રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ યોજાયા.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ યોજાયા.
રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણીનાં ભાગરૂપે સવારે ૧૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે “ગુડ ગર્વનન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ” ના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં BLC ઘટક હેઠળ વિવિધ પ્રમાણપત્ર એનાયત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના અંતર્ગત સ્વ-રોજગાર ઘટક હેઠળ વ્યક્તિ લાભાર્થીઓને ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨,૦૦,૦૦૦ મર્યાદામાં વ્યાજ સબસીડીના ધોરણે લોન ફાળવણી, સ્ટ્રીટ વેન્ડર એક્ટ-૨૦૧૪ અંર્તગત લોન મજુર થયેલ લાભાર્થીઓના શહેરી શેરી ફેરીયાઓને પ્રમાણપત્ર, સ્વ-સહાય જૂથ સંબધિત જૂથના બહેનોને રીવોલ્વીંગ ફંડ ઉપરાંત PM SVANidhi યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રથમ તબક્કાની રૂ,૧૦,૦૦૦ ની લોન વિતરણ કાર્યક્રમ રાજ્યનાં વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માન. મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી માન. ડૉ.ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતમાં યોજાયો. આ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને મેયર ડૉ.પ્રદીપ ડવ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે, સુરત ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, શિશુ કલ્યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિના ચેરમેનશ્રીશ્રી જ્યોત્સનાબેન ટીલાળા, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેનશ્રી વર્ષાબેન રાણપરા, નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ આશિષકુમાર, શ્રી ચેતન નંદાણી અને શ્રી એ.આર.સિંઘ તેમજ વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સુરત ખાતેના કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે પૂર્વ વડાપ્રધાન “ભારતરત્ન” શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ તા.૨૫ ડીસેમ્બરથી રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી થઇ રહી છે. તેમાં આજે બીજા દિવસે સુરતમાં મહાનગરપાલિકાના રૂ.૨૫૬ કરોડથી વધુના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂ.૫૬ કરોડથી વધુના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયેલ છે. દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે અને તેમાં ગુજરાત પણ વિકાસ પથ પર હરણફાળ ભરી રહ્યું છે. સમગ્ર દેશ “સ્વરાજ” થી “સુરાજ્ય” તરફ ગતિ કરી રહ્યો છે. આ અવસરે માન. મુખ્યમંત્રીશ્રીએ સુરત ખાતેના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે એમ જણાવ્યું હતું કે, રાજ્યની વિકાસ પ્રક્રિયા નહી અટકે તેની ખાતરી આપું છું. રાજ્ય સરકાર લોકોના જીવનધોરણમાં સુધારો આવે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળતો રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. લોકોને ખરા અર્થમાં સરકારી યોજનાઓના લાભો મળતા થયા છે તે સુશાસનને આભારી છે. રાજકોટ ખાતેના કાર્યક્રમમાં વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારશ્રી દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન “ભારતરત્ન” શ્રી અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં ‘‘સુશાસન સપ્તાહ’’ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ આજનો કાર્યક્રમ “ગૂડ ગવર્નન્સ” ની વ્યાખ્યાને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યક્તિગત આવાસ નિર્માણ BLC ઘટક હેઠળ વિવિધ પ્રમાણપત્રો, સ્વરોજગાર અંગેની લોનના મંજુરી પત્રો, શહેરી ફેરિયાઓને પ્રમાણપત્રો અને પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવી રહ્યા છે. આવા ઉમદા કાર્યક્રમનાં આયોજન બદલ હું રાજ્ય સરકારશ્રી વતી રાજકોટ મહાનગરપાલિકાને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. સુશાસન શબ્દનો દેશમાં પાયો નાખનાર આદરણીય શ્રી અટલ બિહારી બાજપાઈજીએ સુશાસન એટલે સરકાર અને વહીવટી તંત્રની લોકો પ્રત્યેની સંવેદનાએ બાબતની સૌને પ્રતીતિ કરાવી હતી. લોકોની પીડાની અનુભૂતિ કરી એ દર્દ દૂર થાય અને લોકોના જીવન ધોરણમાં પ્રગતિમય સુધારો થાય એવા ઉમદા આશય સાથે માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને સાથ સહકાર સાથે વિવિધ ક્ષેત્રોમાં વિકાસકામો હાથ ધરી સરકારે લોકોને તેનો અહેસાસ પણ કરાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સુશાસન એટલે સર્વગ્રાહી અને સર્વસમાવેશક સુધારા. જેમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા વહીવટમાં સુધારાઓ લાવી વહીવટી તંત્રને છેક લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે. સરકારી કામો હવે આંગળીના ટેરવે થઇ રહ્યા છે. માત્ર એટલું જ નહી, સરકારે ગરીબ અને માધ્યમ વર્ગના લોકો માટે “સેવા સેતુ” અને “ગરીબ કલ્યાણ મેળા” જેવા આયોજન કરીને લાભાર્થીઓને હાથોહાથ સહાય અને લાભો ઉપલબ્ધ બનાવ્યા છે. હાલમાં સાતમાં તબક્કાના “સેવા સેતુ” કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેનાથી આપ સૌ વાકેફ જ છો. આગામી દિવસોમાં ઈ-સરકાર સોફ્ટવેરથી વહીવટમાં ચોક્કસપણે ગતિ આવશે તે હકીકત છે. ગુજરાત રાજ્ય માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ ‘‘સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’’ નાં સૂત્રને સાર્થક કરીને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં તેજ રફતારથી આગળ વધી રહ્યું છે. સરકારશ્રીના એ પ્રયત્નો હંમેશા રહ્યા છે કે ગુજરાતના દરેક શહેર ગામડાના ખૂણેખૂણાનો સર્વાંગી વિકાસ થાય. આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ડૉ.ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૩૩ જીલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાં આ કાર્યક્રમ એક સાથે યોજાયો છે. રાજ્યની ૮ મહાનગરપાલિકા, ૮ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને ૧૫૬ નગરપાલિકાઓને દર વર્ષે રૂ.૮૦૦૦ કરોડથી વધુ રકમની વિકાસ ગ્રાંટ અપાય છે તે સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માન, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન-૨ અને “અમૃત-૨” લોન્ચ કરેલ છે અને તે હેઠળ નજીકના ભવિષ્યમાં જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મોટી રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને ટૂંક સમયની તેની જાહેરાત માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે. તેમણે વિશેષમાં કહ્યું કે, સરકારશ્રી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ગરીબ અને માધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સુવિધાપૂર્ણ આવાસો બનાવવામાં આવે છે. જેમાં લોકોને પોતાના પરિવારનો સમાવેશ થઇ શકે તેવા અદ્યતન સુવિધા ધરાવતા આવાસો રૂ.૩ લાખથી શરૂ કરી રૂ.૧૨ લાખ સુધીની વ્યાજબી કિંમતમાં આપવામાં આવે છે. માન. મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવે પ્રાસંગિક ઉદબોધનમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને નબળા વર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાના ઉદેશથી અત્યાર સુધીમાં ૨૬ હજાર જેટલા આવાસોની ફાળવણી કરવામાં આવેલ છે. આ આવાસો ખાનગી ટાઉનશીપના મકાન જેવી જ સુવિધા ધરાવે છે. મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડરોની પણ ચિંતા કરી તેઓને રોજગારી માટે રૂ.