મંદિર, શાસ્ત્ર અને સંત ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ અને હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવામાં ત્રણેયનું ખૂબ જ મોટું પ્રદાન : પૂ. જ્ઞાનપ્રિયદાસ સ્વામી

મંદિર, શાસ્ત્ર અને સંત ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ અને હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવામાં ત્રણેયનું ખૂબ જ મોટું પ્રદાન : પૂ. જ્ઞાનપ્રિયદાસ સ્વામી
Spread the love

‘આર્ષ’ શોધસંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા 24 વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન-ચિંતન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમ અંતર્ગત શાસ્ત્ર અંગે ‘ભક્તચિંતામણિ’ વિષય પર 97માં પ્રવચનનું આયોજન ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન લાઇવ તા. 25-09-2021ના રોજ સાંજે 5 થી 7 સમય દરમ્યાન થયું હતું. આ પ્રસંગે હ્યુસ્ટન, અમેરિકા સ્થિત બીએપીએસ શ્રીસ્વામિનારાયણ મંદિરના વિદ્વાન સંત પૂ. જ્ઞાનપ્રિયદાસ સ્વામીના વક્તવ્યનો તેમજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શ્રીમુખે ભક્તચિંતામણિ ગ્રંથની પારાયણ વિડીયો દર્શનનો વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. ઓનલાઇન પ્રવચનમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા.

પૂ. જ્ઞાનપ્રિયદાસ સ્વામીએ પ્રવચનની શરૂઆતમાં જણાવ્યું કે, મંદિર, શાસ્ત્ર અને સંત ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ છે અને હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવામાં આ ત્રણેયનું ખૂબ જ મોટું પ્રદાન છે, તેમાંય આપણા ધર્મગ્રંથો માનવ જીવન જીવવાથી લઈ, મોક્ષ પ્રાપ્ત કરવા સુધીનું માર્ગદર્શન પૂરું પાડે છે. આપણા આદિ મહાકાવ્ય રામાયણ હોય કે મહાભારત, ભાગવત હોય કે ભગવદ્ગીતા આ અને આવા બીજા અનેક ધર્મગ્રંથો, સદીઓથી આપણને પ્રેરણા પિયુષ પાઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર અવતરી અનેક પ્રકારના સત્કર્મ કર્યા, તેમાનું એક વિશિષ્ટ કાર્ય હોય, તો તે સંપ્રદાયના શાસ્ત્રો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ છે. ભગવાન સ્વામિનારાયણે શેખપાટના લાલજી સુથારને દીક્ષા આપી. એક આદરણીય, આદર્શ, ત્યાગી, સાધુ બન્યા, જેનું નામ નિષ્કુળાનંદ સ્વામી પાડ્યું. સ્વામિનારાયણ ભગવાને જ્યારે તેમને સાહિત્ય સર્જનની આજ્ઞા કરી ત્યારે તેમને કહેલું કે, હું તો ગામડા ગામમાંથી આવું છું, મારો કોઈ ઊંડો અભ્યાસ નથી, હું કંઈ ભણેલો પણ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપતા કહેલું કે, તમે જે વિચારશો, બોલશો કે લખશો તે કાવ્ય બની જશે.

નિષ્કુળાનંદ સ્વામી વિશે ઘણું ઘણું કહેવાયુ છે; અને ઘણું કહી શકાય તેમ છે. લોકોએ તેમને સ્વયં વૈરાગ્યમૂર્તિનું બિરુદ આપ્યું. તેઓ શ્રીજીના કૃપાપાત્ર અને પૂર્ણ વિશ્વાસપાત્ર પણ હતા. વિશેષ તો ભક્તચિંતામણિ ગ્રંથ જ તેમનો વિશેષ પરિચય આપે છે. પૂ. જ્ઞાનપ્રિય સ્વામીએ ગ્રંથનો પરિચય આપતાં જણાવ્યું કે, લેખકની કૃતિને સ્વયં ભગવાન પ્રમાણભૂત કરે એવી ઐતિહાસિક ઘટના ઘટી, જે કેવળ હિન્દુ ધર્મમાં જ નહીં પરંતું કદાચ વિશ્વ ઇતિહાસમા પ્રથમવાર જ બની હશે. એ ઐતિહાસિક દસ્તાવેજ એ જ “ભક્તચિંતામણિ”. ભક્તચિંતામણિ ગ્રંથનું બીજું એક પ્રચલિત નામ લીલાચિંતામણિ પણ છે આ ગ્રંથનો મુખ્ય વિષય છે, પ્રત્યક્ષ ભગવાન શ્રીસ્વામિનારાયણનાં દિવ્ય કલ્યાણકારી ચરિત્રો, અને તેમના એકાંતિક ધર્મપ્રવર્તનનું કાર્ય. ગ્રંથનો હેતુ છે, જીવ પ્રાણીમાત્ર સૌનું કલ્યાણ કરવું. નિષ્કુળાનંદસ્વામી મૌલિક સર્જક છે. ગ્રંથના આરંભમાં જ આ ચરિત્ર ગાવાનો તેમને કેવો ઉમંગ છે તેની વાત કરતા કહે છે, જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરૂ, તે પળ પીવા ખમે નહીં ,જાણે કૈ વારે પાન કરું,

