રાજકોટ જિલ્લામાં તા. 16 અને 23એ BLO મતદાન મથક ઉપર મળી શકશે
- મતદારયાદી સંબંધિત તમામ પ્રકારના સુધારાની મતદાન મથક પર જ સુવિધા
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં “મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા” કાર્યક્રમ તા.૨૩ એપ્રિલ સુધી જાહે૨ કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તા.૧૬, રવિવાર તથા તા.૨૩, રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી દરેક મતદાન બુથ ઉપર ખાસ ઝુંબેશ યોજાશે. આ ઝુંબેશ અન્વયે દરેક મતદાન બુથ ઉપર તા. ૧ લી ઓકટોબર, ૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતાં હોય તેવા યુવા મતદારો મતદાર યાદીમાં નોંઘણી માટે અરજી કરી શકશે. મતદાર સુધારણા માટે જરૂરી તમામ કાર્યવાહી, નામ દાખલ કરવું, કમી કરવું સુધારો કરવો વગેરે અંગેની પ્રક્રિયા મતદાન મથક પર જ કરી આપવામાં આવશે.
નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં. ૬, ઓવરસીઝ મતદારો માટે ફોર્મ નં. ૬-અ, ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરાવવા માટે ફોર્મ નં. ૬-બ, મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં. ૭, ચૂંટણી કાર્ડમાં નામ, જન્મ તારીખ, ફોટો, સરનામું વિગેરે સુઘારા માટે / ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ માટે / સ્થાળાંતરના કિસ્સામાં / પીડબલ્યુડી ફલેટ કરવા માટે ફોર્મ નં. ૮ ભરવાનું રહેશે. આ માટે મતદાતાઓએ નજીકના મતદાન બુથ કે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે. હાલ રાજકોટ જિલ્લામાં ૨૨૫૩ મતદાન મથકો ઉપર કુલ ૨૨,૯૪,૮૧૫ મતદારો નોંધાયેલ છે. આ મતદારોમાં ૧૧,૯૧,૯૧૦ પુરૂષો તથા ૧૧,૦૨,૮૭૩ સ્ત્રીઓ નોંધાયેલ છે. રાજકોટ જિલ્લાના તમામ યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો તથા જાહેરજનતાને “મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા” અન્વયે ખાસ ઝુંબેશનો મહતમ લાભ લેવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ અનુરોધ કર્યો છે.
ગિરીશ ભરડવા (રાજકોટ)