લોકાર્પણ અખબાર માં આવેલ લેખ ના પડઘા આખરે ભ્રષ્ટઅધિકારીની બદલી

લોકાર્પણ અખબાર માં આવેલ લેખ ના પડઘા આખરે ભ્રષ્ટઅધિકારીની બદલી
ગુજરાત રાજ્યનાં આદિજાતિ વિકાસ કોર્પોરેશન વિભાગનાં ડીરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાની ફરીયાદ આખરે રંગ લાવી:-
ડાંગ આત્મા પ્રોજેકટનાં કૌભાંડી અધિકારી પ્રવીણ માંડાણી પાસેથી ચાર્જ આંચકી લઈ વલસાડનાં નાયબ ખેતીવાડી અધિકારી ચેતનભાઈ ગરાસીયાને ચાર્જ સોંપાયો.જ્યારે બીજી તરફ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બનેલ ડાંગ જિલ્લા પંચાયતનાં ખેતીવાડી અધિકારી સુનિલભાઈ પટેલની પણ બદલી કરાતા ડાંગ જિલ્લાનાં ખેડૂત આલમમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતોનાં વિકાસ અને ઉતકર્ષ માટે રાજ્ય સરકાર વર્ષ દહાડે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવે છે.ડાંગ જિલ્લામાં વન બાંધવોનાં વિકાસ માટે ફાળવવામાં આવેલ કરોડોની ગ્રાંટ હાલમાં ગાંધી છાપની કમાણીની લ્હાયમાં પડેલ અધિકારીઓ અને પદાધિકારીઓનાં પગલે ક્યાંય અધૂરી તો ક્યાંક કાગળ પર જ જોવા મળે છે.તેવામાં ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા ડાંગ જિલ્લાનાં આત્મા પ્રોજેક્ટ વિભાગનાં અધિકારી દ્વારા આચરવામાં આવેલ કરોડો રૂપિયાનાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવા બાબતે થોડા સમય પૂર્વે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાએ રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તપાસની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાએ તા.16-11-2021નાં રોજ મુખ્યમંત્રી ને લેખિતમાં આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં 100 ટકા સેન્દ્રીય ખેતી જાહેર કરવામાં આવેલ છે.જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરીને આદિવાસી ખેડૂતોને વિવિધ યોજનાઓ પુરી પાડવા માટે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા આદિવાસી ખેડૂતોને સેન્દ્રીયનાં અલગ અલગ પ્રકારનાં ખાતર ,ઇનપુટ કીટ્સ, સેન્દ્રીય ખાતર,લીમડાનો ખોળ, તેલ,જતું નાશક દવાઓ,પ્રવાહી દવાઓ તથા બિયારણ પુરૂ પાડવાનું હતુ.પરંતુ છેલ્લા બે વર્ષથી ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટ વિભાગનાં અધિકારી પ્રવીણ માંડાણી તથા એ.બી.સી કાકડકુવા નામની સંસ્થાનાં મેળાપણામાં આ તમામ સહાયની ગ્રાંટની રકમ ઓનપેપર પર બતાવી ઓહયો કરી ગયાનો આક્ષેપ કરાયો હતો.ડાંગ જિલ્લા આત્મા પ્રોજેકટ કચેરી દ્વારા આ બાબતે જે તે સમયે જાહેરાત પાડીને સર્વિસ પ્રોવાઈડર નક્કી કરાયા હતા.પરંતુ ભ્રષ્ટાચારનાં ગંગોત્રી સમાન આત્મા પ્રોજેક્ટનાં અધિકારી પ્રવીણ માંડાણીએ નીતિ નિયમોને નેવે મૂકી ટેન્ડરિંગ થયેલ સર્વિસ પ્રોવાઈડરોને રદબાતલ કરી તમામ રકમની ગ્રાંટ માનીતી એ.બી.સી કાકડકુવા નામની સંસ્થામાં જમા કરાવી ભ્રષ્ટાચારને ઉત્તેજન આપેલ હોવાના આક્ષેપો કરાયા હતા.વધુમાં જણાવ્યુ હતુ કે ડાંગ આત્મા પ્રોજેક્ટનાં અધિકારી પ્રવીણભાઈ માંડાણીની હાજરીમાં નવા ફાળવણી કરાયેલ 30 ક્લસ્ટરમાં કામ કરતી સંસ્થા મા શબરી ફળ ફૂલ શા.