય સમય અનુસાર તારીખ ૬ જાન્યુઆરીની રાત્રે ચૂંટણીનાં પરિણામોને લઈ મળનારી અમેરિકી સંસદની બેઠક શરૂ થાય તે પહેલાં હજારોની ભીડ ત્યાં ધસી આવી હતી. નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડનને વિધિવત વિજેતા ઘોષિત કરવામાં આવે તે પહેલાં મચેલું ઘમસાણ આખી દુનિયાને સ્તબ્ધ કરી દેનારું હતું.
સુરક્ષાકર્મીઓ પર રસાયણોનો છંટકાવ, કેપિટલ હિલની દીવાલોને કૂદતા હુમલાખોરો, સંસદ ભવનમાં ગોળીબારના વાયરલ થયેલાં દૃશ્યો, હો… હા… હલ્લાબોલ… અને સ્વીકારી ન શકાય તેવું ઘણું અઘટિત કલાકો સુધી ઘટતું રહ્યું. આ બધું જ હારથી ભુરાયા બનેલા ટ્રમ્પ દ્વારા પ્રાયોજિત હતું. અમેરિકાના ઇતિહાસમાં ફરજિયાત નોંધાનારી આ કલંકિત ઘટના માટે જવાબદાર પરિબળની વાત કરીએ તો આવું થવા પાછળ ફક્ત અને ફક્ત હારેલા ડોનાલ્ડ ટ્રમ્પની અત્યાર સુધી જુઠ્ઠાણામાં ધરબાયેલી હિંસકતાનો વિસ્ફોટ જ જવાબદાર છે.
સૌથી પહેલાં તો કેપિટલ હિલ વિશે થોડી માહિતીથી અવગત થવું પડે. અમેરિકાની સંઘ સરકારના અને કોંગ્રેસના બંધારણીય કાર્યક્ષેત્ર તરીકે આ વિસ્તાર જાણીતો છે. અમેરિકાના ચૂંટાયેલા કે નિમાયેલા પદાધિકારીઓ અહીં બેસે છે. આ ઉપરાંત કોંગ્રેસની લાયબ્રેરી પણ આ જ પાંચ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આવેલી છે, જ્યાં લગભગ ૩૦,૦૦૦ લોકો વસે છે. અમેરિકાની લોકતાંત્રિક તંદુરસ્તીનો શિખર ધ્વજ કેપિટલ હિલના કેન્દ્રમાં ઊભેલા એ સફેદ ગુંબજો પર ફરકતો રહ્યો છે. રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ઉત્સવો અને નવા ચૂંટાતા સૌ પ્રમુખોનો સોગંદવિધિ પણ આ જ ગુંબજ નીચે થતો રહ્યો છે.
અમેરિકાના કલા, સાહિત્ય અને ઇતિહાસની ગૌરવગાથા વર્ણવતા સંગ્રહાલયો કેપિટલ હિલનું આકર્ષણ છે. વ્હાઇટ હાઉસ, વોશિંગ્ટન સ્મારક અને સ્મિથસન મ્યુઝિયમની પૂર્વમાં સ્થિત કેપિટલ ભવનનું નિર્માણ આમ તો ૧૭૯૩માં પ્રારંભ થયા બાદ તબક્કાવાર પૂરું થયું. રાજકીય ઉપરાંત વહીવટી એવા સૌ મહત્ત્વના અધિકારી, પદાધિકારી આ સંકુલમાં જ બેસે છે. કેપિટલ હિલ અમેરિકાના સર્વોચ્ચ સન્માનનું દ્યોતક છે.અમેરિકામાં ચૂંટણી થઈ રહી હતી ત્યારે આ શૃંંખલામાં બે લેખ ટ્રમ્પને કેન્દ્રવર્તી લખ્યા હતા. ‘શાંતિનું નોબલ જો ટ્રમ્પને મળે તો બાપડી અશાંતિને હાસ…” શિર્ષક નીચે ટ્રમ્પની જુઠ્ઠું બોલવાની આક્રમકતા પર કરેલી છણાવટ અહીં ઉલ્લેખવી જ પડે.જૂઠ્ઠાણું એ માણસમાં ધરબાયેલી વ્યક્ત થયા વિનાની હિંસાનું સૂચક હોવાની જે તે સમયે લખેલી વાતને પૂર્વભૂમિકા રૂપે રજૂ કરું છું.
