આરએસએસની ભાજપને ચેતવણી

પૂવિય ઉત્તર પ્રદેશના કોંગ્રેસના ઇનચાર્જ પ્રિયંકા ગાંઘીની ભરચક સભાઓ અંગે રહસ્ય બન્યું જ રહેશે. પહેલું તો એ કે શું તે મોદી સામે લોકસભાની ચૂંટણી લડશે અને બીજું તેમની રેલીમાં જે જંગી મેદની દેખાય છે તે મત આપવા આવશે? ભાઇ રાહુલના પ્રચારમાં કેરળના વાયનાડમાં પણ તેમની રેલીમાં લાખો લોકો જોડાયા હતા. તેમ છતાં ખૂદ કોંગ્રેસીઓને પણ શંકા છે કે શું આ રેલીના લોકો મત આપવા આવશે? એ પણ સ્પષ્ટ થતું નથી કે લોકો તેને જોવા માટે આવે છે કે તેને સાંભળવા કે પછી અન્ય કોઇ કારણસર.આસામ પછી તેઓ રાજસ્થાાન અને મધ્યપ્રદેશમાં પણ રોડ શો કરશે. જો તેઓ વારાણસીમાં મોદી સામે ચૂંટણી નહીં લડે તો શક્ય છે કે દેશના અન્ય ભાગમાં પણ તે રેલી કાઢશે.
આરએસએસની ભાજપને ચેતવણી
રાજકીય બાબતોના જાણકારો કહે છે કે આરએસએસ એ ભાજપને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદના મુદ્દાને બદલે સ્થાનિક મુદદાઓ પર ધ્યાન આપે. તેમણે બાલાકોટનો ઉલ્લેખ ટાળવા ભાજપને કહ્યું હતું. સંઘ પરિવારે કરેલી વિષલેષણમાં જાણવા મળ્યું હતું કે જમીની સ્તરે આ મુદ્દાની કોઇ જ અથવા તો ખૂબ ઓછી અસર દેખાય છે. સંઘ પરિવારની ટીપ્પણી એટલા માટે પણ નોંધપાત્ર બની ગઇ છે કે વડા પ્રધાન મોદી વધુને વધુ સભાઓમાં બાલાકોટ અને સુરક્ષા દળોનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં ઓછા મતદાનથી પણ સંઘ ચિંતિત છે. તેમનું માનવું છે કે વધુ ટકાવારી ભાજપ માટે હેમંશા ફાયદાકારક સાબીત થઇ છે.
ચૂંટણી પંચનું વડા પ્રધાન પ્રત્યે નરમ વલણ
એક પણ દિવસ એવો ગયો નથી કે ચૂંટણી પંચે કોઇની સામે નોટીસ ના કાઢી હોય.યોગીથી લઇ માયાવતી, સાધવી પ્રજ્ઞાાથી લઇ આઝમ ખાન સુધી અનેક નેતાઓ સામે પંચે નોટીસો ફટકારી હતી, પરંતુ આજ સુધી વડા પ્રધાન મોદી સામે નોટીસ ફટકારી નથી. નવમી એપ્રીલે મોદીએ લાતુરમાં લોકોને બાલાકોટ સ્ટ્રાઇક પાછળ રહેલા સૈનિકો અને પુલવામાના શહીદો માટે મત માગ્યા હતા. એવી જ રીતે વર્ધામાં તેમણે હિન્દુ આતંકવાદ કહેવા બદલ હિન્દુઓને કોંગેરેસના ક્યારે પણ મત નહીં આપવા અપીલ કરી હતી. સ્પષ્ટપણે આચારસંહિતાનું ભંગ છે. છતાં પંચે આજ સુધી મોદી સામે કોઇ જ કાર્યવાહી કરી નથી.
વડા પ્રધાન પણ અન્યોની જેમ જ એક ઉમેદવાર છે
ચૂંટણી દરમિયાન વડા પ્રધાન પણ સામાન્ય ઉમેદવાર જ હોય છે, એમ જાણકારો માને છે. તેઓ કહે છે કે શક્તિમિશન ભાષણ અંગે પણ પંચે તેમને ક્લીનચીટ આપી હતી.તેઓ કહે છે કે આ કામ તો સુરક્ષા વિભાગનું છે. તેમના પર છોડી દેવાની જરૂર હતી. તેઓ કહે છે કે જ્યારે વડા પ્રધાનની વાત આવે તો પંચે સ્પષ્ટ નિર્ણય લેવાની જરૂર હોય છે. પરંતુ લાગે છે કે મોદીને તેમની મરજી મુજબ વર્તવાની છુટ અપાઇ છે.
Source: Divya Bhaskar