સરકારે વેક્સિનના ડોઝ ઓછા ફાળવતાં સેન્ટરો ઉપર હોબાળો

રાજ્ય સરકાર દ્વારા વેક્સિનના ડોઝ ઓછા ફાળવવામા આવતા રસી નહી મળવાથી લોકોને ધરમધક્કા ખાવાની ફરજ પડી છે. તેમાં મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા છતાં વેક્સિન નહી મળતા વેક્સિનેશન સેન્ટરોમાં હોબાળાના બનાવો બની રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર પહેલાં મોટાભાગના લોકો વેક્સિન લઇ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે. આથી હાલમાં કોરોનાની રસી લેવામાં જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
આથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અને શહેરી વિસ્તારના ગામોના વેક્સિનેશન સેન્ટરોમાં લોકોની ભીડ જામે છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વેક્સિનના ડોઝ ઓછા ફાળવવામાં આવી રહ્યા છે. જેને પરિણામે જિલ્લા અને મનપાના આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશનના સેન્ટરો ઘટાડવાની ફરજ પડી રહી છે. જ્યારે બીજી તરફ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારને પણ વેક્સિનનો ડોઝ મળતો નથી. તેવો બનાવ બુધવારે ઉવારસદ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે બન્યો હતો. ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા છતાં વેક્સિન નહી મળતા લોકોએ હોબાળો કર્યો હતો. આથી વેક્સિનેશનની કામગીરી કરી રહેલા કર્મચારીઓની હાલત પણ કફોડી બની રહી હોવાનું આરોગ્ય તંત્રના કર્મચારીઓ ચર્ચા જોવા મળી રહી છે.
જિલ્લાને 8500 ડોઝ ફાળવાયા
વેક્સિનેશન કામગીરી સઘન કરવાની વાત વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને કુલ 8500 જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા હતા. તેમાં જિલ્લાના ચારેય તાલુકા માટે 6000 જેટલા ડોઝ ફાળવ્યા હતા. જ્યારે મનપા વિસ્તાર માટે 2500 ડોઝ ફાળવ્યા હતા.