બનાસકાંઠા વાવાઝોડુમાં વીજ પુરવઠો ખોરવાયો

તાઉ’તે વાવાઝોડામાં સતત વીજ પુરવઠો જાળવવા યુ.જી.વી.સી.એલ. દ્વારા અથાક મથામણ કરવામાં આવી છે. પાલનપુર વર્તુળ કચેરી હેઠળ બનાસકાંઠા જિલ્લાના ૧૨૪૭, પાટણ જિલ્લાના ૧૮૪ અને મહેસાણા જિલ્લાના ૩૪ ગામોમાં કુલ ૧૭૨ સબ- સ્ટેશનોમાંથી ૧૯૦૭ વીજ ફિડરો દ્વારા કુલ ૯,૪૨,૬૮૯ વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. રાજ્યમાં “તાઉ’તે” વાવાઝોડાનાં પરિણામે ઉદભવેલ પરિસ્થિતિ અને ત્યારબાદ સમાયાંતરે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડુ રાધનપુર-ભાભર-ડીસા-ધાનેરાથી પસાર થવાની શક્યતા હતી. તેથી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી ટીમો તૈયાર રાખવામા આવી હતી.
ત્યારબાદ વાવાઝોડાનો રૂટ ઉંઝા-સિદ્ધપુર-પાલનપુર-અમીરગઢ અંદાજવામાં આવતા તમામ ટીમો શિફ્ટ કરવામાં આવી હતી. પરંતુ વાવાઝોડાએ દિશા બદલી વડનગર-ખેડબ્રહ્મા થઈ રાજસ્થાન તરફ જતાં બનાસકાંઠા જિલ્લામાં આ વાવાઝોડાથી થનાર સંભવિત નુકશાન ટાળી શકાયુ છે. પરંતુ જિલ્લાના વિવિધ ગામોમાં પવન સાથે વરસાદ થતાં તેમજ ઘણી જગ્યાએ વીજલાઇન ઉપર વૃક્ષો પડતાં કુલ-૧૫૦ વીજપોલ અને ૫ ટ્રાન્સફોર્મર સેન્ટર ક્ષતિગ્રસ્ત થતાં જિલ્લાનાં રર ગામોમાં અને અનેક ખેતીવાડી ફિડરો ઉપર વીજ પુરવઠો ખોરવાયો હતો.
જેમાથી તમામ ગામોમાં અત્યાર સુધીમાં ૫૪ વીજપોલ અને ૨ વીજ ટ્રાન્સફોર્મર ઊભા કરી વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને બાકીના વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલુ છે. જે પણ મોડી સાંજ સુધી પુર્ણ કરી દેવાશે. બાકી રહેતા ખેતીવાડી ફિડરો ચાલુ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં તમામ ગામોમાં વીજપુરવઠો ચાલુ છે. વરસાદ અને પવનના લીધે કુલ-૪૩૪૮ વીજગ્રાહકોની ફરિયાદ મળી હતી જેમાંથી ર૫૮૦ ફરિયાદનો ખુબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી રહેતી ફરિયાદ માટે પણ વિસ્તાર મુજબ અલગ-અલગ ટીમો બનાવી કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે જે મોડી સાંજ સુધી પૂર્ણ કરવામાં આવશે.
વાવાઝોડાની પરિસ્થિતીને અનુલક્ષીને જિલ્લામાં વીજપુરવઠો ખોરવાય તો ત્વરિત વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરી શકાય તે માટે યુજીવીસીએલની કુલ -૪૦ ટીમો વાહન સાથે તેમજ કોન્ટ્રાક્ટરની ૪૨ ટીમો તમામ સાધન સામગ્રી સાથે તૈયાર રાખવામા આવી છે. “તાઉ’તે” વાવાઝોડાની ગંભીર પરિસ્થિતીને ધ્યાને લઇ વધુ પ્રમાણમા વીજપોલ તુટી શકે તેવી શક્યતાઓના પગલે જિલ્લાના છેવાડાના ગામડાઓમાં અગાઉ થી જ ૧૩૭૦ વીજપોલ ઉતારવામાં આવ્યા હતા. જેથી શક્ય તેટલી ઝડપથી ક્ષતિગ્રસ્ત વીજપોલ ઊભા કરી વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત કરી શકાયો છે તેમજ વિવિધ કેપેસિટીના કુલ-૬૮૦ ટ્રાન્સફોર્મર રીઝર્વ રાખવામાં આવેલ છે.
હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતીને અનુલક્ષીને જિલ્લાની જે કોવિલ હોસ્પિટલમાં વીજપુરવઠો ખોરવાયેલ હોય તેનો અગ્રતાના ધોરણે વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવેલ છે. તા.૧૭.૫.૨૦૧૧ના રોજ રાત્રે “તાઉ’તે” વાવાઝોડુ દિવના દરિયાકાંઠે ટકરાવાથી વિક્ષેપ થયેલ વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ૭ ડિપાર્ટમેન્ટલ ટીમો અને ૧- કોન્ટ્રાકટરની ટીમ પી.જી.વી.સી.એલ.ના અમરેલી સર્કલમાં અને ૫ ડિપાર્ટમેન્ટલ ટીમો ભાવનગર જિલ્લામાં મોકલવામાં આવી છે. યુ.જી.વી.સી.એલ. હેઠળના સાબરમતી સર્કલમાં ૪૦૦ થી વધારે ગામોમાં વીજપુરવઠો ખોરવાતા કલ-૬ ડિપાર્ટમેન્ટલ ટીમો અને કોન્ટ્રાક્ટરની ટીમો મોકલવામાં આવી છે તેમ યુ.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરશ્રી એલ.એ.ગઢવીએ જણાવ્યુ છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)