ભાજપમાં ભડકો : પ્રદેશ મહામંત્રીપદેથી પ્રદીપસિંહ વાઘેલાનું નારાજીનામું…!

ગુજરાત પ્રદેશ ભાજપના એક દિગ્ગજ નેતાએ રાજીનામું ધરી દેતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ નારાજીનામું આપી દેતાં સમગ્ર રાજ્યમાં અને જિલ્લાઓમાં અનેક પ્રકારના ગંભીર પ્રશ્નો ઊભાં થઈ રહ્યાં છે. ત્યારે પ્રદીપસિંહ વાઘેલાએ અઠવાડિયા પહેલાં રાજીનામું આપી દીધા અંગે રાષ્ટ્રીય સંગઠન નેતા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. પ્રદીપસિંહ વાઘેલા દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતા. તેઓ કમલમ્ કાર્યાલયનો મોટાભાગનો કાર્યભાર પણ સંભાળી રહ્યાં હતાં.
પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાની છેલ્લા કેટલાક દિવસથી જોરશોરથી ચર્ચા રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે સમર્થન મળતાં રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી અઠવાડિયા પૂર્વે જ રાજીનામું આપી દીધાનું પણ જાણવા મળી રહ્યું છે. એક પછી એક વધુ અસરદાર અને વજનદાર નેતાનો ભોગ લઈ લેવામાં આવ્યો હોવાની ચર્ચા એરણે ચડી છે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલી ખેંચમતાણ પાછળ કોણ જવાબદાર છે ? આ પ્રશ્નનો ઉત્તર તો સર્વવિદિત છે જ, પણ કોઈ એક હરફસુદ્ધાં બોલવા તૈયાર નથી, એવી પણ ચર્ચાએ જોર પકડતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.