બોધકથા..તપ અને વિદ્યાથી જો અહંકાર વધે તો પતન થાય છે.

બોધકથા..તપ અને વિદ્યાથી જો અહંકાર વધે તો પતન થાય છે.
Spread the love

બોધકથા..તપ અને વિદ્યાથી જો અહંકાર વધે તો પતન થાય છે.

લક્ષ્મી જો મહેનત કરવાથી મળતી તો મજદૂરોની પાસે કેમ નથી હોતી? બુદ્ધિથી મળતી તો ચાલાક અને ચતુર લોકોની પાસે કેમ નથી હોતી? શક્તિથી મળતી તો પહેલવાનોની પાસે કેમ નથી હોતી? જીંદગીમાં સારા સંતાનો-સંપત્તિ અને સફળતા આપણા દ્વારા કરવામાં આવેલા સારા પુણ્યોથી મળે છે જેનો હિસાબ પ્રભુ પરમાત્મા રાખે છે.ક્યારેય એવું અભિમાન ના કરશો કે ઘરના બધા સગા-વહાલા મારી કમાઇનું ખાય છે.આ તો આપની સાથે જોડાયેલા લોકોનું પુણ્ય છે કે જેને કમાઇને આપ ઘેર લાવ્યા છો.

વૃ્દ્ધ માતા અને લાચાર પિતાને રડતા કકડતા મુકીને એક ઋષિ તપસ્યા કરવા માટે વનમાં જાય છે.તપ કર્યા પછી ઋષિએ જોયું તો એક કાગડો પોતાની ચોંચમાં એક ચકલીના બચ્ચાને લઇને જઇ રહ્યો હતો.ઋષિને ક્રોધના આવેશમાં કાગડાની તરફ જોયું તો આંખોની અગ્નિથી કાગડો બળીને ભસ્મ થઇ જાય છે.પોતાની આ સિદ્ધિને જોઇને ઋષિને અહંકાર આવે છે.તે જ્યારે પોતાના મઠ તરફ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ઘર આગળ ઉભા રહીને ભિક્ષા માટે ઉભા રહે છે. વારંવાર બૂમ પાડવા છતાં ઘરમાંથી કોઇ બહાર ન આવવાથી ઋષિને ક્રોધ આવે છે.

ઋષિએ ફરીથી બૂમ મારી ત્યારે ઘરમાંથી અવાજ આવે છે કે સ્વામીજી ઉભા રહો.અત્યારે હું સાધના કરી રહી છું,જ્યારે મારી સાધના પુરી થશે એટલે હું આપશ્રીને ભિક્ષા આપીશ.હવે ઋષિના ક્રોધે મર્યાદા વટાવી દીધી અને ક્રોધના આવેશમાં બોલ્યા કે દુષ્ટ સ્ત્રી ! તૂં સાધના કરી રહી છે કે એક ઋષિનું અપમાન કરી રહી છે? તને ખબર છે મારા અપમાનનું શું પરીણામ આવશે? ત્યારે અંદરથી અવાજ આવે છે કે હું જાણું છું કે આપ શ્રાપ આપશો પરંતુ હું કોઇ કાગડો નથી કે જે આપના ક્રોધાગ્નિથી બળીને નષ્ટ થઇ જાઉં ! જેને જીવનભર મારૂં પાલન-પોષણ કર્યું છે તે ર્માં ની સેવા કરવાનું છોડીને તમોને ભિક્ષા આપવા કેવી રીતે આવી શકું? આ સાંભળીને ઋષિની સિદ્ધિનો અહંકાર ચકનાચૂર થઇ ગયો.થોડીવાર પછી તે મહિલા ભિક્ષા આપવા ઘરમાંથી બહાર આવે છે ત્યારે ઋષિને ઘણી જ નવાઇ લાગે છે અને પુછે છે કે આપ કંઇ સાધના કરો છો જેના પ્રતાપે તમોને મારા વિશે બધી જ ખબર પડી ગઇ છે?