૧૪ જૂન ૧૯૪૬ના રોજ ન્યૂ યોર્કમાં જન્મેલા ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬માં વિશ્વની મહાસત્તાના સુકાની બન્યા. વ્યવસાયે જમીન મિલકતના કારોબાર સાથે સંકળાયેલા ટ્રમ્પ વિદ્યાર્થી તરીકે નબળા હતા. નાનપણથી ઉદ્દંડ અને અવિવેકી ડોનાલ્ડમાં શિસ્તના ગુણ આવે તે માટે તેમના પિતાએ મિલિટરી એકેડેમી ખાતે તેમનું એડ્મિશન કરાવ્યું હતું. જીવનમાં ૩ લગ્ન કરનાર ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી તેઓ પર સામાજિક રડાર મુકાયું. પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન જુઠ્ઠું બોલવાની તેમની સરેરાશ અન્ય સામાન્ય રાજકારણીઓની સરખામણીએ ૫૦ ટકાથી વધુ રહી. વોશિંગ્ટન પોસ્ટમાં ફેક્ટ-ચેકર એવા ગ્લેન કેસલરે કરેલું અવલોકન આ તથ્યનો આધાર છે. ટ્રમ્પના મોટા બહેન બૈરી ટ્રમ્પે પોતાનું રેકોર્ડેડ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે,
ડોનાલ્ડ જેવો જુઠ્ઠો કોઈ માણસ નથી અને તેને સિદ્ધાંત જેવું પણ કશું નથી. અમેરિકા-પેરિસ આબોહવા સમજૂતી અને ક્લાઇમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દાઓ પર ટ્રમ્પે ઉચ્ચારેલાં જુઠ્ઠાણાં તેના પતનનું કારણ બન્યાં એવું કહી શકાય. શાંતિની વાતો કરતા ટ્રમ્પ માનસિક રીતે વિકૃત હિંસાના સમર્થક હોય તેવું માનવાને પ્રેરતું કડવું સત્ય એ છે કે, તેમના કાર્યકાળમાં સૌથી વધુ લાભ હથિયારના ધંધાર્થીઓને થયો, સ્થાનિક ધોરણે હથિયારોનું વેચાણ ૧૭૫ બિલિયન ડોલરને પાર કરી ગયું.અશ્વેત જ્યોર્જ ફ્રોઇડની પોલીસના હાથે સરાજાહેર હત્યાના બનાવ પછી અમેરિકામાં સર્જાયેલી આંતરિક વર્ગવિગ્રહની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. એક મોટો વર્ગ કટ્ટરતાવાદી વિચારધારાનો સમર્થક બનવા તરફ આગળ વધતો દેખાય છે.
જો બાઈડનના સત્તા પર આવ્યા બાદ અશ્વેતો ઉપદ્રવ કરશે તેવી ભીતિ સર્જવામાં ટ્રમ્પને સારી એવી સફળતા મળી છે. સમગ્ર ઘટનાક્રમનું અવલોકન કરીએ તો અશ્વેત જ્યોર્જની હત્યા સામેના દેખાવમાં ટ્રમ્પની સૌથી નાની પુત્રી ટિફનીએ જાહેરમાં કરેલું વિરોધ પ્રદર્શન નોંધનીય છે. સમયાંતરે અલાસ્કા અને વેરમોન્ટ રિપબ્લિકન સેનેટર લીઝા માર્કોસ્ક્વી અને ફીલ સ્કોટ દ્વારા ટ્રમ્પનું રાજીનામું માંગવું અમેરિકી કોંગ્રેસના રિપબ્લિકન સભ્ય એડમ કિન્ઝીગરે બંધારણના અનુચ્છેદ ૨૫ અંતર્ગત ટ્રમ્પને ખદેડી કાઢવા કરેલી માંગણી મેરીલેન અને મેસેચ્યુસેેટ્સના રિપબ્લિકન ગવર્નર લેરી હોગન અને ચાર્લી બેકરની ટ્રમ્પ વિરોધી આક્રમકતા સૌ કોઈને વિચારતા કરનારી છે.
