કલ હો ના હો

કલ હો ના હો
Spread the love

બ્રહ્માંડના સર્જનની સાથે સમયની રફતાર શરૂ થઈ હશે.કોઈ ઘટના એવી નથી બની કે સવાર થતી કોઈએ રોકી રાખી હોય અથવા રાતનું અંધારું તેના નિયત કરેલાં સમયપત્રકથી એક સેકન્ડ પણ આઘું પાછું થયું હોય..,!.ઘડિયાળની ટિક ટિકના કાંટા સાથે કોઈ ગુસ્તાખી કરે અને કાંટાઓ થંભી જાય પરંતુ કોઈ ક્ષણને,પળને પકડી શકાય ખરી ? પ્રકાશની ઝડપ જેમ સમયની દોડ વણથંભી અને હાફ્યાં વગર સતત ચાલતી રહે છે. સમય અને જીવન એક સિક્કાની એક જ બાજુ જેવાં છે અને બંને સાથે સાથે ચાલે છે. ક્યારેક જીવન વિરામ પામે પણ સમય ઊભો રહેતો નથી.

અહીંયા એ વાતની પણ નોંધ લેવી પડે કે સમય ફ્રીજ થતો નથી. તેથી આપણે દરેક સેકન્ડને ગુંથાયેલા રંગાયેલા રંગ સંયોજન અને સ્વાદિષ્ટ વ્યંજનોની જેમ જીવી જાણવી પડે. જીવન અનેક અનિર્ણિત અવસ્થાના ગભૅથી ભરેલું છે.એક ક્ષણ પછી શું થશે તે કોઈ કહી ન શકે.તમારી પાસે જે પળ છે તેને પુલકિત કરી લો.જીવનની કોઈપણ ઘડીઓ ચિરંજીવી હોતી નથી.આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ’ એક સરખાં દિવસ સુખનાં કોઈના જાતા નથી’ આજે જે છે તે કાલે નહીં હોય..! મતલબ આજે જે રીતે સમય વહી રહ્યો છે તે આવતીકાલે હાથતાળી દઈને નાસી પણ છૂટે.પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામના રાજ્યાભિષેકની તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી.પરંતુ સમયે કરવટ બદલી અને તેને રાજ્યાભિષેકને બદલે આકરા વનવાસનો 14 વર્ષ સુધી સામનો કરવો પડ્યો.આ છે સમયના અડાબીડ વળાંકો..!

પૂર્ણતઃ પુરુષોત્તમ પણ જો સમયચક્રને પોતાને અનુકુળ ન કરી શકતાં હોય અને બદલી ન શકતાં હોય તો જનસામાન્યનુ કેટલું ગજું ? કોઈ અહમ્ સવૉસ્મિ એવાં ગુમાનમાં જ્યારે જીવે છે ત્યારે તેની અલ્પમતિની આલોચના નથી પણ તેની દારીદ્રીક સમજની દયા ઊપજે છે.યાદ રાખીએ અતિ પ્રિય સ્વાદને બદબોમા બદલાતાં ચોવીશ કલાકથી પણ ઓછો સમય લાગે છે. એક ભજનમાં કહેવાયું છે કે ‘ખબર નહીં પલ કી મુરખ બાત કરે કલ કી’. સમયની ઝડપ જેટ વિમાનથી પણ વધુ તેજ છે. તેથી જો સમયને ઓળખીને ઉપયોગ કરી જાણીએ તેને જીવનનો સમર્થ અર્થ સમજનારો જાણવો.

જ્યારે સમયની અગત્યતા હોય ત્યારે તેને અગ્રતાક્રમ આપવો પડે. હવે જે સમય બચ્યો છે તેમાં શું કરી શકાય…? જે સમય છે તેનો આપણે બે રીતે ઉપયોગ કરી શકીએ એક આપણી જાતમાં ખુશીઓ, આનંદને, પ્રસન્નતાને ઠાંસી ઠાંસીને ભરી દઇને,મન ભરી માણીએ. બીજું આપણી પ્રસન્નતાની ક્ષણો કોઈક એવાં લોકોને વહેંચીએ કે તેમના ચહેરા પર પણ આનંદની સુરખીઓ,કળીઓ ફૂટી નીકળે. પ્રસન્નતા ઈશ્વરરૂપ છે. જ્યારે તમે તમારી જાતમાં તેનું પ્રત્યારોપણ કરી શકો છો ત્યારે તમે અસ્તિત્વનું સ્વરૂપ બન્યાં છો તેમ કહીએ તો ખોટું નથી. બીજું જ્યારે તમે અન્યને માટે તેની લહાણી કરો છો.અને તેનાથી અસ્તિત્વ જે રીતે મુસ્કુરાહટ કરે છે તેની શાતા આપના પર પણ સતત ઢળતી રહે છે.

