કલોલના ડિંગુચામાં ખેતરમાં એરંડા ખાતાં 21 ગાયને ઝેર ચડતા 13 ગાયનાં મોત

ડીંગુચા ગામમાં રબારી વાસમાં રહેતા માલધારી પરિવારો પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે આ માલધારીઓ ગાયો ચરાવવા ગયા હતા. ત્યારે ગાયો રસ્તામાં એક ખેતરમાં ઘૂસી હતી. અને અંદર આવેલ એરંડાના છોડ ખાવા લાગી હતી. માલધારીઓએ આ ખેતરમાંથી ગાયોને તરત જ બહાર કાઢી હતી. જોકે આ દરમિયાન 21 ગાયે એરંડાના છોડ ખાઇ લેતા ગાયોને ઝેર ચડવા લાગ્યું હતું. અને થોડા જ સમયમાં એક પછી એક ગાયના મોત થવા લાગ્યા હતા.
ગઈકાલે 11 ગાયના મોત નિપજ્યા હતા. જ્યારે 10 ગાયની તબિયત લથડતા જેમાંથી વધુ બે ગાયોનાં મોત થતા કુલ 13 ગાયના મરણ થતા માલધારીઓ પર આફત આવી પડી હતી. ડીંગુચા ગામમાં રહેતા રબારી ઈશ્વરભાઈ ની 1 ગાય, રબારી રણછોડભાઈ ની 3 ગાય, રબારી લલ્લુભાઈ ની 1 ગાય, રબારી ભગવનભાઈ ની 4 ગાય, રબારી રામભાઈ ની 3 ગાય તેમજ રબારી કાનજીભાઈ ની 1 ગાય નું મોત નિપજ્યું હતું.