હિંદ છોડો આંદોલન “મારી માટી-મારો દેશ” માટીને નમન, વીર-વીરાંગનાઓને વંદન
ખાસ લેખ : હિંદ છોડો આંદોલન
“મારી માટી-મારો દેશ” માટીને નમન, વીર-વીરાંગનાઓને વંદન
સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉષા મહેતાએ ગુપ્ત રેડિયો સ્ટેશનના માધ્યમથી અંગ્રેજ સરકારને દોડતી
કરી હતી આંદોલન દરમિયાન તત્કાલિન નેતાઓના સંદેશાઓનું ધ્વનિ પ્રસારણ કરવામાં આવતું
સ્વાતંત્ર્ય સંગ્રામની સફળ કહાનીમાં દેશના અનેક અનસંગ
સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનના બલિદાન આપ્યા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ “અંગ્રેજો દેશ છોડો” નારો
આપીને દેશને અંગ્રેજ ચુંગાલમાંથી મુક્ત કરવા આહ્વાન કર્યું હતું
હિંદ છોડો આંદોલનની સફળતાની ગાથા ભારતીય આધુનિક ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખવામાં આવી છે
પદ્મ વિભુષણથી સન્માનિત શ્રી ઉષા મહેતાએ ગુપ્ત રેડિયોના
સંચાલન થકી અંગ્રેજ વિરુદ્ધની લડાઈ માટે દેશને નવો જુસ્સો અપાવ્યો હતો
આલેખન : ધર્મેશ એન. વાળા જિલ્લા માહિતી કચેરી, અમરેલી
અમરેલી : ભારત ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી રહ્યું છે. તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સમગ્ર રાષ્ટ્રમાં હર્ષોલ્લાસથી કરવામાં આવશે. ભારતને વર્ષ ૧૯૪૭માં આઝાદી મળી તેની પાછળ અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરો-વિરાંગનાઓએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે. ૭૫ વર્ષની આ યાત્રામાં ભારતે અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે.
૮મી ઓગસ્ટ,૨૦૨૩ છે! અને આ તારીખનું આધુનિક ભારતના ઈતિહાસમાં ખાસ મહત્વ છે. મહાત્મા ગાંધીએ તા. ૦૮ ઓગસ્ટ,૧૯૪૨ના રોજ હિંદ છોડો આંદોલનનો રણટંકાર કર્યો હતો. ગાંધીજીએ ‘અંગ્રેજો હિંદ છોડો’ નો નારો આપ્યો અને દેશના લોકોએ આઝાદી માટેની અંતિમ લડતનો શંખ ફૂંક્યો હતો. કેમ થયું હિંદ છોડો આંદોલન ? કયા કારણો જવાબદાર હતા ? આવા અનેક સવાલો એક ભારતીય તરીકે આપણને સૌને થવા જરુરી છે. ભારતીયોની માંગ હતી કે અમને આઝાદી જોઈએ છે પરંતુ ક્રિપ્શ મિશનમાં પૂર્ણ સ્વરુપે ભારતીયોની આ વાત સ્વીકારવામાં ન આવી, ઉપરાંત દેશમાં અંગ્રેજોનું શાસન હતું અને વર્ષ ૧૯૩૯ના સમયમાં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અંગ્રેજોએ ભારતીય તત્કાલીન નેતાઓ સાથે વિચાર વિમર્શ કર્યા વિના ભારતને યુદ્ધમાં જોડી દીધું! આ ઉપરાંત ભારતીયો એ સમયે અંગ્રેજ રાજથી ત્રસ્ત પણ આવી ચૂક્યા હતા.
વર્ષ ૧૯૪૨માં હિંદ છોડો આંદોલન ત્રણ ચરણમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ ચરણમાં સમગ્ર દેશમાં એકસાથે અંગ્રેજો વિરુદ્ધ શહેરી વિદ્રોહ થયો, હડતાળ અને બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. બીજા ચરણમાં ગ્રામીણ ક્ષેત્ર પર ફોકસ કરીને આંદોલનને વધુ તેજ કરવામાં આવ્યું હતુ. આંદોલનના અંતિમ ચરણમાં અલગ અલગ વિસ્તારો જેમ કે, બલિયા, તામલુક, સતારા સહિત જગ્યાએ રાષ્ટ્રીય સરકારો અથવા તો સમાંતર સરકારો બની. શ્રી ઉષા મહેતા એક એવા મહિલા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે હિંદ છોડો આંદોલન દરમિયાન અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા! તેઓએ ૮ વર્ષની નાનામાં નાની ઉંમરમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યુ હતુ. તેમણે નાનકડી ઉંમરમાં સાયમન કમિશન વિરુદ્ધ માર્ચ કાઢીને અંગ્રેજ સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત થઈને જીવન જીવવાનું નક્કી કર્યું હતુ અને આજીવન એ રીતે જીવ્યા હતા. તેમણે હિંદ છોડો આંદોલન સમયે ગુપ્ત રેડિયો સ્ટેશન સ્થાપીને તત્કાલીન નેતાઓના સંદેશાઓનું પ્રસારણ કર્યું હતુ. પદ્મ વિભુષણથી સમ્માનિત શ્રી ઉષા મહેતાએ ગુપ્ત રેડીયોના સંચાલન થકી અંગ્રેજ વિરુદ્ધની લડાઈ માટે દેશને નવો જુસ્સો અપાવ્યો હતો. શ્રી ઉષા મહેતા અને તેમના સાથીઓ દ્વારા ગુપ્ત રેડિયો સ્ટેશન અંગ્રેજોથી છુપાવીને ચલાવવામાં આવતું હતુ. આ ઉપરાંત દરેક પ્રસારણ બાદ રેડિયોનું લોકેશન પણ બદલી નાંખવામાં આવતું હતુ. આ રેડિયો સ્ટેશનની જાણ થોડા જ સમયમાં અંગ્રેજ સરકારને થતાં અંગ્રેજોએ આ ગુપ્ત રેડિયો સ્ટેશનને કબ્જે કરીને શ્રી ઉષા મહેતા સહિત તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. સમય જતાં હિંદ છોડો આંદોલનને અંગ્રેજ સરકારે પ્રચંડ રીતે દબાવી દીધું. આ આંદોલનની ફલશ્રૃતિ એ હતી કે આ આંદોલનમાં મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો, રાષ્ટ્રવાદનો વધુ સારી રીતે ઉદય થયો અને દેશની એકતા ફરી વખત સાબિત થઈ ઉપરાંત સ્વતંત્રતાનો માર્ગ પણ પ્રશસ્ત થયો.
હિંદ છોડો આંદોલનની સફળતાની ગાથામાં શ્રી ઉષા મહેતા સહિત અનેક નામી અનામી મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ભારત આજે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અમૃત મહોત્સવ થકી કરી રહ્યું છે. તા. ૦૯ ઓગસ્ટ,૨૦૨૩ થી ૩૦ ઓગસ્ટ,૨૦૨૩ સુધી “મારી માટી–મારો દેશ” માટીને નમન-વીરોને વંદન કાર્યક્રમ સમગ્ર દેશમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે આવો, સૌ સાથે મળીને આપણા દેશના મહાન વીર-વીરાંગનાઓને સન્માનિત કરીને આપણી ફરજ અદા કરીએ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300