ઓછા અભ્યાસી સંત હોવા છતાં ગ્રંથનું વિષયવાર બંધારણ અદભૂત કર્યું છે, જે અનુક્રમણિકા પરથી જણાય છે. ગ્રંથમાં ૧૬૪ પ્રકરણો છે. 1 થી 100 પ્રકરણમાં શ્રીજી મહારાજની લીલા અને કાર્ય, પછીના 10 પ્રકરણમા સંતો ભકતોના પંચવર્તમાન, નિયમ અને અધ્યાત્મ માર્ગમાં જે વિઘ્નો આવે છે, જે દોષો નડે છે, તેને દૂર કરવાના ઉપાય અને ભગવાનનું સર્વોપરીપણું, પછીના 16 પ્રકરણોમાં હરિભક્તોના નામ, ગામ અને આંતર વૈભવ અને ત્યાર પછી 31 પ્રકરણોમાં ઐશ્વર્ય અને પરચા આલેખ્યા છે, અંતિમ 6 પ્રકરણમાં શ્રીહરિનું સ્વધામ ગમન તથા ગ્રંથ મહિમા અને સદાને માટે આ પૃથ્વી પર ભગવાનનું પ્રગટપણું લખવામાં આવ્યું છે.

પૂ. જ્ઞાનપ્રિય સ્વામી આગળ જણાવ્યું હતું કે, સાધનાના માર્ગમાં ભગવાનને પામવા માટેનું માધ્યમ-દ્વાર તો સંત જ છે, તેથી સ્વામી પરમ એકાંતિક સંતના ચરણમાં પુષ્પ ચડાવીને, પ્રત્યેક પંક્તિએ સંતના ચરણમાં પોતાનું શિશ નમાવે છે. સ્વામી પોતે પણ એક મહાન સંત છે, તેમ છતાં જ્યારે આવા સંતના ગુણગાન ગાય છે, ત્યારે ખ્યાલ આવે છે કે તેમણે વર્ણવેલા સંત તે કોઈ જુદી જ માટીના છે. પ્રમુખસ્વામી મહારાજ ઘણીવાર કહેતા, આ પ્રકરણમાં જે સંતનું વર્ણન છે તે કોઈ કલ્પના નથી, આપણે એને હાજરાહજૂર જોયેલા છે, તે છે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ. અને આપણા માટે કહેવું હોય તો પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે મહંત સ્વામી મહારાજ એવા સંત છે.

બીજું પ્રકરણ ગ્રંથનો સાર છે, ચિંતામણિ છે. ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખથી જે વચનો સાંભળેલા, તેની પ્રતીતિનો રણકાર એટલે આ બીજું પ્રકરણ. આ પ્રકરણનું મુખડું છે “એવા સંતને નામું હું શીષ” ગીતા, ભાગવત, ઉપનિષદ, રામાયણમાં જે સંતના લક્ષણો બતાવવામાં આવ્યા છે એ બધાનો સાર છે. તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન ફક્ત એક જ વાર ગુજરાતની બહાર વિચરણમાં ગયા છે, તેમ છતાં પુષ્પ, ફળ-ફૂલ, પશુ-પંખી, વન, વૃક્ષોનું વર્ણન હોય કે પ્રાણીઓનું કોઈ પણ વર્ણનમાં પ્રાસ, અનુપ્રાસ, લય અને મધુરતા ઠેર ઠેર અદભુત રીતે જોવા મળે છે, ખરેખર, સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા તે સત્ય ઠર્યા દેખાય છે.

પોતાના ઈષ્ટદેવના પ્રાકટ્ય સમયનું સુંદર કાવ્ય ચિત્ર એમણે દોર્યું છે. વિશ્વના સાહિત્યમાં સિદ્ધ-હસ્ત લેખકોએ ક્યારેક પત્રાત્મક કૃતિઓ લખી છે, જે ઈતિહાસમાં અમર બની ગઈ છે. એવો જ એક પત્ર, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની પત્રી પ્રકરણ 41-42. આ પત્રી તરીકે ખ્યાતિ પામેલ આ પ્રકરણ, ગુણાતીત ગુરુઓને ખૂબ જ ગમતું અને ગમે છે, સંતો આ પ્રકરણને મુખપાઠ કરી નિત્ય ગાન કરી આનંદ માણે છે. સ્ત્રી માત્રની ગંધથી દૂર રહેનારા નૈષ્ઠિક બ્રહ્મચારી નિષ્કુળાનંદ સ્વામી પ્રકરણ 64 માં સ્ત્રી ભક્તોની પરાભક્તિને ખુલ્લા દિલે વર્ણવી અને વધાવી છે.

