બોટાદ જિલ્લા ના રાણપુર ગામની યુવતી પર ગેંગરેપ આચરનાર આરોપીઓ પોલીસના સકંજામાં

-અળવના શખ્સોએ 18 દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ હતુ
– ભોગ બનનાર યુવતી જામનગર હોસ્પિટલાઈઝ : ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી
બોટાદ : બોટાદ જિલ્લાની એક યુવતીને ૧૮ દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી શખ્સોએ અવાર નવાર દુષ્કર્મ ગુજારી મારમારી તેણીને ધાક ધમકી આપી જામનગર મોકલી આપી હતી. ઉક્ત ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઉક્ત નરાધમ ક્રુત્ય કરનારા શખ્સોને પોલીસેરાઉન્ડ અપ કરી લીધા છે. જ્યારે ભોગ બનનાર યુવતીને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામે રહેતો ઈન્દ્રજીતસિંહ બાબભાઈ ખાચર, જયવીરસિંહ જગુભાઈ ખાચર, સત્યદીપસિંહ બાબભાઈ ખાચર નામના શખ્સાએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુંથી એક યુવતીને ઈન્દ્રજીતસિંહ ખાંચરની વાડીની ઓરડીમાં લઈ જઈ ગેરકાયદે રીતે ૧૮ દિવસ સુધી ગોંધી રાખી શખ્સોએ આડેધડ પડખાના ભાગે પાટા મારી મુંઢ ઈજા કરી તેણીને અને તેના માતા-પિતા, ભત્રીજાને મારી નાંખવાની ધમકી આપી હતી.
મારામારી અને ધાક ધમકીની સાથે ત્રણેય શખ્સે યુવતીને બળજબરીથી નશો કરાવી તેની મરજી વિરૂધ્ધ વારાફરતી અનેક વખત શરીર સબંધ બાંધી તેણી સાથે દુષ્કૃત્ય આચર્યું હતું. દરમીયાન યુવતીએ ઘરે જવા દેવા આજીજી કરતા શખ્સોએ ઘરે જવાને બદલે જામનગર જતું રહેવાનું અને કોઈને વાત ન કરવાનું કહેતા શખ્સો કારમાં પાળિયાદથી જસદણની બસમાં બેસાડી દેતા યુવતી જસદણ પહોંચ્યા બાદ રાજકોટ અને રાજકોટ થઈ જામનગર પહોંચી હતી. ઘટના અંગે આખરે આફતગ્રસ્ત યુવતીએ ત્રણેય શખ્સ ઈન્દ્રજીતસિંહ ખાચર, જયવીરસિંહ ખાચર અને સત્યદીપસિંહ ખાચર (રહે, ત્રણેય અળવ, તા.રાણપુર) વિરૂધ્ધ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉક્ત ચકચારી બનાવને લઈ બોટાદ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી અળવ ગામના ત્રણેય શખ્સોને સકંજામાં લઈ લીધા હોવાનુ અને યુવતીને જામનગરની હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ હતુ.