મનુષ્યની સાચી ઓળખ તેનું કર્મ અને આચરણ જ છે : ડૉ.આંબેડકરની દ્રઢ માન્યતા

મનુષ્યની સાચી ઓળખ તેનું કર્મ અને આચરણ જ છે : ડૉ.આંબેડકરની દ્રઢ માન્યતા
Spread the love
  • ઈ.સ.૧૯૩૯ માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે રાજકોટમાં વંચિતોની સભાને સંબોધેલી

ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર એક પ્રખર સમાજશાસ્ત્રી અને કાયદાશાસ્ત્રી હતા. તેમણે અનુસુચિત જાતિ અને આર્થિક પછાત વર્ગ માટે સંઘર્ષરત રહી, માત્ર શોષિત સમાજ જ નહીં, પરંતુ દરેક માનવીના બંધારણીય હક માટે લડાઇ આપી હતી. દેશના સૌથી પ્રથમ કાયદા મંત્રી ડૉ. આંબેડકરે મહિલાઓના મૂળભૂત અધિકારો સાથે સ્ત્રીઓને લગતા કાયદામાં આમૂલ પરિવર્તન લાવ્યા હતા. અર્થતંત્રના જ્ઞાતા ડૉ. બાબાસાહેબનો જન્મ ઈ.સ. ૧૮૯૧માં ૧૪ એપ્રિલના રોજ મધ્યપ્રદેશના મહુ ટાઉનમાં સૈનિક છાવણીમાં થયો હતો. તેઓ સુબેદાર રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈના ચૌદમાં સંતાન હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર દૃઢપણે માનતા હતા કે, મનુષ્યની સાચી ઓળખ તેનું કર્મ અને આચરણ જ છે.

સમાજ સુધારક કોલ્હાપુરના મહારાજ છત્રપતિ શાહુ રાજકોટમાં આવેલી રાજકુમાર કોલેજનાં વિદ્યાર્થી હતા. તેમણે ડૉ. બાબાસાહેબને ‘મૂકનાયક’ (પાક્ષિક)નો પ્રારંભ કરવા આર્થિક સહાય કરી તેમજ બીજી વખત વિદેશ અભ્યાસ માટે ગયા ત્યારે પણ આર્થિક સહાય કરી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકર એ ઈ.સ. ૧૯૨૦માં ૩૧ જાન્યુઆરી એ મરાઠી પાક્ષિક ‘મૂકનાયક’નો આરંભ કર્યો હતો અને ઈ.સ. ૧૯૨૪માં ૨૪ જુલાઈના રોજ ‘મૂકનાયક’ પાક્ષિકની અધિકૃત રીતે પુન: સ્થાપના કરી હતી. રાજકોટમાં ‘જવાબદાર રાજ્ય તંત્ર’ માટેની જનતાની માંગણી સંદર્ભે ચાલતા આંદોલન સમયે રાજકોટના વંચિતોએ ડૉ. આંબેડકરને તાર કરી સૌરાષ્ટ્રના વંચિતોના પ્રતિનિધિત્વ બાબતે રજૂઆત કરવા નિમંત્રણ આપ્યું હતું. જે અનુસંધાને ડૉ. આંબેડકર ઈ.સ.૧૯૩૯માં તા.૧૮ એપ્રિલના દિવસે વિમાનમાર્ગે રાજકોટ આવ્યા હતા.

તેમણે મહાત્મા ગાંધીજી સાથે ૪૫ મિનિટ ચર્ચા કરી, પરંતુ ગાંધીજીને તાવ આવતાં ચર્ચા અધૂરી રહી હતી. ડૉ. આંબેડકર રાજવી ધર્મેન્દ્રસિંહજી અને દીવાન વીરાવાળાને મળ્યા હતા તેમજ કેનાલ રોડ પર સોરઠીયા પ્લોટ ખાતે વંચિતોની વિશાળ સભાને સંબોધી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરનો દેહાંત ઈ.સ. ૧૯૫૬માં તા. ૬ ડીસેમ્બરના રોજ દિલ્હી ખાતે અલીપુર રોડ પરના નિવાસસ્થાને થયો હતો. તેમના પાર્થિવ દેહને દિલ્હીથી વિમાન દ્વારા મુંબઇ લાવવામાં આવ્યો હતો અને તા. ૭ ડિસેમ્બરે મુંબઈ (દાદર)ના શિવાજી ચોપાટી ખાતે બૌદ્ધવિધિ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર પરિપૂર્ણ થયા હતા, જે સ્થળને ડૉ. આંબેડકર ચૈત્યભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. મરણોત્તર ભારતરત્નથી સન્માનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પોતાના દેશ માટેના અનન્ય પ્રદાનને કારણે આજે પણ લોકહૃદયમાં જીવંત છે.

આલેખન – માર્ગી મહેતા

Admin

Admin

9909969099
Right Click Disabled!