બર્ડ રેસ્ક્યુમાં જાેડાયેલી બે ટીનએજ કિશોરીઓએ ધ્યાનાકર્ષિત કર્યું…!!
ગાંધીનગર હંમેશા પ્રકૃતિ પ્રેમી અને જીવદયા પ્રેમી નાગરિકોનું શહેર રહ્યું છે અને આ શહેરમાં દરેક પર્વ ખૂબ જ ઉલ્લાસથી ઉજવાય છે તે સાથે સાથે યુવા સ્વયંસેવકો સેવા કાર્યમાં પણ એટલા જ ઉમંગથી જાેડાય છે. શહેરમાં સમગ્ર વર્ષ દરમિયાન જીવદયા પ્રેમી સ્વયંસેવકો દ્વારા સર્પ રેસ્ક્યુ, બર્ડ રેસ્કયુ તથા એનિમલ રેસ્ક્યુની અવિરત સેવા આપવામાં આવે છે. જેમાં કેટલીક મહિલા સ્વયંસેવકો પણ સામેલ છે. તે જ રીતે ઉત્તરાયણના દિવસો દરમિયાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતાં પક્ષીઓના બચાવ કાર્યમાં પણ યુવતીઓ જાેડાય છે અને તેમની સંખ્યા પણ વધી રહી છે.
આ વર્ષે જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ આયોજિત કરવામાં આવેલા કરૂણા અભિયાનમાં જાેડાયેલી પ્રકૃતિ યુવા સંગઠનની ટીમમાં જે યુવતીઓએ સેવાઓ આપી હતી જેમાં ૧૬ વર્ષીય સંગીતા મારવાડી અને ૧૮ વર્ષીય અંજના મારવાડી નામની બે સગી બહેનોનો સમાવેશ થાય છે. જેમણે આજના યુવાનો માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પુરું પાડયું છે. જયાં આ ટીનએજ ઉંમરે પતંગ ચગાવવાનો ક્રેઝ સામાન્ય રીતે વધુ જાેવા મળે છે ત્યાં આ બહેનો પક્ષી બચાવકાર્યમાં સેવા આપવા જાેડાઈ હતી.