ખુશીઓના પુષ્પો સદા ચહેરા પર, શરીર પર લપેટાયેલાં રાખવાં તે એક સાધના છે. આ સાધનાનું સ્વરૂપ જે જીવનની કળા જાણે છે તે બખૂબી મેળવી લેતાં હોય છે. આપદ્ પળ કેવી રીતે સુખદ કિલ્લોલમાં ફેરવવી તે એ ખૂબ મનભાવન કોયડો હોય છે.તેને ઉકેલવાનું શ્રેય પહોંચેલાં પરમાર્થીઓ જ મેળવતાં હોય છે. અહીં તુકારામજીનો એક જીવન પ્રસંગ યાદ આવે છે.તુકારામે  પોતાના ખેતરમાં શેરડી વાવેલી અને ક્યારેક શેરડીનો ભારો લઈને આવતાં હોય તો રસ્તામાં જે બાળકો કે કોઈ જરૂરિયાત મંદ મળે તો તેને શેરડીના સાંઠા વહેંચતા આવે.એકવાર તુકારામ શેરડીનો ભારો લઈને નીકળ્યાં અને ગામમાં પહોંચતાં પહોંચતાં ઘણાં બધાં લોકો તેમની પાસેથી શેરડી માંગવાવાળા મળ્યાં. બાળકો, વૃદ્ધો અને બીજા બધાં.

આખરે ઘર આવ્યું તો શેરડીનો એક જ સાંઠો બચ્યો.તેની પત્નીએ કહ્યું કે શેરડી ક્યાં ગઈ તો એમણે કહ્યું કે’ મેં તો બધી વહેંચી દીધી.’તેની પત્ની બહુ ક્રોધી હતી. એમની પાસેથી શેરડીનો સાંઠો લઈને તુકારામને એક ફટકાર્યો.શેરડીના સાંઠાના બે ભાગ થઈ ગયાં.તુકારામ હસવા માંડ્યા.પછી તુકારામે ઉતર વાળ્યો” ખુબ સરસ “.તેની પત્નીએ કહ્યું કે કેમ મેં શેરડીનો સાંઠો માર્યો તો પણ તમે હસો છો.સંત તુકારામ કહે,” જુઓ એના બે ભાગ થઈ ગયાં તેમાંથી હવે એક ભાગ તમે ખાઈ લો અને એક ભાગ હું ખાઈ લઉં.’ કેવું ધૈર્ય..?દર્દને દોઝખ નહીં પંરતુ અમીવૃષ્ટિ સંત જ સમજી શકે !જીવનમાં જે વ્યક્તિ લ્હાણું કરે તેની પુર્તિ થતી રહે છે.પાંચાલીના ચિર પૂરવા માટે કૃષ્ણ પણ દોડીને આવ્યાને..!. ધૂમકેતુ કહે છે મેળવો, વહેચો અને ભૂલી જાવ. આ સૂત્રપાત ઘણું બધું કહી જાય છે.

આપણું અવતરણ ‘સ્વ’ માટે જરુર હશે. પણ તેના પછી સવૅ માટે પણ સમપૅણ કરવાનો સંદેશ જીલવો રહ્યો.આપણો આતમરામ જો સાંજે અન્યના સુખદુઃખ પુછવાનો હિસાબ માંગે તો તમે આનંદના દેવ  કૃષ્ણની સમિપ જ ઊભાં છો.કૃષ્ણને કૌરવો સાથે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નહોતી પણ જગતકલ્યાણાર્થૅ તેણે સુદર્શન હાથમાં ઉપાડવું પડે છે.જે દ્શ્ય નથી તેવા અનેક કરકમલો કોઈના આંસુ લુછીને અંતરધ્યાન થતાં રહે છે તેની દાસ્તાન વણ લખાયેલી લોકજીભે ગુનગુનાતી રહે છે.તેથી કબીર કહે છે કે

 “રાત ગવાઈ સોય કે દિન ગવાયાં ખાય,
રામ બુલાવા ભેજિયા‌ દિયા કબીરા રોય.”

તેથી સદ્કાર્ય માટે સમય ન ગુમાવવો જોઈએ.

  • તખુભાઈ સાંડસુર

Admin

Admin

9909969099
Right Click Disabled!