રાજકોટ માં રાજ્યના માન.મુખ્યમંત્રીના વરદહસ્તે ઓનલાઈન ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો,

રાજકોટ માં રાજ્યના માન.મુખ્યમંત્રીના વરદહસ્તે ઓનલાઈન ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો,
Spread the love

રાજકોટ માં રાજ્યના માન.મુખ્યમંત્રીના વરદહસ્તે ઓનલાઈન ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રતિકરૂપે બાળકોને યુનિફોર્મ અપાયા.

રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનું રાજ્યભરમાં જીલ્લા/શહેર કક્ષાનું આયોજન કરવામાં આવેલ. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૯/૬/૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે કોન્ફરન્સ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને પ્રતિકરૂપે ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો ઓનલાઈન શુભારંભ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયરશ્રી ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતાશ્રી વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ મહાનગરપાલિકાની શીશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, વાઈસ ચેરમેન રુચિતાબેન જોષી, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહેલ. બાળકો દ્વારા તૈયાર કરેલ કલાકૃતિ વડે માન.મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવેલ. આ અવસરે રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર મહદ અંશે અંકુશમાં આવી ગઈ છે, અલબત કોરોનાની મહામારી સામેની આપણી લડાઈ હજુ ચાલુ જ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યની મજબુત ભાવિ પેઢી તૈયાર કરવા માટે સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ગંભીરતાથી ધ્યાન આપ્યું છે. બાળકોમાં નાનપણથી જ શિસ્તબદ્ધતા કેળવાય તે પ્રકારે આંગણવાડીની બહેનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ બાળકોમાં આત્મવિશ્વાસ જન્મે અને તેઓમાં સમાનતાની ભાવના કેળવાય તે માટે યુનિફોર્મની યોજના શરુ કરવામાં આવી છે. માન.મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, “સુપોષિત ગુજરાત” ના સંકલ્પને સિદ્ધ કરવાના ઉમદા આશય સાથે આંગણવાડીઓના બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર આપવામાં આવી રહ્યો છે. આપણા સમાજમાં દિકરો અને દિકરી પ્રત્યે સમાનતાની ભાવના બની રહે તે માટે “બેટી બચાઓ, બેટી પઢાઓ” સંકલ્પ અંતર્ગત રાજ્યમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકાવેલ છે. જે હેઠળ દિકરી ભણી-ગણીને સક્ષમ બને અને સામાજિક વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવો આશય રહેલ છે. ૨-ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એક સાથે એક જ સમયે રાજ્યભરની આંગણવાડીની બહેનોને આવરી લેતા કોરોનાની એસ.ઓ.પી. મુજબ ”હેન્ડવોશ” અભિયાનમાં આશરે ૫ લાખ બહેનોએ હેન્ડવોસ કર્યા હતા. આ ઇવેન્ટને વર્લ્ડ બુક ઓફ રેકર્ડસ, લંડનમાં સ્થાન મળ્યું હતું. વર્લ્ડ રેકર્ડ સર્જક ઇવેન્ટ દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીને મળેલ આ પ્રમાણપત્ર માન.મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે મહિલા અને બાળવિકાસ વિભાગને એનાયત કરવામાં આવેલ. રાજ્ય સરકાર દ્વારા ૫૩ હજાર જેટલી આંગણવાડીઓમાં આવતું બાળક ભગવાનશ્રી કૃષ્ણનું સ્વરૂપ બને તે માટે આ તમામ આંગણવાડીઓને “નંદઘર” નામ આપવામાં આવ્યું, આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનોને “યશોદા” નામ આપવામાં આવ્યું. આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, સરકારશ્રી દ્વારા પ્રાથમિક શાળાઓના બાળકોને ગણવેશ આપવામાં આવે છે. પરંતુ, આંગણવાડીના બાળકોમાં ગણવેશથી આત્મવિશ્વાસ, શિસ્ત અને સમાનતાની ભાવના કેળવાય તેવા શુભ આશયથી રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સૌપ્રથમ વખત રાજ્યની તમામ આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો નિર્ણય કરેલ છે. તે બદલ માન.મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ દરેક સમાજને સ્પર્શતા અનેક લોકભોગ્ય નિર્ણયો કરેલ છે. અને ગુજરાત રાજય વિકાસની સાથે સશક્ત રાજય બને તે દિશામાં માન.મુખ્યમંત્રીના સફળ નેતૃત્વ હેઠળ સરકાર કામ કરી રહી છે. વિશેષમાં, મેયરશ્રી ડૉ.પ્રદીપ ડવએ જણાવેલ કે, પોતે આંગણવાડીના વિષય પર પી.એચ.ડી. કરેલ છે. બાળકના સર્વાંગી ઘડતર માટે આંગણવાડીની મહત્વની ભૂમિકા છે. ગણવેશ પહેરવાથી બાળકમાં શિસ્તની શરૂઆત થાય છે. રાજયમાં બાળક કુપોષિત ન રહે તે માટે માન.મુખ્યમંત્રીશ્રીએ કુપોષિત બાળકને પોષિત કરવાનું અભિયાન શરૂ કરેલ છે. રાજકોટ શહેરમાં પણ કુપોષિત બાળકોને જુદી-જુદી સામાજિક સંસ્થાઓ તથા જુદા-જુદા ક્ષેત્રના અનેક મહાનુભાવોએ દત્તક લીધેલ છે. જેના ખુબ જ સારા પરિણામ આવેલ છે. કોર્પોરેટરશ્રીઓ પણ પોતાના વિસ્તારની આંગણવાડીની મુલાકાત લઇ, કુપોષિત બાળકોની જરૂરિયાત પૂરી કરવા માટે મદદરૂપ થાય તેમ તેઓએ અંતમાં જણાવેલ. રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવી શિક્ષણનીતિ ૨૦૨૦માં પૂર્વ પ્રાથમિક શિક્ષણને મહત્વ આપી, આંગણવાડી ઉપર ભાર મુક્યો છે. જે અંતર્ગત આંગણવાડીના ૧૪ લાખ જેટલા બાળકોને આશરે રૂ.૩૬ કરોડના ખર્ચે ગણવેશ આપવાની યોજનાનો આજથી પ્રારંભ થયો છે. સને ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં મહિલા અને બાળવિકાસ વિભાગ નામાભિધાન કરાવ્યુ હતું. આ વિભાગનું હાલનું બજેટ રૂ.૩૫૦૦ કરોડ જેટલું છે. શ્રી મોદીજીના અન્ય એક સંકલ્પ “બેટી બચાઓ, બેટી પઢાઓ” ને સાકાર કરવા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકાવેલ છે. રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગના મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં એમ કહ્યું હતું કે, આપણા રાજ્યના સંવેદનશીલ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતાનો સૌથી શ્રેષ્ઠ અનુભવ મહિલા અને બાળવિકાસ વિભાગને થયો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓના બાળકોને પણ ગણવેશ મળે જ છે. હવે રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા બાળકોને બબ્બે ગણવેશ આપવાની યોજનાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. તે બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં, રાજ્ય સરકારશ્રી દ્વારા ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહયોગ મળે છે. વિધવા સહાય યોજનામાં એક શરત એવી હતી કે, દિકરો પુખ્ત વયનો હોય તો સહાય ન મળે. પરંતુ, સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ આ શરત દુર કરાવી, ઉમદા પગલું ભર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે કર્યું હતું. જયારે કાર્યક્રમના અંતમાં શીશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાએ આભારવિધિ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં યોજાયેલ આ ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે આંગણવાડીના બાળકોને પ્રતિકરૂપે ગણવેશ આપવામાં આવેલ. જયારે શીશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા અને વાઈસ ચેરમેન રુચિતાબેન જોષીએ બાળકો દ્વારા તૈયાર કરેલ કલાકૃતિ વડે મહાનુભાવોનું સ્વાગત કરેલ. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૯૩૦૫ બાળકો પૈકી ૬ બાળકોને ટોકનરૂપે મહાનુભાવોના વરદ હસ્તે ગણવેશ આપવામાં આવેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!