વિકાસના કામોમાં અધૂરી કામગીરી ઝડપી પૂરા કરી દેવા મ્યુ. કમિશનરની તાકીદ

ગાંધીનગર કોર્પોરેશનમાં નવા આવેલા મ્યુનિસિપલ કમિશનર ડો. ધવલ પટેલે વિવિધ વિભાગોની રિવ્યૂ મિટિંગ લઈને કરેલા કામોની ત્રણેક દિવસ સમીક્ષા કરી હતી. જેમાં સ્માર્ટસિટી સિટીથઈ લઈને વિવિધ શાખાઓની કામગીરી, બાકી રહેલી કામગીરી અને આયોજનો અંગે અધિકારીઓ અંગે ચર્ચાવિચારણા કરી હતી.
આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવા કમિશનર દ્વારા ગાંધીનગરમાં સ્માર્ટસિટી અંતર્ગત થયેલા અનેક કામો અંગે રિવ્યૂ મિટિંગમાં નવા કમિશનર દ્વારા વિગતો મેળવવાની સાથે ઘણી બાબતે શંકાઓ વ્યક્ત કરીને સવાલો પણ કર્યાં હોવાનું કહેવાય છે. તેઓ બાકી વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરી દેવા તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાના હેતુથી સરકારે કરોડોનું ફંડ ફાળવ્યા બાદ પણ કામગીરીમાં કચાસ રહેતી હોવાની અને ધ્યાને ન અપાતું હોવાના આક્ષેપો અનેકવાર થયા છે.
અંડરપાસ, બગીચા, ફૂટપાથ, સફાઈ જેવી અનેક કામગીરીમાં ગંભીર ભૂલો-કામગીરીમાં લાલિયાવાળી સહિતની ફરિયાદો અનેક વખત ઉઠી છે. છતાં દરેક વખતે તંત્ર દ્વારા કાગળ પર પગલાં લઈને સંતોષ માની લેવાયો છે. ત્યારે હવે નવા મ્યુનિસિપલ કમિશનર આવતા શહેરના નાગરિકો અને વિવિધ સંગઠનોને નવી આશાઓ ઉભી છે. જેમાં શહેરમાં અનેક સ્થળે અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સાથે કામગીરીમાં કોઈ કચાસ ન રહે તેવી લોકોની લાગણી છે.
કારણ કે વરસાદમાં સ્વિમિંગ પુલ બની ગયેલા ઘ-4 અંડરપાસ, ખ રોડની ફૂટપાથો ધોવાઈ ગઈ હતી. જેની સામે તંત્રએ ખૂલાસો કરીને આ બધી ઘટનાઓને સ્વાભાવિક ગણાવી દીધી હતી. ત્યારે પાટનગરના ખરેખર સ્માર્ટસિટી બનાવવા આવી બેદરકારીઓ સામે પગલાં લેવા જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં અંડરપાસ, બગીચા, ફૂટપાટ સફાઈ જેવી અનેક કામગીરીમાં લાલિયાવાળી સહિતની ફરિયાદ અનેક વખત ઊઠી છે. છતાં તંત્ર દ્વારા કાગળ પર પગલા લઈ સંતોષ મનાઈ છે. શહેરમાં નવા મ્યુનિસિપલ કમિશનર આવતા નાગરિકોને નવી આશા જાગી છે.