પૂજ્ય મોરારીબાપુની “માનસ મંદિર” કથા માટે રામપરા-રાજુલામાં અનેરો ઉત્સાહ

રાજુલાની નવનિર્મિત સેવા-ધર્મ સંસ્થા, “શ્રી રામકૃષ્ણસેવા ટ્રસ્ટ” અને રામપરાની ધર્મ-સેવા કરતી સંસ્થા “વૃંદાવન ધામ” ના લાભાર્થે ગત વર્ષે ૧૪ માર્ચથી ૧૬ માર્ચ દરમિયાન પૂજ્ય મોરારીબાપુ દ્વારા “માનસ મંદિર” કથાનું ગાન થયું હતું. કોરોનાને કારણે આ કથાને મુલતવી રાખવામાં આવેલી. પૂજ્ય બાપુએ એ વખતે જણાવેલું કે યોગ્ય સમયે કથાને પૂર્ણ કરવામાં આવશે. એ સંદર્ભમાં ૨૦ એપ્રિલથી ૨૫ એપ્રિલ દરમિયાન પુનઃ એકવાર”માનસ મંદિર” ના બાકીના છ દિવસનું કથાગાન થશે. આ માટેની તડામાર તૈયારીઓ રામપરા કથા સ્થાન પર ચાલી રહી છે.
પૂજ્ય મોરારી બાપુની કથા યાત્રામાં કોઈ કથા બે ભાગમાં વિભાજીત થઇ હોય, તેવો આ પ્રથમ પ્રસંગ છે. પૂજ્ય બાપુએ એ વખતે – વૃંદાવન ધામ ઠાકોરજીનાં મંદિર માટે અને આ ધર્મ-સંસ્થા દ્વારા થતી અન્ય સામાજિક સેવાઓ માટે તેમજ રાજુલામાં સર્વ જનસમાજને નિ:શુલ્ક સારવાર મળી રહે, એ માટે ઉભા થનાર આરોગ્યધામ માટે શ્રી હનુમાનજી મહારાજની ધ્વજાને ફરકતી રાખીને, ત્રણ દિવસ પછી કથાને વિરામ આપેલો.એવી “માનસ મંદિર” કથાની હવે ૨૫મી એપ્રિલે પૂર્ણાહુતિ થશે.
સમગ્ર રાજુલા પંથકના જનસમૂહમાં આ માટે અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. અને બાકીના છ દિવસની કથા નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે તમામ તૈયારીઓ થઈ રહી છે. કોરોનાનો કહેર હજી નાબૂદ થયો નથી. તેથી સરકારના તમામ નીતિ નિયમોના પાલન સાથે માસ્ક, સેનેટાઇજર અને સામાજિક અંતરની જાળવણી સાથે કથા શ્રવણ માટે આગ્રહ રખાશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બંને સંસ્થાના લાભાર્થે આરંભાએલ રામકથાના ત્રણ દિવસ દરમિયાન સારું એવું ભંડોળ એકત્રિત થઇ ચૂક્યું છે. આગામી દિવસોમાં દાનની સરવાણી શરૂ રહેશે અને રાજુલા પંથકની જનતાને વિનામૂલ્યે સારવાર મળી રહે, એ માટે શ્રેષ્ઠ આરોગ્ય મંદિર ઉભું થશે. એ જ રીતે રામપરાના શ્રી વૃંદાવન ધામની ધર્મ-સેવાની પ્રવૃત્તિ માટે પણ યોગ્ય ધનરાશિ એકત્રિત થઈ શકશે. કથા મંડપ તેમજ અન્ય આનુસંગિક સેવાઓ માટે કાર્યકરો ઉત્સાહ પૂર્વક કાર્ય કરી રહ્યા છે.
આ વિસ્તારના ઉત્સાહી, યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર દ્વારા આધુનિક હોસ્પિટલ બને અને ગરીબ દર્દીઓને સુંદર, સસ્તી, સારી સારવાર ઝડપભેર પ્રાપ્ત થાય, તે હેતુથી તન મન અને ધનથી તેઓ મહેનત કરી રહ્યા છે. તેમનું સ્વપ્ન પૂર્ણ કરવા માટેનું એક ભગીરથ કાર્ય, પૂજ્ય મોરારી બાપુના શુભાશિષથી થઈ રહ્યું છે. આ વિસ્તારના લોકોને સારી ગુણવત્તાવાળી હોસ્પિટલ પ્રાપ્ત થાય, ગરીબોની આંતરડીની દુઆ પ્રાપ્ત થાય એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તેમની લાગણી છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઇ ધાખડા, સેવાભાવી શ્રી ચીમનભાઇ વાઘેલા તથા કથાના યજમાન શ્રી કાંતિભાઈ વાણંદ, રજનીભાઈ તથા જયેશભાઈ દવે કથા માટે નિરંતર કાર્ય કરી રહ્યા છે. રામકથા માટેની ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.