અમરેલીના વાંકિયા ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ

અમરેલીના વાંકિયા ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
ન્યુટ્રીશન કીટ અને આયુર્વેદ કીટનું વિતરણ કરાયું
અમરેલી : અમરેલી તાલુકાના વાંકિયા ગામ ખાતે પોષણ અભિયાન અંતર્ગત ન્યુટ્રીશન કીટ વિતરણ તથા યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, આયુર્વેદિક મેડીકલ ઓફિસરશ્રી, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, આયુષ એમ.ઓ.શ્રી, યોગ ટ્રેનર હાજર રહી આંગણવાડીના લાભાર્થીઓ જેવા કે અતી કુપોષિત બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાઓ તથા કિશોરીઓને ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને અશ્વગંધા તેલ, બાલરસાયણ, સુવર્ણમાસિક ભસ્મ વગેરેનું ઉપયોગો અને ફાયદાઓ વિષે સમજ આપી આયુર્વેદિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યોગસત્રમાં લાભાર્થીઓને યોગ કરાવવામાં આવેલ અને રોજીંદા જીવનમાં યોગની ઉપયોગીતા વિષે સમજ પૂરી પાડવામાં આવી હતી.
પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટએ લાભાર્થીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા આયુર્વેદ કેટલું ઉપયોગી છે તે વિષે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી ઘટક-રના તમામ મુખ્યસેવિકાશ્રી સહીત કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. પોષણ માસ-૨૦૨૧ની ઉજવણી માટે ત્રીજા અઠવાડીયાની થીમ મુજબનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી