કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કરાઈ શાનદાર ઉજવણી

કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કરાઈ શાનદાર ઉજવણી
પરિવહન અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આન,બાન અને શાન સાથે તિરંગાને સલામી અપાઈ
દેશ માટે ફના થનાર શહીદો અને જૂનાગઢની આઝાદીના લડવૈયાઓનું પુણ્યસ્મરણ કરતા મંત્રીશ્રી
કેશોદ તાલુકાના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારની ૨૫ લાખની ભેટ
જૂનાગઢ : કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરિવહન અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને આન, બાન અને શાન સાથે સલામી આપી, નાગરિકોને ૭૬માં રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી. તેમજ મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સુરક્ષા દળોની સલામી ઝીલી પરેડ નિરીક્ષણ કરવાની સાથે લોકોનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ કેશોદ તાલુકાના વિકાસ કાર્યો માટે કલેકટર શ્રી રચિત રાજને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
કેશોદ ખાતેની આદર્શ નિવાસી શાળાના પરિસરમાં જિલ્લા કક્ષાની આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થતા મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ગૌરવ સાથે ઉજવણી કરી રહ્યા છીએ. હર ઘર તિરંગાના રાષ્ટ્રમંત્ર સાથે દેશભક્તિના રંગે રંગાયો છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા દાયકાઓ સુધી આપણા સ્વાતંત્ર્ય વીરોએ લડત ચલાવી હતી. મંગલ પાંડેથી માંડીને શહીદ ભગતસિંહ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક નામી અનામી એવા રાષ્ટ્રના સપૂતોએ દેશને આઝાદી અપાવી હતી. આ સપુતોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશની આઝાદી માટે શહીદી વહોરનાર સપૂતોએ ભાવિ પેઢી સ્વતંત્ર રહી તેમના જીવનનો અને સમાજનો વિકાસ કરે તેવા ઉન્નત ભારતનું સ્વપ્ન જોયું હતું. આ સપનાને સાકાર કરવા આજે ગુજરાતના સપૂત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશની જનતાને ભારતના નવનિર્માણમાં સાથે રાખીને અભિયાન આદર્યું છે. આજે દેશનું નામ દુનિયામાં ગૌરવંતું થયું છે. ભારત વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ આગળ વધી રહ્યો છે. સવાસો કરોડ ભારતીયો ઉચ્ચું માથું રાખીને દેશ માટે પોતાનું મહત્તમ યોગદાન આપવા કટિબદ્ધ થયા છે. સાથે જ રાજ્ય અને દેશના યુવાનો આ વિકાસ યાત્રામાં સહભાગી થયા છે.
સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સૂત્રને સાર્થક કરવા ગુજરાતે ઈ-ગવર્નન્સ દ્વારા પારદર્શક વહીવટ, સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી, તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે કુપોષણ સામે જંગ, મહિલાઓનું સશક્તિકરણ, સેવાસેતુ થકી વંચિતોનો વિકાસ સહિત સર્વગ્રાહી પગલા ભરી સુશાસન એટલે સર્વાંગી વિકાસની પરિકલ્પના ચરિતાર્થ કરી છે.
જૂનાગઢ જિલ્લો ભારતીય સંસ્કૃતિનું આધ્યાત્મિક અને ઐતિહાસિક વિરાસતનું કેન્દ્ર છે. સોરઠને આધ્યાત્મિક અને શિક્ષણને ઉંચાઈ પર લઈ જવામાં અનેક વિભૂતિઓનો મહામૂલો ફાળો છે, આઝાદીની ચળવળ વખતે જૂનાગઢના નવાબે આ પ્રદેશને પાકિસ્તાનમાં જોડવાની જાહેરાત કરી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીએ ગુજરાતની ચિંતા કરી શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી અને પુષ્પાબેન મહેતા જેવા આ ભૂમિના કર્મવીરોને જવાબદારી સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું એક અભિયાન ઉપાડ્યું અને ત્રણ મહિનાની આરઝી હકૂમતની લડાઈ બાદ આપણું આ જુનાગઢ ભારત સંઘમાં જોડાયું હતું. ઈતિહાસની એરણ ઉપર ચળકતા તારલા જેવા જૂનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતમ ઊંચાઈ પર લઈ જવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમ અંતે મંત્રીશ્રીએ રાષ્ટ્ર માટે ફના થનાર શહીદોને વંદન કરતા ઉમેર્યું હતું.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહના અંતે શાળા પરિસરમાં મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી અરવિંદભાઈ લાડાણી, માધાભાઈ બોરીચા, વંદનાબેન મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, કલેકટર શ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક શ્રી સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેકટર શ્રી એલ.પી. બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.જે. જાડેજા, પ્રાંત અધિકારી શ્રી ગલચર, નગરસેવકશ્રીઓ, અગ્રણી પ્રવીણભાઈ ભાલાળાના સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756