કોંગ્રેસની સરકાર રચાતા જ આંધ્રને આપશે વિશેષ દરજ્જો : રાહુલ

આંધ્ર પ્રદેશાન વિજયવાડામાં રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ અમારી પ્રતિબદ્ધતા છે કે અમે દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપીશું. તેની સાથે જ તેઓએ કહ્યું કે, મોદીજી 5 વર્ષથી દેશના વડાપ્રધાન છે તેમ છતાંય તેઓએ આ વાયદો પૂરો નથી કર્યો.
રાહુલે આ દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર હુમલો કર્યો. કોંગ્રેસ અધ્યક્ષે આ દરમિયાન ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા ફાળવવાના પોતાની વચનનું પુનરાવર્તન કર્યું. પોતાના સંબોધન દરમિયાન રાહુલે રાજ્યોના લોકોને વાયદો કર્યો કે દિલ્હીની સત્તામાં આવતાની સાથે જ તેમની સરકાર આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. ઉલ્લેખનીય છે કે, ટીડીપી અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ આ મુદ્દે જ એનડીએથી અલગ થઈ ગયા હતા.
ટ્રાન્સલેટરની મદદથી લોકોને સંબોધિત કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે અમારા મેનિફેસ્ટોમાં એક ઐતિહાસિક એલાન કર્યું છે. ગરીબી હટાવવા માટે અમે ન્યાય યોજના લાવીશું.
રાહુલ ગાંધી આંધ્ર પ્રદેશમાં વિજયવાડા ઉપરાંત આજે કલ્યાણદુર્ગમાં રેલી કરશે, બીજી તરફ વિશાખાપટ્ટનમાં વિપક્ષ તરફથી આયોજિત એકતા રેલીમાં પણ સામેલ થશે. આ રેલીમાં આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ અનેક વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે જેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતા સામેલ છે.
Source: News 18