જુના રેલવે સ્ટેશન પર ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

જામનગરના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની સરકારી જગ્યામાં અનેક સ્થળોએ દબાણો થઈ ગયેલા છે. જેમાં કેટલાક પાકા મકાનો અથવા તો ધાર્મિક સ્થળો વગેરે પણ ઊભા કરી દેવાયા છે. દરમિયાન આજે રેલવે તંત્ર દ્વારા દબાણ હટાવવાનું શરૂ કરી દેવાયું હતું.
જેથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. રેલવે તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવી રહ્યા હતા. જેમાં ત્રણેક ધાર્મિક સ્થળો પણ આવી જતા હોવાથી સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા અને ડીમોલેશન રોકવા માટે રેલવે તંત્રને રજૂઆત કરી હતી.
રેલવે તંત્ર ઉપરાંત સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે કચવાટની લાગણી ફેલાઇ હતી. અને વિરોધ થયો હતો. પરંતુ રેલવે તંત્ર દ્વારા અન્ય દબાણો દૂર કરીને રેલવેની જગ્યા ખુલ્લી કરાવવાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું.
રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)