એન.એમ.એમ.એસ ની રાષ્ટ્રીય પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પ્રોત્સાહનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો

એન.એમ.એમ.એસ ની રાષ્ટ્રીય પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પ્રોત્સાહનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો
પાલ ગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક- 319 માં આજરોજ દાતાઓના સન્માનની સાથે એન.એમ.એમ.એસ ની રાષ્ટ્રીય પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પ્રોત્સાહનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના ઉપાધ્યક્ષ સ્વાતિબેન સોસાના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની ભૌતિક સુવિધાઓ તથા શૈક્ષણિક જરૂરિયાતના સંદર્ભમાં દાન આપનાર દાતાઓ પૈકીના લાયન્સ ક્લબ મિડટાઉન અને શ્રીલેખાના મહેશ કાકા તથા અન્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત હાલના કોર્પોરેટર શ્રી નિલેશભાઇ પટેલે પોતાની માતૃ શાળામાં ચાલતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ પ્રત્યે ગૌરવ અનુભવી પોતે આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા હોવાથી શાળા માટે કંઈપણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જલારામ યુવક મંડળના ભરતભાઈ તથા અન્ય ઉપસ્થિત મહેમાનો દ્વારા એન.એમ.એમ.એસ ની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત NRI વનરાજભાઈએ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બીટ નિરીક્ષક શ્રી રાગિણીબેન દલાલે શાળાની વિશેષતાઓ અને ઉપલબ્ધિઓની ઝલક આપતા કહ્યું હતું કે શાળા સતત પ્રગતિના પંથે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ અને વ્યક્તિત્વ ઘડતર માટે બધા સતત પ્રયાસો કરી રહ્યા છે. પ્રમુખ સ્થાનેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતિબેન શાળાની વિશિષ્ટ પ્રવૃત્તિઓને બિરદાવી લોક સહકારની ભાવનાનો આદર કર્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષણના સંદર્ભમાં કોઈ પણ જરૂરિયાત હોય તો પોતાનો સંપર્ક કરવા માટે આહવાન આપ્યું હતું અને શાળાના વિકાસમાં પોતે હંમેશાં સાથે રહેશે એવો સધિયારો આપ્યો હતો. શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પરમારે શાળામાં શરૂ કરેલ આરોગ્યસેવાસેતુ કાર્યક્રમની માહિતી આપી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે પાડોશી ડોક્ટર મિતેશ મોદી દ્વારા પ્રાથમિક સારવાર નિઃશુલ્ક આપવામાં આવનાર છે એવી જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાષા શિક્ષક હેતલબેન લાવરીએ કર્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.