ટ્રમ્પની કેબિનેટમાંથી એલાઈન ચાઓ, બેસ્ટી ડેઓસ, પૂર્વ એટર્ની જનરલ બિલ બાર જેવા અનેક રિપબ્લિકન આગેવાનો નૈતિકતાના મુદ્દે ટ્રમ્પને સત્તાવાર નકારી ચૂક્યા છે. સેનેટમાં હાલ રિપબ્લિકન અને ડેમોક્રેટનું સંખ્યાબળ લગોલગ હોવા છતાં કેપિટલ હિલના હુમલા પછી ટ્રમ્પ ફક્ત ૬ના સમર્થન સાથે અટુલા પડી ગયા છે. અમેરિકાને સાચો પ્રેમ કરનારા સાચા અમેરિકનોને હાલ ચિંતા અમેરિકાના આંતરિક સાર્વભૌમત્વને પડકારતા એ છ ટ્રમ્પ સમર્થક સેનેટરોની છે.મહાત્મા ગાંધીએ સત્યની મહત્તાથી સમગ્ર વિશ્વને અવગત જ નહીં વિશ્વસ્ત પણ કર્યું. તેઓ લિખિત હિંદ સ્વરાજનો સંદર્ભ લઈએ તો તેમણે લખ્યું છે ”સત્યનો આગ્રહ એ જ અહિંસક રહેવા માટેનું નૈતિક બળ પૂરું પાડે છે.
અભયતા છે ત્યાં જ સત્યતા સહેજે વસે છે. સત્યાગ્રહને સારું જે હિંમત અને મર્દાની જોઈએ તે તોબ બળિયા પાસે હોઈ શકે જ નહીં.” અહિંસાને સર્વોચ્ચ બહાદુરી માનતા આ મહાત્મા માટે સ્વરક્ષણ કે સ્વપ્રતિષ્ઠાની રક્ષા માટે સશસ્ત્ર પ્રતિકાર બીજા ક્રમનો માર્ગ હતો. ટોળાની હિંસાથી લઈ રાજ્યાશ્રિાત કે ધર્મપ્રેરિત હિંસાને તેમણે કદી સ્વીકારી ન હતી. સામાજિક સુરક્ષાના ક્ષેત્રે આદર્શ માપદંડ ગણાતા અમેરિકાના વ્યવસ્થાપન માટે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેરિત વૈચારિક જેહાદ સૌથી મોટો પડકાર છે.
લોકોને ભયભીત કરી પોતાના સમર્થનમાં લાવવાની ટ્રમ્પની ચેષ્ઠા આજે ભલે ખૂબ પ્રારંભિક અવસ્થામાં હોય પરંતુ જો સમયસર આ બીમારીની સારવાર કરવામાં જો બાઈડન ચૂક કરશે તો આવનારા દિવસો સારા નહીં હોય. ૨૦૦ વર્ષ પહેલાં અંગ્રેજ ઘૂષણખોરોએ વોશિંગ્ટનમાં આગચંપીની અરાજકતા સાથે અમેરિકી સંસદને નષ્ટ કરી દેવાનો હિંચકારો પ્રયાસ કર્યો હતો, ડોનાલ્ડે ટ્રમ્પે તેનું પુનરાવર્તન કર્યું છે.
અને છેલ્લે… શાસ્ત્રોમાં લખ્યું છે, ”કલહાન્તાનિ હમ્ય્રાણિ, કુવાક્યાનાં ચ સૌહદમ્ । કુરાજાન્તાનિ રાષ્ટ્રાણિ, કુકર્માન્તમ્ યશો નૃણામ્ ।।” અર્થાત ઝઘડાઓથી પરિવાર તૂટે છે, ખોટા શબ્દના પ્રયોગોથી મિત્રતા તૂટે છે. ભૂંડા શાસકને કારણે રાષ્ટ્રનો નાશ થાય છે અને ખોટાં કામ કરવાથી કીર્તિ દૂર ભાગે છે.
થોડા હટકે પ્રસન્ન ભટ્ટ