નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયો
કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઈપ્કોવાલા હોલ નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયો
ખેડૂતોને સરકારની કૃષિ ક્ષેત્રે વિકાસની પહેલમાં સહકાર આપી ભાગીદાર બનવા અપીલ કરતા કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ
કૃષિ મેળામાં ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને વાવણી માટે કુલ રૂ. ૫,૨૯,૨૧૯ ની રકમના સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું
કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેતીવાડી શાખા, ખેડા જિલ્લા પંચાયત કચેરી, નડિયાદ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના- ક્રોપ ડાયવર્સિફિકેશન પ્રોગ્રામ તથા એનએફએસએમ ન્યુટ્રી સિરિયલ યોજના અંતર્ગત ઈન્ટરનેશનલ મિલેટ્સ યર ૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે વિવિધ મિલેટ્સ પાકોના વાવેતર અને ઉપયોગને વેગ આપવા ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયો. જેમાં ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને વાવણી માટે કુલ રૂ. ૫,૨૯,૨૧૯ની રકમના સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું તથા ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરી સફળતા પ્રાપ્ત કરનારા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી દેવુસિંહે કૃષિ મેળાના તમામ સ્ટોલની મુલાકાત લઈ મધમાખી ઉછેર, મિલેટ્સના જીવંત નમૂના અને વિવિધ બિયારણો, પ્રાકૃતિક ખેતી, ઇફ્કો નૈનો યુરિયા, ટ્રેક્ટર કલ્ટી સહાય યોજના અને બાયો કંપોઝ ખાતર વિશે માહીતગાર થઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે પરંપરાગત ખેતી, પ્રાકૃતિક ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ, પાક ફેરબદલી, રાસાયણીક ખેતીથી આરોગ્યને નુકસાન, પશુપાલન અને ખેતીમાં લોન સહાય, મિલેટ્સ યર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતના ખેતી અને પશુપાલન સંબધિત મહત્વના વિષયો પર સંવાદ કર્યો હતો. તેમણે ખેડૂતોને બહુ જ સરળ ભાષામાં રાસાયણિક ખાતરોથી તૈયાર થતા ખોરાકના નુકશાન અને પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતા ખોરાકના ફાયદા વિશે સમજણ આપી હતી. ઈન્ટરનેશનલ મીલેટ્સ યર ૨૦૨૩ના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી આજે સમગ્ર વિશ્વમાં બાજરી, જુવાર, કોદરી જેવા ધાન્ય પાકોના આરોગ્યમાં થતા ફાયદાઓ વિશે જાણકારી પહોંચી છે. ત્યારે તમામ ભારતીયોની ફરજ છે કે આરોગ્ય સુદ્રઢ કરવાના આ રાષ્ટ્રના કાર્યમાં ભાગીદાર થઈ તમામ લોકો મિલેટ્સ એટલે કે ‘ શ્રી અન્ન’ના ઉપયોગ તરફ વળે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલી ખેડૂત યાદીથી આજે ૧૧ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત સીધી સહાય આપવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન પટેલે આઈ ખેડૂત પોર્ટલની યોજનાકીય માહિતિ આપી ખેડૂતો અને પશુપાલકોને વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી આ સહાય માટે અરજી કરવા અપીલ કરી હતી.
સંયુક્ત ખેતી વિભાગ નિયામક, અમદાવાદ, શ્રી નીતિન શુક્લએ રાસાયણિક ખેતીની અસર, પાક ફેર બદલી, જમીનની ફળદ્રુપતામાં અળસિયાનું મહત્વ, મીલેટ્સ ધાન્યથી થતા રોગપ્રતિકારક શક્તિના લાભ વિશે વાત કરી હતી.
નોંધનીય છે કે આ કૃષિ મેળામાં ખેડૂતો માટે આત્મા-બાગાયત-ખેતીવાડી વિભાગ, ગીરી ફાર્મ, મિલેટ્સ ફાર્મ આણંદ, ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ., પશુપાલન શાખા ખેડા-નડિયાદ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિ., કૃષક ભારતી કો ઓપરેટિવ લિ., ઈન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિ., ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિ., નર્મદા બાયો કેમિકલ લિ., નવભારત સીડ્સ પ્રા.લી, સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ પ્રા.લી, પાલ સીડ્સ, શ્રીજી એગ્રો ઇક્વિપમેન્ટ, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિ., યોગી પાઈપ્સ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોપરેટીવ લિ. અને બાયો કમ્પોઝ ખાતરના કુલ ૨૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ખેડુતોએ ખેતી સંલગ્ન ખેતપેદાશો, મધમાખી ઉછેર અને પ્રોડક્ટ્સ, ખાતર, દવા અને સાધન સામગ્રીની માહિતી આ સ્ટોલ દ્વારા મેળવી હતી.
આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી રંજનબેન વાઘેલા, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એસ. પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી .આર. રાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.ડી. સુથાર, નડિયાદ પ્રાંત અધિકારી શ્રી ભોરણીયા, ખેતીવાડી અધિકારી શ્રી ડી.એચ. રબારી, મદદનીશ ખેતી નિયામક શ્રી ધવલ પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી, જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને કૃષિ મેળાના ઉપક્રમે પધારેલ વિશેષ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300