ખ.પે. મંડળી ખેરીન્દ્રા અને લોકસેવા ટ્રસ્ટ મોટી ભમતી જે ક્લસ્ટરમાં 1500 ખેડૂતોને આવરી લેવામાં આવેલ છે.જે ખેડૂતોની મિટિંગ,પ્રેરણા પ્રવાસ, ત્રણ તબક્કા ની તાલીમ,વર્મી બેડની કામગીરી પણ થયેલ નથી.અને ઓર્ગેનિક ખેતી અંતર્ગત આ અધિકારીએ માનીતી સંસ્થાઓનાં ખાતામાં સરકારી ગ્રાંટ જમા કરાવી ભ્રષ્ટાચાર આચરેલ છે.ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરીનાં અધિકારી પ્રવીણ માંડાણી દ્વારા આચરવામાં આવેલ કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવા બાબતે તથા એ.બી.સી કાકડકુવા નામની સંસ્થા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડીરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાએ રાજ્યનાં મુખ્યમંત્રીને બીજી વખત લેખિતમાં આવેદનપત્ર પાઠવી તપાસની માંગણી કરી હતી.તેવી જ રીતે ડાંગ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બનેલ ખેતીવાડી અધિકારી સુનિલભાઈ પટેલનાઓએ પણ આર.કે.વી.વાય યોજનામાં ગુજરાત ખરીદ નીતિ 2016 મુજબ બ્રાન્ડેડ આઈટમની ખરીદી ન કરી કરોડો રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર આચરતા તપાસ માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડીરેક્ટર બાબુરાવભાઈએ મુખ્યમંત્રી સહિત વિજિલન્સમાં લેખિતમાં પત્ર પાઠવ્યો હતો.જે બન્ને જુગલ જોડીએ આચરેલ કથિત ભ્રષ્ટાચારનાં અહેવાલ તા.19-11-2021નાં રોજ વિવિધ દૈનિક પત્રોમાં પણ છપાયા હતા.જેમાં ગત તા.19-11-2021નાં રોજ ડાંગ જિલ્લામાં આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવા માટે રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા.અને આ જુગલ જોડીએ આચરેલ કથિત ભ્રષ્ટાચારનાં અહેવાલનાં પડઘા પણ પડ્યા હતા.જે બાદ રાજ્ય સરકારનાં સંબધિત વિભાગો દ્વારા ગુજરાત રાજ્ય આદિજાતિ કોર્પોરેશનનાં ડીરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાની ફરિયાદને ધ્યાનમાં રાખી આ બન્ને અધિકારીઓ સામે તપાસ સોંપી હતી.આખરે ડિરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાની ફરિયાદ રંગ લાવતા ડાંગમાં ભ્રષ્ટાચારથી ખદબદ બનેલ બે વિભાગોની જુગલ જોડીમાં ડાંગ જિલ્લા પંચાયતનાં ખેતીવાડી વિભાગનાં અધિકારી સુનિલ પટેલની બદલી વલસાડ ખાતે કરવામાં આવી છે.ડાંગ જિલ્લા પંચાયતનાં ખેતીવાડી અધિકારી સુનિલભાઈ પટેલની બદલી થતા તેની જગ્યાએ કેતનભાઈ ઉત્તમભાઈ મહાલા મ.ખે.ની.વિસ્તરણ પે.વી. ધરમપુર જી.વલસાડને નિમણુક અપાઈ છે.જ્યારે હાલમાં ડાંગ આત્મા પ્રોજેક્ટ વિભાગનાં અધિકારી પ્રવીણ માંડાણી પાસેથી ચાર્જ આંચકી લઈ વલસાડનાં નાયબ ખેતીવાડી અધિકારી ચેતનભાઈ ગરાસીયાને ચાર્જ સોંપાતા ડાંગ જિલ્લાનાં ખેડૂત આલમમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.આખરે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડીરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાની ફરીયાદ રંગ લાવતા હવે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો ઓર્ગેનિક જિલ્લો બનશે જેમાં બેમત નથી..
રિપોર્ટ : પવન ખેરનાર ડાંગ