ગાંધીધામ : ઉબડખાબડ રસ્તે કારનું ગજબ સમતોલન

ગાંધીધામ : ઉબડખાબડ રસ્તે કારનું ગજબ સમતોલન
ઉબડખાબડ અને અત્યંત ઊંડા કે આડાઅવળા ખાડા ધરાવતા માર્ગ ઉપર કાર ચલાવવી ખૂબ જ કઠિન કાર્ય છે. લેન્ડમાર્ક કાર્સ દ્વારા આજે શિણાય નજીક તૈયાર કરાયેલા ખાસ ટ્રેક ઉપર નિષ્ણાત અને કુશળ ચાલકોની ટીમના સથવારે ઓફ રોડિંગ ઇવેન્ટનું આયોજન થયું હતું. પાછળના કે આગળના પૈડાં હવામાં ચાલ્યા જાય કે પછી આખી કાર લગભગ ખાઇ જેવા ખાડામાં 60 ડિગ્રી સુધી ઊંધી થઇ જાય છતાંય ગજબ સમતોલન દાખવે છે તેવો અનુભવ આજે પસંદગીના લોકોને કારમાં સફર કરાવીને કરાવાયો હતો. અદ્યતન મર્સિડીઝ બેન્ઝ જીએલસી, જીએલઇ અને જીએલએસ મોડેલના વાહનો આ ઓફ રોડિંગ ઇવેન્ટમાં જોડાયા હતા. રેલી ડ્રાઇવરોની એક નિષ્ણાત ટીમે ઓફ રોડિંગ ઇવેન્ટનું સંચાલન કરીને રસ ધરાવનારા લોકોને શીખવ્યું હતું કે કેવી રીતે અત્યંત અસમાન જમીન ઉપર સુરક્ષિત રીતે આગળ વધી શકાય. લેન્ડમાર્ક કાર્સ-ગુજરાત દ્વારા ગુજરાતમાંથી એસ.યુ.વી. અને ઓફ રોડિંગના શોખીનો માટે ગાંધીધામમાં પ્રથમ જ વખત આ ઓફ રોડિંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ઓફ રોડિંગના સાહસ અને રોમાંચનો તેમાં ગજબનો અનુભવ અપાયો હતો. શિણાય નજીકની રમાડા હોટલ પાસે આ માટે ખાસ ઓફ રોડિંગ ટ્રેક બનાવાયો હતો, જેમાં જુદા-જુદા આઠ જટિલ અવરોધો પાર કરીને ઓફ રાઇડિંગ પ્રદાન કરાયું હતું. લેન્ડમાર્ક ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પારસ સોમાણીએ જણાવ્યું હતું કે, અમે ઓફ રોડ ઉત્સાહીઓને રોમાંચક અનુભવ કરાવવા અદ્યતન મર્સિડીઝ બેન્ઝ એસયુવીને કોર્સમાં મૂકી હતી. ઓફ રોડિંગ હવે ભારતમાં વધુને વધુ લોકપ્રિય રમત બની રહી છે. આ ઇવેન્ટને ગ્રાહકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉબડખાબડ રસ્તે પણ કાર ગજબનું સમતોલન ધરાવી શકે છે એ બાબતની મહત્ત્વની જાણકારી સૌને મળી હતી.
રીપોર્ટ : કરિશ્મા માની આદિપુર કચ્છ