રાજકોટ જિલ્લાની 11 શાળાઓમાં સ્ટેમ લેબ “વિજ્ઞાન શક્તિ” કાર્યરત
- રૂ. ૪૪ લાખના ખર્ચે બનેલ લેબમાં વિદ્યાર્થીઓ માટે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ગણિતની વિવિધ ગેમ્સ પેઈન્ટિંગ આર્ટસની ગેમ વિકસાવાઈ
આજના વિદ્યાર્થીઓ ટેકનોસેવી બને તેમજ વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા નેશનલ સાયન્સ અને ટેકનોલોજી પોલીસી અંતર્ગત પ્રાથમિક શાળાથી જ માટે સ્ટેમ લેબની અમલવારી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના ૧૫માં નાણાંપંચ હેઠળ દરેક તાલુકામાં એક પ્રાથમિક શાળામાં સ્ટેમ લેબ નિર્માણ કરવામાં આવેલ છે, જેમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને મેથ્સ વિષયોને આવરી લેવામાં આવે છે.
રાજકોટ જિલ્લા પંચાયત અંતર્ગત જિલ્લાની ૧૧ શાળાઓમાં ૪૪ લાખના ખર્ચે “વિજ્ઞાન શક્તિ” (સ્ટેમ લેબ) શરુ કરાઈ છે. આ સ્ટેમ લેબ હેઠળ સાયન્સ થીમ આધારિત પેંઈન્ટિંગ તથા ફિઝીકસ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ગણિત ક્ષેત્રની જુદી જુદી ગેમ્સ તથા ચાર્ટ્સ બેઈઝડ ગેઈમ્સ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત હાલના સમયમાં જરૂરી જણાતી ક્વોન્ટમ મિકેનિકસ તથા કોડીંગ શિખવતી રસપ્રચુર ગેમ્સ પણ ઉપલબ્ધ છે. દરેક સ્ટેમ લેબમાં અંદાજિત ૯૨ વસ્તુઓ સામેલ હોય છે.
ગિરીશ ભરડવા (રાજકોટ)