પ્રેમલગ્ન કર્યાંના એક વર્ષમાં જ સાસરિયાંનો ત્રાસ

પ્રેમલગ્નના એક જ વર્ષમાં કોલવડાની યુવતીએ પતિ, સાસુ-સસરા સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોલવડા પીયર અને ગોમતીપુર અમદાવાદ સાસરી ધરાવતી હિનાબેન મંથન આઝાદે આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
2018માં સોશિયલ મીડિયા મારફતે યુવતીની મિત્રતા મંથન રાજેશકુમાર આઝાદ સાથે થઈ હતી. જેઓ વચ્ચે વાતચીત બાદ મુલાકાત થઈ હતી અને બંનેએ એકબીજાની મરજીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ફેબ્રુઆરી-2020માં તેઓએ લગ્ન કરતાં યુવતી પતિ સાથે વસ્ત્રાલ ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી. બે માસ પછી સાસુ-સસરા સાથે રહેવા આવ્યા હતા, જેઓ કામ બાબતે બોલાચાલી કરતા હતા. પતિ મંથન પણ માતા-પિતાનો સાથ આપીને પત્ની સાથે બોલાચાલી કરતો હતો.
એક દિવસ સાસુઓ ઝઘડો કરતાં પતિ મંથને યુવતીને પટ્ટા વડે જ્યારે સસરા રાજેશભાઈએ ગડદાપાટુનો મારમાર્યો હતો. સાસુએ તું બીજા ધર્મની છે, જેથી મારે તને મારા દિકરા સાથે રહેવા દેવાની નથી કહ્યું હોવાનો આક્ષેપ યુવતીએ ફરિયાદમાં કર્યો હતો. ઓગસ્ટ-2020માં એક ઝઘડામાં પતિએ નીચે પાડી દઈ ગળુ દબાવવાનો પ્રયત્ન કરતાં યુવતી પહેરેલા કપડે પિયર આવી ગઈ હતી. જેને પગલે મંથન અને તેના માતા-પિતાએ યુવતીના પિતા રફીકભાઈ શાહને ફોન કરીને છૂટાછેડાની વાત કરી હતી.
જોકે તેઓ તૈયાર ન થતાં મંથને કોલવડા આવીને યુવતી અને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો દાવો ફરિયાદમાં કરાયો છે. જેને પગલે સમગ્ર મુદ્દે યુવતીએ પતિ મંથન, સસરા રાજેશકુમાર આઝાદ અને સાસુ રેખાબેન (તમામ રહે-ગોમતીપુર) સામે ફરિયાદ નોંધાવી હતી. પેથાપુર પોલીસે શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.