ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના હસ્તે અગ્રવાલ બિઝનેસ કોન્કલેવની પ્રથમ એડીશનનો પ્રારંભ
- શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા (એસએવીએમ) ગુજરાત દ્વારા આયોજીત કોન્કલેવમાં બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, પ્રોફેશનલ્સ અને પોલિસીમેકર્સને એકસાથે લાવવામાં આવ્યા
ગુજરાત રાજ્યના માનનિય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતે શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા (એસએવીએમ) સંચાલિત અગ્રવાલ બિઝનેસ કોન્કલેવ 2023ની પ્રથમ એડીશનનું શનિવારે ઉદ્દઘાટન કર્યું હતું. શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા એ અગ્રવાલ સમુદાયના સશક્તિકરણને સમર્પિત સંગઠન છે. આ કોન્કલેવનું આયોજન એસએવીએમની યુવા અને મહિલા વિંગ દ્વારા કરાયું છે અને એમાં બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો, ઈન્વેસ્ટર્સ, પોલિસીમેકર્સ, શિક્ષણવિદ્દો અને અન્ય સહયોગીઓએ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન તથા ઈનોવેશન અને કોલાબરેશનને વેગ આપવાના ઉદ્દેશથી તેમજ સમુદાય અને રાષ્ટ્રના આર્થિક વિકાસને વેગ આપવા એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે.
સ્વાગત સંબોધનમાં અગ્રવાલ બિઝનેસ કોન્કલેવ (એબીસી)ના ચીફ પેટ્રન શ્રી સુરેશ આર્યએ જણાવ્યું હતું કે “સાથે મળીને સમુદાયની રચના અને તેની શક્તિ જાણીતી બાબત છે. આ કોન્કલેવના આયોજનનો ઉદ્દેશ અગ્રવાલ સમુદાયને સંગઠીત બનાવીને એક એવા પ્લેટફોર્મની રચના કરવાનો છે કે જેનાથી સંવાદને પ્રોત્સાહન મળે, જાણકારી અને સહયોગ સાધીને બિઝનેસ માટેની ધબકતી વ્યવસ્થા સ્થાપી શકાય. અમે શિક્ષણ અને નેટવર્કિંગ દ્વારા આ કોન્કલેવ મારફતે શિક્ષિત, સમૃધ્ધ અને તંદુરસ્ત સમાજ માટે યોગદાન આપવા માટે તત્પર છીએ. અમે સમગ્ર દેશ અને ગુજરાતમાંથી આ કોન્કલેવમાં હાજરી આપનાર સભ્યોને આવકારીએ છીએ અને મને વિશ્વાસ છે કે આ કોન્કલેવમાં થતી ચર્ચાઓ જ્ઞાનવર્ધક બનીને અનુભવનું ભાથું બની રહેશે.”
બે દિવસની આ કોન્કલેવમાં સંખ્યાબંધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે, જેમાં મુખ્ય પ્રવચનો, ઉદ્યોગના નિષ્ણાંતોની પેનલ ચર્ચાઓ, ઈનોવેટીવ પ્રોડક્ટસ અને સર્વિસીસ દર્શાવતું પ્રદર્શન તેમજ નેટવર્કિંગની મૂલ્યવાન તકોનો સમાવેશ થાય છે, ઉપરાંત એક પ્રેરણાત્મક સ્ટાર્ટઅપ સ્પીચ સેશનનું પણ આયોજન કરાયું છે. આ સમારંભમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને બિઝનેસના બદલાઈ રહેલા પરિમાણો, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસની અસર, નવા યુગના ફ્રોડ સામે બિઝનેસનું રક્ષણ કઈ રીતે કરવું, બ્રાન્ડીંગનું મહત્વ, ડિજીટલ માર્કેટીંગનો ઉપયોગ અને બિઝનેસના વિકાસ માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ તથા અન્ય બાબતો અંગે પ્રસિધ્ધ નિષ્ણાંતો માર્ગદર્શન આપશે.
કોન્કલેવમાં રસપ્રદ ચર્ચાઓ હાથ ધરાશે : આ ચર્ચાના વિષયોમાં આર્થિક વિકાસ માટે ઉદ્યોગસાહસિકતા અને ઈનોવેશનની વ્યવસ્થા ઉભી કરવામાં સરકારની ભૂમિકા, બિઝનેસ અને સમાજમાં મહિલાઓની મહત્વની ભૂમિકા તથા બિઝનેસની દુનિયામાં આરોગ્ય અને વેલનેસને અગ્રતા જેવી પેનલ ચર્ચાઓનો સમાવેશ થાય છે. જે પ્રસિધ્ધ નિષ્ણાંતો કોન્કલેવની વિવિધ બેઠકોનું સંચાલન કરનાર છે તેમાં મોટિવેશનલ સ્પીકર – સંજય રાવલ, સીએ ઉત્તમ પ્રકાશ અગ્રવાલ, આઈસીએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને યુપીએસીએના સ્થાપક સીએ- સ્નેહલ દેસાઈ, ડીડીબી મુદ્રા ગ્રુપના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ- મહાવીર સિંઘલ, આફ્ટર ફર્સ્ટ મિડીયાના સીઈઓ- અમિત ખેતાન જેવા કેટલાક જાણીતા મહાનુભવોનો સમાવેશ થાય છે. કર્ણાવતી મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી- રિતેશ હાડા, નાબાર્ડના ચીફ જીએમ- ભૂપેશ સિંઘલ, આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન- કમલ મંગલ અને ઈન્ફીનાઈટ સિવિલ સોલ્યુશન્સના ડિરેક્ટર- પંકજ ગોયલ પણ પોતાના અનુભવ અને જાણકારીનો હાજર રહેલા સભ્યોને લાભ આપશે.
એસએવીએમ ગુજરાતના જનરલ સેક્રેટરી- સંજીવ અગ્રવાલ જણાવે છે કે “અગ્રવાલ બિઝનેસ કોન્કલેવ (એબીસી) થી સહયોગ અને પ્રગતિના નવા યુગની શરૂઆત થઈ છે. વિઝનરી અને ઈનોવેટર્સ સાથે મળીને હાજર રહેલા સભ્યોને માર્ગદર્શન આપશે. આ પ્લેટફોર્મથી ઉદ્યોગસાહસિકતાની ભાવનાને વેગ મળશે તથા આર્થિક વૃધ્ધિને બળ મળશે અને કોમ્યુનિટી આધારિત બિઝનેસીસની શક્તિ દર્શાવવામાં આવશે. આ સમારંભ પરિવર્તન માટે ઉદ્દીપક બનીને ઈનોવેશનને વેગ આપશે અને સમુદાયના ઉજળા ભાવિ ઉપરાંત અનેક પ્રકારે ઉપયોગી નિવડશે. શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા (એસએવીએમ) ગુજરાત હવે પછી આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરશે. આ પ્રકારના આયોજનથી સમુદાય આધારિત બિઝનેસને વેગ આપી ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં યોગદાન આપશે.”
એસએવીએમ ગુજરાત અંગે : શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા (એસએવીએમ ) ગુજરાત, અગ્રવાલ સમુદાયના કલ્યાણ અને પ્રગતિ માટે સમર્પિત સંસ્થા છે. તેના મુખ્ય સ્થંભોમાં બિઝનેસને પ્રોત્સાહન, શિક્ષણ, આરોગ્ય અને રમત-ગમતનો સમાવેશ થાય છે. એસએવીએમ ભવિષ્યમાં સક્રિય બનીને આ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે.