નર્મદા જિલ્લામાં વિશ્વ ટીબી દિવસ” ની ઉજવણી કરવામાં આવી

નર્મદા જિલ્લામાં વિશ્વ ટીબી દિવસ” ની ઉજવણી કરવામાં આવી
‘ટીબીને જડમુળમાંથી સમાપ્ત કરવા માટે “મૈં નહીં હમ” ની ભાવના સાથે આગળ વધતો નર્મદા જિલ્લો
નર્મદા જિલ્લામાં સૌથી નાની વયના નિક્ષય મિત્ર રિદ્ધેશે દેડીયાપાડાના પાંચ ટીબીના દર્દીઓને દત્તક લીધા
દીકરા રિદ્ધેશ વસાવાનું માનવતાવાદી અભિગમ સૌ માટે પ્રેરણાસ્ત્રોત : ટ્વીટરના માધ્યમથી ‘લિટલ માસ્ટર’ને પ્રોત્સાહિત કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા
નર્મદાના ૯૮ નિક્ષય મિત્રોએ સાયલન્ટ કિલર ટીબીને નેસ્તોનાબુદ કરવા માટે ૧૦૭ દર્દીઓને દત્તક લઈ છ માસ સુધી પોષણકીટ ઉપલબ્ધ કરાવી કાળજી લેશે
નર્મદા જિલ્લામાં આ વર્ષે “Yes, We Can End TB” થીમ સાથે “વિશ્વ ટીબી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમે સૂચવ્યુ કે “મૈં નહીં હમ” ની ભાવના સાથે આગળ વધશો તો પહાડ જેવી મુશ્કેલીઓ પણ સરળ બની જશે. નર્મદા જિલ્લા વહિવટીતંત્ર સાથે નાગરિકો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબીમુક્ત ભારતના સ્વપ્ન સાચા અર્થમાં સાકાર કરવા માટે “મૈં નહીં હમ” ની ભાવના સાથે આગળ વધી રહ્યાં છે.
વડાપ્રધાનએ અગાઉ “મન કી બાત” માં નાની વયના નિ-ક્ષય મિત્રો પર વિશેષ ભાર આપ્યો હતો. ટીબીને જડમૂળથી સમાપ્ત કરવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં સમાજના એક જવાબદાર નાગરિકની ભૂમિકા અદા કરી રહેલા નર્મદા જિલ્લાના તમામ નિક્ષય મિત્રોના પ્રયાસો પણ નોંધનીય છે. જેમાં નાંદોદ તાલુકાના ૧૧ વર્ષીય બાળક રિદ્ધેશ રાજીવભાઈ વસાવાનું માનવતાવાદી અભિગમ સૌ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાળક રિદ્ધેશ ટીબી મુક્ત ભારત અભિયાનમાં નિક્ષય મિત્રના રૂપમાં દેડીયાપાડાના ૫ ટીબીના દર્દીઓને દત્તક લઈને એકતા અને લાગણીની ભાવના ઉજાગર કરીને સમાજને એક પ્રેરક સંદેશો આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ પણ માનવતાના આ નેક અભિગમને ચરિતાર્થ કરતું બાળક રિદ્ધેશ વસાવાની કામગીરીને ટ્વીટ કરીને પ્રોત્સાહિત કર્યુ હતુ. બાળક રિદ્ધેશ સિવાય નર્મદા જિલ્લામાં હાલ ૯૮ નિક્ષય મિત્રોએ ૧૦૭ ટીબીના દર્દીઓને દત્તક લીધા છે. ઓક્ટોબર માસથી આજદિન સુધી કુલ ૨૧૯ નિક્ષય મિત્રમાંથી આશરે ૧૦૦ જેટલા નિક્ષયમિત્રોએ સાયલન્ટ કિલર ટીબીને જડમૂળથી સમાપ્ત કરવા માટે છ માસ સુધી ૧૨૩ દર્દીઓને દત્તક લઈને પોષણકીટ ઉપલબ્ધ કરાવી હતી. નર્મદા જિલ્લામાં ટીબી મુક્ત બનાવવા માટેની આ જન ભાગીદારી હવે ધીમે-ધીમે જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાનમાં પોતાની ભાગીદારી અદા કરવા માટે www.nikshay.in પર જાતે નિક્ષય મિત્ર તરીકે નોંધણી કરીને કોઈ પણ વ્યક્તિ છ માસ સુધી પોષણ યુક્ત આહારની કીટ ઉપલબ્ધ કરાવીને ટીબી દર્દીને દત્તક લઈ શકે છે. અંદાજિત રૂ. ૪૦૦-૫૫૦ ની ન્યુટ્રીશિયન કીટમાં એક કિલો બાજરી,જુવાર,ઘઉં, તેલ, સિંગદાણા તથા બે કિલો ચણા,મગ, તુવેર દાળનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગમાં પણ ટીબીના દર્દીઓ માટે નિદાન અને સારવાર નિશુલ્ક છે. કારણ કે “ટીબી હારેગા તભી તો દેશ જીતેગા”. ટીબીને ટ્રેક કરવા માટે ભારતવર્ષમાં તેમજ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ટ્રુ-નાટ મશીન વસાવવામાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે છે. ઉત્તમકક્ષાનું ટ્રુનાટ મશીન મૂળરૂપે બે કલાકમાં જ ટ્યુબરક્યુલોસિસ શોધવા માટે સક્ષમ છે. ગર્વ લેવા જેવી બાબત છે કે નર્મદા જિલ્લો ભારત દેશનો એક માત્ર જિલ્લો છે જેના તમામ તાલુકાઓમાં આવી અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ટ્રુનાટ મશીનો છે.
રિપોર્ટ : વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300