ભારત-પાક જળસીમા એક કાચબાને બચાવવા કોસ્ટગાર્ડનું રોમાંચક ઓપરેશન

ભુજઃ બોર્ડર પર સામાન્યતઃ ઘુષણખોર પકડાતા હોય છે, અથવા તેને લઈને દિલધડક ઓપરેશન હાથ ધરાતા હોય છે. પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડે ભારત પાકિસ્તાન જળસીમા નજીક એક કાચબાને બચાવવા ખાસ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલે સોમવારે વિડીયો પોસ્ટ કરી આ માહિતી આપી હતી, અને લખ્યું કે ‘એક અનન્ય ઓપરેશનમાં કોસ્ટગાર્ડે વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત સ્થિતિમાં મુકાયેલા ઓલિવ રિડ્લી ટર્ટલ(કાચબો) જાળીમાં ફસાઈ ગયો હતો, તેને ભારત-પાક દરિયાઈ સીમા નજીક જાળમાંથી છોડાવી અને દરિયામાં મુક્ત કરાયો હતો’.
જો કે કયા પેટ્રોલિંગ જહાજ દ્વારા આ ઓપરેશન પર પાડયું તે માહિતી મુકાઈ ન હતી, સાથો સાથ વિસ્તારની પણ નોંધ નથી કરાઈ. ગુજરાતમાં કચ્છ અને પોરબંદરમાં જ આ કાચબો ઉછરતો હોવાથી કચ્છની ભારત-પાક જળસીમા મધ્યે આ ઓપરેશન થયું હોવાનું સીધી રીતે ફલિત થાય છે, આ મુદ્દે ડિફેન્સ પી.આર.ઓ એ.કે રઘુવંશીનો સંપર્ક સાધતા તેઓ આ બાબતથી અવગત ન હતા. આ ઓપરેશન ગત બુધવારે જળસીમાએ બહાર પડાયું હતું.
દરિયાઈશાસ્ત્રના જાણકારોના મતે કચ્છના દરેક દરિયાકિનારે આ કાચબાની પ્રજાતિની હાજરી નોંધાયેલી છે. ઓલિવ રિડ્લી ટર્ટલ નામની કાચબા પ્રજાતિ બહુ મોટા પ્રમાણમાં માંસ, ઈંડા અને ફિશિંગની જાળીમાં પકડાઈ જવાથી મોતને ભેટી રહી છે. વિપુલ પ્રમાણમાં તેઓના ઈંડાને હેચરીમાં મૂકી ઉછેરવામાં આવે છે, અને ત્યારબાદ દરિયામાં ચાલ્યા જાય છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના એક આંકડા મુજબ વૈશ્વિક ધોરણે 8 લાખથી વધુ આ પ્રજાતિની માદા પૃથ્વી પર હયાત છે. આ કાચબો માછીમારીની જાળીમાં ફસાઈ તરતો તરતો ત્યાં પહોંચ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે કોસ્ટગાર્ડના ચાર જવાનોએ ઇન્ફ્લેટેબલ બોટમાં આ ઓપરેશન સફળ રીતે પાર પડ્યું હતું. મધદરિયે કપરી સ્થિતિમાં વન્યજીવ પ્રત્યેની કોસ્ટગાર્ડના જવાનોની આ કરુણતાએ ટ્વિટર પર લોકોનું દિલ જીતી લીધું હતું.
ગુજરાતમાં કચ્છ અને પોરબંદરમાં જોવા મળે છે
ઓલિવ રિડ્લી ટર્ટલ નામનો કાચબો વૈશ્વિક સ્તરે પેસીફીક, એટલાન્ટિક અને ભારતીય દરિયામાં જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ અને પોરબંદરમાં જોવા મળે છે. 2 ફૂટ લાંબો અને 50 કિગ્રા વજન ધરાવતો આ દરિયાઈ જીવ ખોરાક અને ઈંડા ઉછેરવા માટે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડે છે. ઓડિશામાં રિડિયો કોલર ટેગ કરેલો કાચબો શ્રીલંકા સુધી પહોંચ્યો હોવાના દાખલા છે.
Source: Divya Bhaskar