સોમનાથ જઇ રહેલા સૌરાષ્ટ્રી તમિલોનું વડોદરા રેલ્વે સ્ટેશને ઢોલનગારા સાથે ઉત્સાહપૂર્ણ સ્વાગત
- અગ્રણીઓ અને અધિકારોઓ દ્વારા સૌરાષ્ટ્રી તમિલોને પુષ્પો અને લસ્સી સાથે આવકારવામાં આવ્યા
- રેલ્વે કોચિસમાં ઉતરેલા યુવાનો પણ ઉત્સાહ સાથે ઢોલ અને નગારાના નાદ સાથે નાચવા લાગ્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સહભાગી થવા માટે મુદરાઇની નીકળેલા ૩૦૦ સૌરાષ્ટ્રી તમિલોના સમુદાયનું વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત એટલું ઉત્સાહભર્યું હતું કે, રેલ્વે કોચિસમાં ઉતરેલા યુવાનો પણ ઢોલ અને નગારાના નાદ સાથે નાચવા લાગ્યા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સવા ચારેક વાગ્યે સૌરાષ્ટ્રી તમિલોના પ્રથમ જત્થાને લઇને આવેલી ટ્રેનના એ. સી. કોચિસને વિશેષ રૂપ આપવામાં આવ્યા છે. જેમાં તમિલ અને ગુજરાતી ભાષામાં એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રો સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની મુલાકાતે આવનારા આ મહેમાનોમાં યુવાનો અને યુવતીઓની સંખ્યા વિશેષ જોવા મળી હતી.
આ ટ્રેન જેવી પ્લેટફોર્મ ઉપર પહોંચી એવી તુરંત જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગંતુકો માટે ઠંડી લસ્સી અને પાણીની બોટલ સાથે પુષ્પો સાથે તમામને આવકારવામાં આવ્યા હતા. વિશેષ ટ્રેનમાં ચાર એ. સી. કોચિસમાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેવા ઢોલ અને નગારાના અવાજ સાંભળવા મળ્યો એવા તુરંત ટ્રેનમાં રહેલા યુવાનો કોચમાંથી ઉતરીને પ્લેટફોર્મ ઉપર ઉતરી આવ્યા હતા અને ઉત્સાહપૂર્વક નાચવા લાગ્યા હતા. આવા નૃત્ય પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતને જોડતી કડી હોવાની પ્રતીતિ તે વખતે થઇ હતી. વયસ્ક મહેમાનો પણ કોચિસમાંથી નીચે ઉતરતા દંડક શ્રી બાળુભાઇ શુક્લ, વિધાયક શ્રી મનિષાબેન વકીલ, શ્રી કેયુરભાઇ રોકડિયા, શ્રી ચૈતન્યભાઇ દેસાઇ, ડેરી ચેરમેન શ્રી સતિષભાઇ પટેલ, કલેક્ટર શ્રી અતુલ ગોર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ સહિતના આગેવાનોએ તમામનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
આ ભાતીગળ સ્વાગત થતું જોઇને તમિલ કિશોરોની આંખોમાં અહોભાવ ચકમતો જોવા મળ્યો હતો. છેક મુદરાઇથી આવેલી ટ્રેનમાં રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી આ મહેમાનો ભારોભાર સંતૃષ્ઠ હતા. શ્રી સતિષ નામના એક પ્રવાસીએ જણાવ્યું કે, અમને અમારા વતનને નજીકથી જોવા અને જાણવાનો મોકો મળ્યો છે. અમારૂ સૌરાષ્ટ્ર સાથે ફરી જોડાણ થયું, એ અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે. શ્રી મણીગંદમ નામના એક પ્રવાસીએ એવું કહ્યું કે, સૌરાષ્ટ્રના આ પ્રવાસથી અમે અમારો વારસો ભરીને જવાના છીએ. જે અમારી આવનારી પેઢીને ઉત્તરોઉત્તર આપતા જઇશું.