આ ગ્રંથમાં એમણે ચરિત્રોની સાથે સાથે બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપની તેમજ અક્ષર અને પુરૂષોત્તમની સ્પષ્ટ વાત પણ કરી છે. એવી જ રીતે ઉત્પત્તિ સર્ગની લાંબી અને ગહન વાતને સ્વામીએ માત્ર બે કડીમાં સરળ શબ્દોમાં વર્ણવી છે, આ કળા તો મોટા વિદ્વાનો માટે પણ દુર્લભ છે, કહેવાયું છે કે વિદ્વાનમાં અને સંતમાં એટલો જ ફરક છે, વિદ્વાન સરળ શબ્દોને અતિ ક્લિષ્ટ, અઘરા કરીને બતાવે અને સંત અતિ અઘરા તત્ત્વજ્ઞાનને સાવ સરળ, સાદી ભાષામાં સમજાવે છે. અન્ય ગ્રંથોમાં શાંતરસને શોધવો પડે, જે અહી સહજ રીતે જોવા મળે છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા, જેને અનિદ્રાનો રોગ હોય, ઊંઘ ન આવતી હોય, તેને ભક્તચિંતામણિ વાંચવી કે સાંભળવી.

આ ગ્રંથમાં ચરિત્રોની સાથે આધ્યાત્મિક માર્ગે આડા આવતા વિઘ્નો જેવા કે કામ, ક્રોધ, લોભ, માનની પણ વાત કરે છે. ગ્રંથની એક અન્ય વિશેષતા જણાવતાં કહે છે, તે છે ભક્તોની દિવ્ય નામાવલિ. પોતે અષ્ટાંગ બ્રહ્મચારી હોવા છતાં, પુરુષ ભક્તોની સાથે સાથે તમામ સ્ત્રી ભક્તોના નામ પણ દરેક પ્રદેશનાં લખ્યા છે, આત્મદૃષ્ટિ વાળા સ્વામિનારાયણના સંતો નિયમ ધર્મમાં શૂરા પુરા પણ મનમાં કોઈ પણ સ્ત્રી માટે જરાય ઓછો ભાવ કે તિરસ્કાર નહીં. શ્રીજી મહારાજના સંબંધે બધા જ દિવ્ય છે, મુક્ત છે, એ રીતે વર્ણન કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ આ ભક્તોનો મહિમા કહેતા કહે છે, આ ફક્ત નામ જ નથી, આ ભક્તો પ્રાતઃસ્મરણીય ગુણિયલ છે, એને યાદ કરવાથી, પઠન-પાઠન કરવાથી અનેક પ્રકારની પ્રેરણા મળે છે.

તમામ ઈશ્વરના, અવતારોના જીવન સાથે ચમત્કારો સંકળાયેલા જોવા મળે છે, અહીં નિષ્કુળાનંદ સ્વામી ચમત્કારોના વર્ણન દ્વારા ભગવાનના સામર્થ્યને જ તમામ ભક્તોના હૃદયમાં દૃઢ કરાવવા માંગે છે. તેથી ભક્તો આ ચરિત્ર વાંચીને એ જ સમર્થ ભગવાન મારી રક્ષામાં છે, મારી સાથે છે, એમ માનીને નિર્ભય થઈ શાંતિ અનુભવે એ ચમત્કારોનું તાત્પર્ય છે. જેવું ચિંતામણિમાં દૈવત છે, એવુ જ ભકતચિંતામણિમાં પણ દૈવત અને કૌવત છે. એને વાંચવાથી, ગાવાથી, સાંભળવાથી, એનો સ્પર્શમાત્ર કરવાથી, ચિંતામણિ તુલ્ય અનુભવ થાય છે, એટલે એનું નામ ભક્તચિંતામણિ સાર્થક છે. ગ્રંથનો આરંભ અને અંત આનંદથી થાય છે, કહેતા એ આનંદ છે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ અને પ્રતીતિનો. એના દર્શન, સેવા, અને સમાગમનો.

આપણે પણ એવો જ આનંદ પામી શકીએ, એવી પ્રીત અને રીત નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં આપણને બતાવી છે. આપણે સાચા અર્થમાં એમના જેવા ભક્ત બનીએ, ભક્તચિંતામણિનું સુખ માણીએ એવી ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના શ્રીચરણોમાં પ્રાર્થના કરી. પૂ.જ્ઞાનપ્રિય સ્વામીના પ્રવચનબાદ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શ્રીમુખે ભક્તચિંતામણિ ગ્રંથની પારાયણ વીડીઓ દર્શનનો વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો. જેમાં તેમણે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સંસારી હોવા છતાં વિરક્ત જીવન જીવનાર સાંખ્યયોગી બાઈ-ભાઈ હરિભક્તોનો મહિમા કહ્યો હતો. પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી 98માં વ્યક્તિવિશેષ વિષયક પ્રવચન ‘જગદ્ ગુરુ શંકરાચાર્ય’ની રૂપરેખા આર્ષના નિયામક ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ આપી હતી અને છેલ્લે પૂ. હરિતિલકદાસ સ્વામીએ શાબ્દિક આભાર વિધિ કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!