માણસાના ઇટાદરાના તબીબ પાસેથી પૈસા પડાવનારા પત્રકાર વિરુદ્ધ ફરિયાદ

ઇટાદરા ગામે ડોક્ટર પાસે ડિગ્રી અને લાઈસન્સ હોવા છતાં એક પત્રકાર એલોપેથીની પ્રેક્ટિસ કરો છો તેવું કહી પૈસા પડાવતો હોઈ ડોક્ટરે માણસા પોલીસમાં પત્રકાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઇટાદરા ગામે બાગવાસમાં રહેતા અને ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે વૃંદાવન ક્લિનિક નામે ખાનગી દવાખાનું ચલાવતા વિપુલકુમાર બળદેવભાઇ પટેલ બી.એચ.એમ.એસ ની ડિગ્રી ધરાવે છે અને પોતાનું ક્લિનિક ચલાવવા 2007માં લાઈસન્સ પણ લીધું હતું ત્યારથી અહીં આ ડોક્ટર તેમના દર્દીઓને એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓ આપે છે.
ડોક્ટરના ક્લિનિક પર છેલ્લા ત્રણ વર્ષથી વર્ષમાં એક વખત લોદરા ગામનો નયનભાઈ પ્રજાપતિ નામનો ઇસમ પોતે ટીવી ન્યૂઝ ચેનલના પત્રકાર હોવાનું જણાવી ડોક્ટરને ડિગ્રી વિના એલોપેથી દવાઓ આપો છો એટલે તમારા વિરૂદ્ધ આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવાની અને ન્યુઝ પ્રસારિત કરવાની ધમકી આપી હતી. અઠવાડિયા અગાઉ આ પત્રકારે ડોક્ટરને ફોન કરી દસ હજારની માગણી કરી હતી અને જો આ રકમ આપવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ અરજી કરવાની અને ન્યૂઝમાં આપી દેવાની ધમકી આપી હતી એ પછી પણ ત્રણથી ચાર વખત ફોન કરી દસ હજારની માગણી કરતાં આખરે ડોક્ટરે પૈસા આપવાની ના પાડી દેતા પત્રકારે આરોગ્ય વિભાગમાં અરજી આપવાની ધમકી આપી હતી અને આ બધી વાતોનું ડોક્ટરે રેકોર્ડિંગ કરી જેના આધારે પૈસાની માગણી કરનાર નયન પ્રજાપતિ વિરુદ્ધ ડોક્ટરે માણસા પોલીસમાંફરિયાદ નોંધાવી છે.