પાયાનું શિક્ષણ આપનાર બાહી પ્રાથમિક શાળાનું ઋણ ચૂકવતા અધિક કલેકટર ગોપાલ બામણિયા

પાયાનું શિક્ષણ આપનાર બાહી પ્રાથમિક શાળાનું ઋણ ચૂકવતા અધિક કલેકટર ગોપાલ બામણિયા
દરવર્ષે બાહી ગામની ત્રણ પ્રાથમિક શાળાના ધોરણ ૧ ના બાળકોને શૈક્ષણિક કીટ આપે છે અધિક કલેકટર
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળા બાહીમાં પ્રાથમિક શિક્ષણ મેળવી વર્ષ ૨૦૦૪-૦૫ માં જીપીએસસી પરીક્ષા પાસ કરીને તાલુકા વિકાસ અધિકારી તરીકે વહીવટી કેડરમાં જોડાયેલા ગોપાલ બામણિયા પોતાનું ઘડતર કરનાર પ્રાથમિક શાળા બાહીના ધોરણ ૧ ના બાળકોને દર વર્ષે શૈક્ષણિક કીટનું દાન આપીને ઋણ ચૂકતે કરે છે.
ચાલુ વર્ષે બાહી ગામની બાહી કુમાર શાળા, બાહી કન્યા શાળા અને ખાંટના મુવાડા પ્રાથમિક શાળાના ધોરણ ૧ના બાળકોને બાહી કુમાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના અધિક કલેકટર ગોપાલ બામણિયા અને તેમના સહાધ્યાયી મિત્રો દ્વારા શૈક્ષણિક કીટ રૂપે સ્કૂલબેગ, દેશી હિસાબ, કંપસંબોક્સ અને નોટબૂકસનું વિતરણ કરવામાં આવ્યુ.
શૈક્ષણિક કીટ વિતરણ પ્રસંગે મુખ્ય મહેમાન ગોપાલ બામણિયા(અધિક કલેકટર), કાંતિભાઈ બામણિયા (ઉપપ્રમુખશ્રી GSFC કર્મચારી મંડળ), ડૉ. મહેશ વર્મા (એમ.એસ. યુનિવર્સિટી), મનિષકુમાર ચૌધરી (ના.કા.પા.ઇ., મા. અને મ. વિભાગ), હિતેન્દ્રસિંહ સોલંકી (આચાર્ય, એચ.એમ. દવે હાઇસ્કુલ ઉમરેઠ), કમલેશભાઈ સોલંકી (આચાર્ય, બાહી હાઇસ્કુલ) પી.ડી. સોલંકી (હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય અને જાણીતા શિક્ષણવિદ), કે.જે. સોલંકી (નિવૃત્ત TPEO), રાજેન્દ્રસિંહ સોલંકી(સરપંચ બાહી), રામદેવસિંહ ઠાકોર(સામાજિક આગેવાન) હસમુખભાઈ વણકર (સામાજિક આગેવાન), રામાભાઈ વણકર (આચાર્ય, કુમાર શાળા બાહી), અજીતસિંહ પરમાર (કન્યા શાળા બાહી), મણીભાઈ વણકર (આચાર્ય, ખાંટના મુવાડા પ્રા. શા.) તથા ત્રણેય શાળાના એસએમસી અધ્યક્ષશ્રીઓ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા પરિવાર વતી સાલ અને પુષ્પકલગીથી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોવિડ ૧૯ની ગાઇડ લાઈનનું પાલન કરીને દરેક શાળાના નમૂના રૂપ પાંચ પાંચ બાળકોને મહેમાનોના વરદહસ્તે કિટ આપવમાં આવી હતી.
અધિક કલેકટરશ્રી ગોપાલ બામણિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં તેમની જૂની યાદો તાજી કરતા ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ પોતાનું જ ઉદાહરણ આપીને કપરી સ્થિતિમાં પણ અભ્યાસ કરીને જીવનમાં આગળ વધવા બાળકો અને વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગોપાલ બામણિયાએ પ્રાથમિક શિક્ષણ બાહી કુમાર શાળામાં મેળવી માધ્યમિક શિક્ષણ પણ બાહી ગામની હાઈસ્કુલમાં મેળવ્યું છે. ગોપાલ બામણિયા તથા તેમના સહપાઠી હિતેન્દ્રસિંહ સોલંકી અને અન્ય મહેમાનોએ પણ શાળાને જરૂરીયાત મુજબ આર્થિક સહયોગ કરવા માટે ખાતરી આપી હતી. ગોપાલ બામણિયાના પિતાશ્રી અને ખાંટના મુવાડા પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થયેલ શિક્ષકશ્રી ધીરુભાઈ બામણિયાની યાદગીરી રૂપે ખાંટના મુવાડા શાળાના ધોરણ ૧ના બાળકોને પણ દર વર્ષે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારમાં અધિક કલેકટર બન્યા બાદ પણ ગોપાલ બામણિયા બાહી ગામ અને શાળા સાથે કાયમ જોડાયેલા રહયા છે. આચાર્યશ્રી રામાભાઈ વણકરે આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
દક્ષિણ ગુજરાત બ્યૂરો