૧૦,૦૦૦ ની લોન અપાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ અલગઅલગ કેમ્પ કરીને ૭૦૦૦ જેટલી અરજીઓ મેળવવામાં આવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા લોકોના આરોગ્યની ખેવના કરી સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોના લાભાર્થે શ્રી દિનદયાળ ઔષધાલયો શરૂ કરવામાં આવેલ છે. અગાઉ ૪૫ અને ગઈકાલે ૧૨ મળી કુલ ૫૭ ઔષધાલયો શહેરભરમાં કાર્યરત છે. ગઈકાલે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર જોગ પ્રવચનમાં જણાવ્યા મુજબ ૧૨ થી ૧૮ વર્ષના નાગરિકોને કોવીડ વેક્સીન આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવાનું પણ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ ગૂડ ગવર્નન્સ અન્વયે લોકોની ફરિયાદોના નિવારણ માટે અમલમાં મુકવામાં આવેલી પીન આધારિત ઓનલાઈન સેવા વિશે માહિતી આપી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં BLC ઘટક હેઠળ વિવિધ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના અંતર્ગત સ્વ-રોજગાર ઘટક હેઠળ વ્યક્તિ લાભાર્થીઓને ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨,૦૦,૦૦૦ મર્યાદામાં વ્યાજ સબસીડીના ધોરણે લોન ફાળવણી, સ્ટ્રીટ વેન્ડર એક્ટ-૨૦૧૪ અંર્તગત લોન મજુર થયેલ લાભાર્થીઓના શહેરી શેરી ફેરીયાઓને પ્રમાણપત્ર, સ્વ-સહાય જૂથ સંબધિત જૂથના બહેનોને રીવોલ્વીંગ ફંડ ઉપરાંત PM SVANidhi યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રથમ તબક્કાની રૂ,૧૦,૦૦૦ ની લોન વિતરણ કરવામાં આવેલ. જેમાં નેશનલ અર્બન લાઈવલી હૂડ મિશન અંતર્ગત સ્વરોજગાર (SEP) ઘટક હેઠળ વ્યક્તિગત લાભાર્થીઓને લોન ફાળવણી માટે બેંકોમાં પેન્ડીંગ રહેલ અરજીઓ પૈકી મંજુર થયેલ લાભાર્થીઓને પ્રતિકરૂપે ૧૦ લાભાર્થીઓને લોન સહાય કાર્યક્રમમાં એનાયત કરવામાં આવેલ છે. જેમાં ૧૦ લાભાર્થીઓને રૂ.૧૮,૭૨૦૦૦ ની વ્યાજ સબસીડી રૂપે બેંક મારફત ધિરાણ આપવામાં આવેલ છે. સ્ટ્રીટ વેન્ડર એકટ-૨૦૧૪ અંતર્ગત રજિસ્ટર્ડ શહેરી શેરી ફેરીયાઓને પ્રમાણપત્ર (Certificate of Vending) એનાયત કરવામાં આવશે. જેમાં પ્રતિકરૂપે ૧૦ સહીત કુલ ૫૬૦ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. ભારત સરકારશ્રી પુરસ્કૃત “PM Street Vendors Atma Nirbhar Nidhi (PM SVANidhi)” COVID-19 થી અસરગ્રસ્ત શહેરી ફેરિયાઓની આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શહેરી ફેરિયાઓને પ્રથમ તબક્કામાં રૂ,૧૦,૦૦૦ ની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે. તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને બીજા તબક્કામાં રૂ.૨૦૦૦૦ ની લોન આપવામાં આવે છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા કુલ ૪૦૧ લાભાર્થીઓને ૪૦,૧૦,૦૦૦ તથા બેંક ઓફ બરોડા દ્વારા ૨૧ લાભાર્થીઓને ૨,૧૦,૦૦૦ મળી કુલ ૪૨૨ લાભાર્થીઓને ૪૨,૨૦,૦૦૦ ની લોન આપવામાં આવેલ છે. ઉપરાંત નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન અંતર્ગત ઘટક હેઠળ રચના કરાયેલ સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ રૂા.૧૦,૦૦૦ નુ મંજુરીપત્ર એનાયત કરવામા આવેલ જેમાં જુદાજુદા સખી મંડળોને ફંડ ફાળવવામાં આવેલ. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલએ કર્યું હતું તેમજ મંચસ્થ પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા માન. મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોનું પુષ્પગુચ્છથી તથા શિશુ કલ્યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિના ચેરમેનશ્રીશ્રી જ્યોત્સનાબેન ટીલાળા, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેનશ્રી વર્ષાબેન રાણપરા દ્વારા મંચસ્થ મહાનુભાવોને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમને અંતે આભારવિધિ નાયબ કમિશનરશ્રી આશિષ કુમારે કરી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.