દાતારમાં ઉર્ષ દરમિયાન પરવાનગી સિવાય દાખલ થવા પર પ્રતિબંધ

દાતારમાં ઉર્ષ દરમિયાન પરવાનગી સિવાય દાખલ થવા પર પ્રતિબંધ
જૂનાગઢ : જૂનાગઢના ઉપલા અને નીચલા દાતારની જગ્યામાં તા.૧૬ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ સુધી ઉર્ષનો તહેવાર ઉજવવામાં આવનાર છે. જેમાં બહોળા પ્રમાણમાં હિન્દુ તથા મુસ્લીમ લોકો ભાગ લે છે. જે આ વર્ષે કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને રાખી દાતાર ઉર્ષ મેળો યોજાનાર નથી. પરંતુ ઉપલા દાતાર અને નીચલા દાતાર ખાતે ચંદન વિધી, મહેદી રસમ જેવા કાર્યક્રમ કોવિડ-૧૯ માર્ગદર્શિકાને ધ્યાને રાખી કરવામાં આવનાર છે. ઉર્ષ દરમિયાન કોઇ જાતનો અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી તા.૧૬ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ સુધી ઉપલા દાતાર તરફ જતા તમામ માર્ગો, પગદંડીઓ અને પગથીયાઓ સહિત ઉપલા દાતાર ઉપર જવા સારૂ ઉપલા દાતારનાં સમગ્ર ડુંગર વિસ્તારમાં વિલીંગ્ડન ડેમ સાઇટ અને જાહેર ઉદ્યાન સિવાય કોઇપણ વ્યક્તિને પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામુ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુએ પ્રસિધ્ધ કર્યુ છે.
તા.૧૬/૧૦/૨૦૨૧ના રોજ ૦૦-૦૦(શુન્ય) કલાકથી તા.૨૦/૧૦/૨૦૨૧ના રોજ ૨૪-૦૦ કલાક સુધી ઉપરોક્ત પ્રતિબંધીત વિસ્તારમાં જવા સારૂ ફરજ પરનાં એક્ઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી જૂનાગઢની પરમીટ મેળવીને જનાર અને પરમીટની શરતો મુજબ વર્તનાર વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ અંગેની આપવામાં આવેલ પરમીટમાં જણાવેલ તારીખો અને કલાકો દરમિયાનમાં ઉપલા દાતાર જનાર દર્શનાર્થી દર્શન કરી ઉપલા દાતારથી નીચે ઉતરી આવવાનું રહેશે. અધિકૃત રીતે ફરજ પર રહેલા સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓ તથા બંદોબસ્તના ફરજ પરનાં કર્મચારી /અધિકારીશ્રીઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે ગુન્હો સાબિત થયે એક માસની સાદી કેદ અથવા રૂા. ૨૦૦/- દંડ અથવા બન્નેની સજા થઇ શકે છે.