ત્યારે મહિલા કહે છે કે મહાત્માજી ! હું મારા પતિ,બાળકો,પરીવાર અને સમાજના પ્રત્યેના મારા કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરૂં છું આ જ મારી સાધના અને સિદ્ધિ છે.તપ અને વિદ્યાથી જો અભિમાન વધે તો પતન થાય છે.

અહંકાર અંતઃકરણની એક વૃત્તિ છે.પ્રત્યેક વ્યક્તિના અનુભવમાં હું છું’ આ પ્રકારની એક વૃત્તિ હોય છે.આ વૃત્તિ જ શરીરની સાથે મળીને હું શરીર છું’ આ રીતે અહંકાર ઉત્પન્ન કરી દે છે.શરીર ઇન્દ્રિયો વગેરે જડ પદાર્થોને પોતાનું સ્વરૂપ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય છે અને તેના કારણે શરીર નામ ક્રિયા પદાર્થ ભાવ જ્ઞાન ત્યાગ સ્થળ કાળ વગેરેની સાથે પોતાની સાથે સબંધ માનીને જીવ ઉંચ-નીચ યોનિઓમાં જન્મતો-મરતો રહે છે.સાંસારીક ચીજોના સબંધથી અભિમાન પેદા થાય છે તેવી જ રીતે ત્યાગ વૈરાગ્ય વિદ્યા વગેરેના લીધે પોતાનામાં વિશેષતા દેખાવવાથી અભિમાન પેદા થાય છે.પોતાનામાં શ્રેષ્ઠતાની ભાવનાથી જ અભિમાન પેદા થાય છે, આ દોષને દૂર કરવા માટે બીજાઓની ખામીઓની તરફ ક્યારેય ના જોવું.

જીજ્ઞાસુઓમાં શ્રધ્ધા,વિશ્વાસ અને અહંકાર શૂન્યતા અવશ્ય હોવી જોઇએ.તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.જ્યાં સુધી મનુષ્ય માં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી..જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.

જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે, વિનમ્રતા છે, જેના હ્રદયમાં મિઠાસ છે, જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.

અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે..કારણ કેઃ અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે.અમારા હ્દયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ.

અભિમાનથી માનવી ફુલાઈ શકે છે,ફેલાઈ શકતો નથી.અનુભવી પુરૂષોએ અભિમાનના નવ પ્રકાર ગણાવ્યા છેઃકૂળનું અભિમાન, સં૫ત્તિનું અભિમાન, બળનું અભિમાન, સત્તાનું અભિમાન, રૂ૫નું અભિમાન, વિદ્વતાનું અભિમાન, ચારિત્ર્યનું અભિમાન, કર્તવ્યનું અભિમાન, દશમું અભિમાન ગણાવ્યું નથી ૫ણ તે અતિ જોખમી છે તે એ કે મને અભિમાન આવતું નથી અથવા હું અભિમાનથી ૫ર છું એવા ભાવની હાજરી અથવા તો નમ્રતા દેખાડવાનો પ્રયત્ન કરવો તે દશમંં અભિમાન છે.

બુદ્ધિમાં જ્યાં સુધી અભિમાન છે, કામ છે, કપટ છે ત્યાં સુધી બુદ્ધિ કાચી છે.અભિમાન દૂર ત્યારે થાય કે જયારે બુદ્ધિ કોઈને શરણે જાય.અભિમાન હોય ત્યારે કોઈનું શરણ સ્વીકારવાનું બુદ્ધિ ના પડે છે.ભક્તિમાં અભિમાન આવે ત્યારે ગુરૂનું શરણ સ્વીકારવાનું એટલા માટે જ કહ્યું છે.શરણે જવાથી “હું” નો વિનાશ થાય છે.જ્ઞાન મળે છે, સર્વમાં સર્વેશ્વરના દર્શન થાય છે.

અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી પણ જગત જેને માન આપે છે તેવા જ્ઞાનીને અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે.

વિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!