ગાંધીનગરમાં 10મી એપ્રિલે નેશનલ લોક અદાલત યોજાશે

કેસો રજૂ કરવા માટે પક્ષકારો અને વકીલોને જાણ કરાશે
દેશભરમાં આવેલી અદાલતોમાં લોક અદાલતોનું આયોજન
લોક અદાલત યોજી બન્ને પક્ષે સમાધાનકારી કામગીરી કરાશે
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દિલ્હી દ્વારા દેશભરમાં આગામી 10મી એપ્રિલના રોજ નેશનલ અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સેક્ટર-11માં આવેલા ન્યાયમંદિર ખાતે 10મી એપ્રિલે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં પડતર રહેલા સિવિલ, લગ્નસંબંધી, મોટર અકસ્માત,વળતર , ચેક રીટર્ન સહિતના કેસો મૂકીને સમાધાનકારી કામગીરી કરવામાં આવશે.
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દેશભરમાં આવેલી અદાલતોમાં લોક અદાલતોનું આયોજન કરવામાં આવતું હોય છે. દેશભરની અદાલતોમાં કેસોનો ભરાવો થઈ ગયેલ હોઈ તેમજ નાગરિકોને ઝડપી ન્યાય મળી રહે તેમજ કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે આશયે લોક અદાલત યોજી બન્ને પક્ષે સમાધાનકારી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ ૧૦મી એપ્રિલે જિલ્લા અદાલત ખાતે લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.