સુરતમાં કડોદરા વિસ્તારમાંથી ડી-કમ્પોઝ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરાથી જોળવા તરફ જતાં રસ્તા ઉપર બ્લોક નંબર-19ની સામેના ખેતરમાં એક ઓરડીમાંથી 40 થી 45 વર્ષીય અજાણ્યા ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા કડોદરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે હનુમાન મંદિરથી જોળવા તરફ જતાં રસ્તા ઉપર કડોદરા ગામની સીમમાં બ્લોક નંબર-19ની સામેના ખેતરમાં એક બંગલી આવેલ છે. આ બંગલીમાં 40 થી 45 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં કડોદરા પી.આઈ એ.પી.બ્રહ્મભટ્ટ, પી.એસ.આઈ. કે.કે.સુરતી તેમજ બીટ જમાદાર અશ્વિનભાઈ ચૌધરી ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.યુવાનના મોત અંગે એફ.એસ.એલની મદદથી તપાસ શરૂ કરી છે. મૃતક કોઈક બીમારીના કારણે મરણ ગયો હોવાની શક્યતા છે. મૃતક યુવાને શરીર ઉપર કાળા રંગની ટી-શર્ટ તેમજ સફેદ કલરનું ટપકા વાળું હાફપેન્ટ પહેરેલ છે. પોલીસે તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.